બર્ટવિસ્ટલ, હૅરિસન સર (જ. 1934, લૅન્કેશાયર, ઇંગ્લૅન્ડ) : સંગીત-રચનાકાર. તેમણે ‘રૉયલ માન્ચેસ્ટર કૉલેજ ઑવ્ મ્યૂઝિક’ તથા લંડનની ‘રૉયલ એકૅડેમી ઑવ્ મ્યૂઝિક’માં સંગીતવિષયક અભ્યાસ કર્યો. માન્ચેસ્ટરમાં હતા ત્યારે બીજા યુવાન સંગીતકારોનો સહયોગ સાધીને આધુનિક સંગીતના કાર્યક્રમો આપવા ‘ન્યૂ માન્ચેસ્ટર ગ્રૂપ’ નામના એક નાના વૃંદની રચના કરી હતી. 1967માં તેમણે પીટર મૅક્સવેલ ડેવિસના સહયોગમાં ‘ધ પીરૉટ પ્લેયર્સ’ની સ્થાપના કરી. તેમની મોટાભાગની રચનાઓ એ વૃંદ માટે તથા ‘ધી ઇંગ્લિશ ઑપેરા ગ્રૂપ’ માટે તૈયાર કરાઈ હતી. 1975માં તે ‘નૅશનલ થિયેટર’માં સંગીતનિર્દેશક તરીકે નિયુક્ત થયા.
1993માં તે ‘લંડન ફિલહામૉર્નિક ઑરકેસ્ટ્રા’ માટેના સ્થાયી સંગીત-નિયોજક નિમાયા. 1965માં તૈયાર થયેલી 2 રચનાઓ પૈકી એક ‘ધ ટ્રૅજેડિયા’ વાદ્ય માટેની કૃતિ છે અને બીજી ‘રિંગ એ ડમ્બ કૅરિલૉન’ ગાયન તેમજ વાદન માટેનું નિર્માણ છે; આ બે સંગીત-રચનાઓના પરિણામે તે અગ્રણી સંગીતકાર બની રહ્યા.
1988માં તેમને ‘સર’નો ખિતાબ અપાયો હતો.
મહેશ ચોકસી