બર્દવાન (બર્ધમાન) : પશ્ચિમ બંગાળમાં આવેલો જિલ્લો તથા તે જ નામ ધરાવતું જિલ્લામથક. ભૌગોલિક સ્થાન : તે 22° 56´થી 23° 53´ ઉ. અ. અને 86° 48´થી 88° 25´ પૂ. રે. વચ્ચેનો 7,024 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તેની ઉત્તરે બિહારનો દમકા જિલ્લો, પશ્ચિમે બંગાળના બીરભૂમ અને મુર્શિદાબાદ જિલ્લા; પૂર્વમાં નાદિયા જિલ્લો, દક્ષિણે હુગલી અને બાંકુરા જિલ્લા તથા પશ્ચિમે બિહારનો ધનબાદ જિલ્લો આવેલા છે. આ જિલ્લો અજય અને ભાગીરથી (હુગલી) નદીઓની વચ્ચે આવેલો છે. અજય નદી ઉત્તર તરફ બીરભૂમ તેમજ મુર્શિદાબાદ જિલ્લાઓ સાથેની સરહદ રચે છે; એ જ રીતે દક્ષિણ તરફ, અજય નદીને સમાંતર વહેતી દામોદર નદી પણ જિલ્લા-સરહદ બનાવે છે. પશ્ચિમ તરફ બારાકાર નદી પુરુલિયા જિલ્લાને અલગ પાડતી વાયવ્ય સરહદ રચે છે. પૂર્વ તરફ ભાગીરથી નદી નાદિયા સાથેની મુખ્ય સરહદ બનાવે છે, તો નૈર્ઋત્ય સરહદ બાંકુરા જિલ્લાને અલગ પાડે છે. અહીં નદીઓથી રચાયેલી ઉત્તર, પૂર્વ અને દક્ષિણ સરહદો કુદરતી હોવાથી તે વર્ષોથી એકધારી રહી છે જેમાં કોઈ જાતના ભૌગોલિક ફેરફારો શક્ય બન્યા નથી.
ભૂપૃષ્ઠ-જળપરિવાહ : આ જિલ્લો ભૂપૃષ્ઠના તફાવતોને કારણે બે સ્પષ્ટ વિભાગોમાં વહેંચાઈ ગયેલો છે. પૂર્વતરફી વિભાગ કાંપનાં મેદાનોવાળો છે. કેટલોક ભાગ નીચાણવાળો હોવાથી કળણ-ભૂમિ બની રહેલો છે, તે પાણીથી તરબતર રહે છે. પશ્ચિમ વિભાગ ખનિજીય ર્દષ્ટિએ સમૃદ્ધ છે. ભૂપૃષ્ઠ, ભૂમિર્દશ્યો તેમજ જમીનોના સંદર્ભમાં આ જિલ્લો બીરભૂમ, બાંકુરા અને મુર્શિદાબાદ જિલ્લાઓ સાથે સમાન પ્રાદેશિક લક્ષણો ધરાવે છે. આ પ્રકારનો પ્રદેશ ‘Rarh’ નામથી ઓળખાય છે. અજય, ભાગીરથી, દામોદર અને બારાકાર આ જિલ્લાની મુખ્ય નદીઓ છે. દામોદર નદી પર બંધ હોવાથી પૂરનિયંત્રણ શક્ય બન્યું છે. જિલ્લાની કુલ ભૂમિ પૈકીની 30,949 હેક્ટર ભૂમિ જંગલ-આચ્છાદિત છે. આ જંગલોને અનામત જંગલો, રક્ષિત જંગલો તથા બિનવર્ગીકૃત રાજ્ય-જંગલભૂમિ તરીકે વહેંચેલાં છે.
