બર્ટ્રૅન્ડ લેન્સ (Bertrand lens) : પોલરાઇઝિંગ માઇક્રોસ્કોપ–ધ્રુવણ સૂક્ષ્મદર્શકમાં ઉપયોગમાં લેવાતું ઉપકરણ. ખનિજછેદના પ્રકાશીય ગુણધર્મોનો અભ્યાસ પોલરાઇઝિંગ માઇક્રોસ્કોપ હેઠળ સાદા ધ્રુવીભૂત પ્રકાશમાં પ્રકાશ-શંકુ(conical light)ની મદદથી કરવામાં આવે છે. માઇક્રોસ્કોપમાં પ્રકાશ-શંકુ મેળવવા માટે પીઠિકા(stage)ની નીચેના ભાગમાં ધ્રુવક (polariser) અને પીઠિકાની વચ્ચે અભિકેન્દ્રિત ર્દગ્-કાચ (convergent lens) દાખલ કરવામાં આવે છે. આ પ્રમાણે પ્રકાશ-શંકુનો ઉપયોગ કરવામાં આવે છે ત્યારે માઇક્રોસ્કોપમાં વિશ્લેષક (analyser), ઊંચી ક્ષમતાવાળો વસ્તુકાચ (high power objective) તેમજ બર્ટ્રૅન્ડ લેન્સનો પણ ઉપયોગ કરવામાં આવે છે. વિશ્લેષક અને વસ્તુકાચની વચ્ચેના ભાગમાં આવેલા બર્ટ્રૅન્ડ લેન્સને સૂક્ષ્મદર્શક નળીમાં દાખલ કરવામાં આવે છે. આ મુજબની ગોઠવણીથી ખનિજછેદ વ્યતિકરણ-આકૃતિ (interference figure) બતાવે છે. વ્યતિકરણ-આકૃતિના ઉદભવ દરમિયાન ખનિજછેદમાંથી બહાર પડતાં કિરણો ત્રાંસાં હોય છે. બર્ટૅ્રન્ડ લેન્સ આ ત્રાંસાં કિરણોને સમાંતર સ્થિતિમાં ફેરવે છે.
વ્રિજવિહારી દીનાનાથ દવે