બર્નહાર્ટ, સારા (જ. 1844, પૅરિસ; અ. 1923) : ફ્રેન્ચ રંગભૂમિની અભિનેત્રી. મૂળ નામ રોસિન બર્નાર્ડ. 13 વર્ષની વય સુધી તેમનો ઉછેર ખ્રિસ્તી મઠમાં થયો. તે પછી તેમને પૅરિસ કલાવિદ્યાલયમાં પ્રવેશ અપાયો. 1862માં તેમણે ‘કૉમેદ્ ફ્રાંસ’માં પ્રથમ પાઠ ભજવ્યો. ત્યારે જોકે તેમને નિષ્ફળતા મળી હતી. 1866થી ’72ના સમયમાં તેમણે ઑડિયોન નાટ્યઘરના પ્રયોગોમાં જે પાઠ ભજવ્યા તે ધ્યાનાકર્ષક નીવડ્યા. વિશેષત: કૉપીના ‘લૈ પાસાં’(1869)માં, 1872–80માં ‘કૉમેડી’માં, ફિદ્ર (1874) અને હ્યુગોના ‘હર્નાની’(1877)માં ડોના સોલના પાઠોમાં તેમની પ્રતિભા ખીલી ઊઠી. તેમના મધુર સ્વરને કારણે તેઓ ફ્રેન્ચ રોમૅન્ટિક અને પ્રશિષ્ટ કરુણાંતિકાઓની રાણી તરીકે પ્રસ્થાપિત થયાં. ઑસ્કર વાઇલ્ડે તેમને ‘દિવ્ય સારા’ કહ્યાં. તેઓ ઝડપથી એ નામે સર્વત્ર જાણીતાં થયાં. 1880માં યુરોપ-અમેરિકાનો વ્યાવસાયિક પ્રવાસ ખેડ્યો અને ‘ઍડ્રિયેન લેકુવરોઈ’, ‘લા દામ ઓ કૅમેલિયાસ’ અને ‘ફ્રાઉફ્રાઉ’ પુસ્તક કર્યાં. સાર્દુ સાથેના લાંબા સહચારમાં તેમણે ‘ફિદોરા’, ‘થિયૉદોરા’ તથા ‘લા તૉસ્કા’માં અભિનય કર્યો. પૅરિસમાં તેમણે ઘણાં નાટ્યઘરોનું સંચાલન સંભાળ્યું. થિયેટર દ નેશન્સ ભાડે લઈ તેમણે તેનું નવું નામ થિયેટર સારા બર્નહાર્ટ આપ્યું. અહીં તેમણે જૂનાં સફળ નાટકો ભજવ્યાં. ‘હૅમલેટ’માં નાયિકાનું પાત્ર ભજવ્યું. 1901માં તેમના માટે જ લખાયેલા રોસ્તાંના
‘લ આઈલો’માં પણ પાઠ કર્યો. 1912માં તેમણે મૂક ચલચિત્રો ‘લા દામ ઓ કૅમેલિયાસ’ અને ‘ક્વીન એલિઝાબેથ’માં અભિનય આપ્યો. 1915માં તેમને પગ કપાવી નાખવો પડ્યો; છતાં તેમનું કાર્ય અટક્યું નહિ. તેમણે ઘણાં સ્થળે વિદાયસમારંભોમાં હાજરી આપી. તેઓ સિદ્ધહસ્ત ચિત્રકાર, કવિ અને શિલ્પી ઉપરાંત નાટ્યલેખિકા હતાં. એમનાં લખેલાં નાટકોમાં એમણે કામ પણ કર્યું. ‘લ ઍવોય’ (1898) અને ‘અં કૉયર દ’ ઓમ’ (1909) તેમનાં એવાં નાટકો હતાં. તેમનાં ‘સંસ્મરણો’ 1907માં પ્રસિદ્ધ થયાં હતાં.
બંસીધર શુકલ