ખેતી-સિંચાઈ-પશુપાલન : આ જિલ્લો વિશેષે કરીને ખેતીપ્રધાન ગણાય છે; એટલું જ નહિ, તેને રાજ્યના અનાજના ભંડાર તરીકે પણ ઓળખવામાં આવે છે. અહીંની વસ્તીના મોટાભાગના લોકો ખેડૂતો કે ખેતમજૂરો છે, તેઓ ખેતીના વ્યવસાય પર નભે છે. જિલ્લાના મુખ્ય કૃષિપાકોમાં ડાંગર, ઘઉં, કઠોળ, તેલીબિયાં તથા અન્ય કૃષિપાકોમાં શેરડી, બટાટા વગેરેનો સમાવેશ થાય છે. શણ જેવા રેસાવાળા પાક પણ ઉગાડાય છે. જિલ્લાભરમાં સિંચાઈની ગૂંથણી વિશેષ પ્રમાણમાં જોવા મળે છે. નહેરો, તળાવો, કૂવા અને પાતાળકૂવા સિંચાઈ માટેના મુખ્ય સ્રોત છે. મયૂરાક્ષી નહેરયોજના તેમજ દામોદર ખીણ બૅરેજ દ્વારા અહીંની ઘણી ભૂમિને સિંચાઈનો લાભ મળે છે. જિલ્લાનાં મુખ્ય પશુઓમાં ભેંસ, ઘેટાં, અને ડુક્કરનો સમાવેશ થાય છે, મરઘાં-ઉછેરપ્રવૃત્તિનો પણ વિકાસ થયો છે. શહેરી તથા ગ્રામીણ વિસ્તારોમાં પશુસંવર્ધન-કેન્દ્રો ઊભાં કરવામાં આવેલાં છે.
ઉદ્યોગો : જિલ્લામાં 107 જેટલી કોલસાની ખાણો છે, તે પૈકી દેશભરમાં જાણીતું રાણીગંજનું કોલસાક્ષેત્ર ખૂબ જ મહત્વનું ગણાય છે. રાણીગંજ કોલસાના ક્ષેત્રમાં ગઠ્ઠાસ્વરૂપ લોહઅયસ્કના વિશાળ જથ્થા પણ મળે છે. આ ક્ષેત્રની બારાકાર કક્ષામાં સારી ગુણવત્તાવાળી અગ્નિજિત મૃદ (fire clay) પાતળા આંતરપડો (seams) રૂપે મળે છે. અન્ય પ્રકારની મૃદ પણ મળે છે. તેમાંથી ઈંટો અને માટીનાં વાસણો બનાવાય છે. અજય, દામોદર ને બારાકાર નદીઓના પટમાં રેતીના અખૂટ જથ્થા મળી આવે છે. જિલ્લાનો ઉપવિભાગ આસનસોલ રાજ્યનો મુખ્ય ઔદ્યોગિક વિસ્તાર છે. દુર્ગાપુરમાં ઔદ્યોગિક સંકુલ આવેલું છે; ત્યાં મોટા પાયા પરના ઉદ્યોગો વિકસ્યા છે. કુલુ, હીરાપુર અને બર્નપુર ખાતે પોલાદનાં 3 કારખાનાં આવેલાં છે. આ ઉપરાંત ચિત્તરંજન ખાતે ગાડીનાં એંજિનો બનાવવાનું કારખાનું, જે. કે. નગરમાં ઍલ્યુમિનિયમનું કારખાનું તથા રાણીગંજ ખાતે કાગળની મિલ આવેલાં છે. જિલ્લાભરમાં 85થી વધુ સૂચીકૃત કારખાનાં તેમજ અન્ય નાના સૂચીકૃત એકમો આવેલા છે. દામોદર ખીણ યોજના અહીંના વિસ્તારને સિંચાઈ ઉપરાંત ઉદ્યોગોને વીજળી પણ પૂરી પાડે છે.
વેપાર : ચોખા અહીંનો મુખ્ય વેપારી માલ ગણાય છે. આ જિલ્લામાં ઇજનેરી માલસામાન, ભૂગર્ભીય ટેલિફોન-દોરડાં, કાચ, કાગળ, સાબુ, સરસિયું, કોલસાનો ભૂકો, લોખંડ-પોલાદ, લોખંડની જાળીઓ, વિદ્યુતવાહી રેલએંજિનો, ઈંટો, નળિયાં, દેશી દારૂ વગેરે જેવી વસ્તુઓનું ઉત્પાદન થાય છે. આ બધી ઉત્પાદક ચીજો ઉપરાંત શણ, શાહી, વરાળવાહી રેલએંજિનો વગેરેની જિલ્લા બહાર નિકાસ થાય છે; જ્યારે કેરોસીન, ખાદ્યાન્ન, વાંસ, કાપડ, રેલએંજિનો માટેના છૂટા ભાગો, લોહઅયસ્ક, તાંબું વગેરે જેવી ચીજવસ્તુઓની આયાત કરવામાં આવે છે.
પરિવહન : જિલ્લામથક બર્ધમાન રેલમાર્ગ તથા સડકથી કલકત્તા સાથે જોડાયેલું છે. બર્ધમાન અને આસનસોલ મુખ્ય રેલમથકો છે. આ જિલ્લામાંથી પૂર્વવિભાગીય રેલમાર્ગ પસાર થાય છે. તેનો શાખામાર્ગ બીરભૂમ તથા સીતારામપુરને જોડે છે. કલકત્તાથી આવતો ગ્રાન્ડ ટ્રન્ક સડકમાર્ગ આ જિલ્લામાંથી પસાર થાય છે, તે મુખ્ય રેલમાર્ગને સમાંતર 160 કિમી. અંતર સુધી ચાલ્યો જાય છે. બર્ધમાન–કટવા (56 કિમી.), બર્ધમાન–કલના (55 કિમી.) તથા બર્ધમાન–બાંકુરા(17 કિમી.)ના સડકમાર્ગો પણ છે.
પ્રવાસન : જિલ્લાના જુદા જુદા વિસ્તારોમાં ઘણાં મંદિરો અને ઐતિહાસિક સ્મારકો આવેલાં છે. 1788માં નવાબહાટમાં બાંધેલું એક મંદિર 108 શિવલિંગ ધરાવે છે. કંચનનગરમાં ઈંટોથી બાંધેલું અને ટેરાકોટા-મૃદનાં નળિયાંથી સુશોભિત બંગાળી કુટિર શૈલીનું એક મંદિર આવેલું છે. આ સિવાય શિવાની દેવીમંદિર, ગોપેશ્વર મહાદેવ, ગોપીનાથ મંદિર, મદનગોપાલજીનું મંદિર, દેવલિયા મંદિર, ગાનરુઈનું પથ્થરનું મંદિર, બેગનિયાનું કલ્યાણેશ્વરી મંદિર, બૈદ્યનાથપુરનું પાંડવેશ્વરનું મંદિર, ઈચય ઘોષનું મંદિર, બીલેશ્વર મંદિર અહીંનાં જોવાલાયક ધાર્મિક સ્થળો છે. બર્ધમાન નગરમાં આવેલી શેરઅફઘનની, કુત્બ-ઉદ્-દીન પીર બહેરામ સેખાની તથા ખોજા અનવર શાહની કબરો ઐતિહાસિક મહત્વ ધરાવે છે. કુલીનગ્રામમાં આવેલા રામાનંદ ઠાકુરના કિલ્લાનાં ખંડિયેર, ચુરુલિયા ગામમાંનું રાજા નરોત્તમના કિલ્લાનું ખંડિયેર, કાક્સા નગરમાં આવેલો એક નાનો કિલ્લો તેમજ માજલીસાહેબની કબર, જૂનો મુસ્લિમ કિલ્લો તેમજ રાજગઢનો કિલ્લો પણ જાણીતાં સ્થાનો છે. બર્ધમાનના અબુરાયથી જગતરાય સુધીના રાજાઓનાં સ્મૃતિચિહ્નો ધૈનહાટ નગરમાં સમાજવાડી ઇમારતમાં જાળવી રાખવામાં આવેલાં છે. આ જિલ્લામાં દુર્ગાપૂજા, કાલીપૂજા, સરસ્વતીપૂજા, શિવરાત્રી, બૈશાખી ઉત્સવ ધામધૂમથી ઊજવાય છે તેમજ જિલ્લાનાં જુદાં જુદાં સ્થળોમાં મેળાઓ પણ ભરાય છે.
વસ્તી : 1991 મુજબ આ જિલ્લાની કુલ વસ્તી 60,50,605 જેટલી છે, તે પૈકી 31,86,833 પુરુષો અને 28,63,772 સ્ત્રીઓ છે. ગ્રામીણ અને શહેરી વસ્તીનું પ્રમાણ અનુક્રમે 39,27,613 અને 21,22,992 જેટલું છે. ધર્મવિતરણ મુજબની વસ્તીનું પ્રમાણ આ પ્રમાણે છે : હિન્દુઓ : 48,21,490; મુસ્લિમ : 11,82,755; ખ્રિસ્તી : 13,328; શીખ : 18,821; બૌદ્ધ : 1,140; જૈન : 705; અન્યધર્મી : 11,611 અને ઇતર 755 જેટલા છે. અહીં બંગાળી, હિન્દી, ઊડિયા, પંજાબી અને ઉર્દૂ ભાષાઓ બોલાય છે. જિલ્લામાં શિક્ષિતોની સંખ્યા 31,36,761 જેટલી છે, તે પૈકી 19,10,272 પુરુષો અને 12,26,489 સ્ત્રીઓ છે. ગ્રામીણ અને શહેરી શિક્ષિતોનું પ્રમાણ અનુક્રમે 1,84,441 અને 12,92,344 જેટલું છે. જિલ્લામાં પ્રાથમિક શિક્ષણથી માંડીને ઉચ્ચ શિક્ષણ માટેની વ્યવસ્થા છે; જુદી જુદી વિદ્યાશાખાઓ તેમજ સંગીતની મળીને કુલ 29 જેટલી ઉચ્ચ શિક્ષણની સંસ્થાઓ છે. એ જ રીતે તબીબી સેવાની પણ સગવડ છે. જિલ્લાને વહીવટી સરળતા માટે જુદા જુદા 32 પોલીસ મથક-વિસ્તારોમાં તેમજ 31 સમાજવિકાસ-ઘટકોમાં વહેંચેલો છે. જિલ્લામાં 61 નગરો અને 2,588 (વસ્તીવિહીન 103) ગામડાં આવેલાં છે.
ઇતિહાસ : 1760માં ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ આ વિસ્તારનો વહીવટ પોતાને હસ્તક લીધેલો. જિલ્લાનો આજનો વિસ્તાર બાંકુરા જિલ્લાનો કેટલોક ભાગ લઈને રચેલો છે. અગાઉ બાંકુરા વિસ્તાર પશ્ચિમ બર્ધમાન તરીકે ઓળખાતો હતો. 1805માં જંગલ મહાલ નામે નવો જિલ્લો રચાયેલો, તેમાં સેનપહાડી અને સેરગઢનાં પરગણાંના ભાગો પણ હતા, તે આજે જિલ્લાના આસનસોલ ઉપવિભાગમાં છે. 1820માં હુગલી જિલ્લો પણ અલગ બનાવાયેલો, પછીથી તેના ભાગોને બર્ધમાન અને હુગલીમાં વહેંચેલા. 1827માં આ જિલ્લો વિસ્તારવામાં આવેલો. 1833માં બાંકુરા જિલ્લો રચાયા પછી, કેટલાંક પરગણાંને બર્ધમાનમાં સમાવેલાં. 1872માં સોનામુખી, કોટલપુર અને ઇન્ડસ પોલીસમથકના વિસ્તારોને બાંકુરામાં લઈ જવાયેલા. જહાનાબાદ ઉપવિભાગને મેદિનીપુરમાં મુકાયેલો. એ જ વર્ષમાં આ જિલ્લાની વર્તમાન સરહદો નક્કી થઈ. કાલના અને કાટવા ઉપવિભાગો આકાર તથા વિસ્તારમાં હતા તેમજ રખાયા, પરંતુ ઉપવિભાગ તેના આજના આકારમાં 1879માં ફેરવાયો. આસનસોલ ઉપવિભાગને ઓગણીસમી સદીના અંતમાં આકારાયો. તેનું મુખ્ય મથક રાણીગંજ ખાતે હતું તે આસનસોલ ખાતે 1906માં ફેરવાયેલું.
બર્દવાન (શહેર) : ભૌગોલિક સ્થાન : 23° 15´ ઉ. અ. અને 87° 56´ પૂ.રે. તેનું બર્ધમાન (જૂનું બર્દવાન) નામ સંસ્કૃત શબ્દ ‘વર્ધમાન’ પરથી ઊતરી આવેલું છે. તે દામોદરની બંકા નદીશાખા પર વસેલું છે. આજુબાજુના વિસ્તાર માટે પરિવહનનું મુખ્ય મથક બની રહેલું છે. અહીં ડાંગર–તેલીબિયાં છડવાનાં કારખાનાં તથા હોઝિયરી, કટલરી અને ઓજારો બનાવવાના એકમો વિકસેલા છે. અહીંનાં જોવાલાયક સ્થળોમાં મહારાજાનો મહેલ, બગીચા ધરાવતી રાજવાડી, પ્રાચીન મુસ્લિમ કબરો તેમજ 108 શિવલિંગવાળાં અઢારમી સદીનાં મંદિર ઉલ્લેખનીય છે. 1865માં સ્થપાયેલી નગરપાલિકા મારફતે અહીંનો વહીવટ ચાલે છે.
ગિરીશભાઈ પંડ્યા