બર્ગિયસ, ફ્રેડરિખ કાર્લ રુડોલ્ફ (જ. 11 ઑક્ટોબર 1884, ગોલ્ડશ્માઇડેન, સિલેસિયા; અ. 30 માર્ચ 1949, બ્યુએનોસ આઇરિસ, આર્જેન્ટીના) : કોલસાનું તેલમાં રૂપાંતર કરવાની પ્રવિધિ વિકસાવનાર જર્મન નોબેલ પારિતોષિક વિજેતા રસાયણવિદ્. રસાયણ ઉદ્યોગપતિના પુત્ર બર્ગિયસનો અભ્યાસ બ્રેસલૉમાં થયેલો. રૂહરમાં છ માસ માટે ધાતુશોધનના કારખાનામાં કામ કરી અનુભવ મેળવ્યો. એબેગના માર્ગદર્શન નીચે તેમણે સંશોધન કરીને ‘ઑન ઍબ્સોલ્યુટ સલ્ફયુરિક ઍસિડ ઍઝ સોલ્વન્ટ’ શીર્ષક ધરાવતો મહાનિબંધ રજૂ કરીને 1907માં લિપઝિગ યુનિવર્સિટીની ઉપાધિ મેળવી. બર્લિનમાં નર્ન્સ્ટના હાથ નીચે
તથા 1909માં કાર્લ્સ રૂહમાં હાબરના હાથ નીચે વાયુઓ ઉપર સંશોધન કર્યું. પાંચ વર્ષ સુધી તેમણે શિક્ષણકાર્ય કર્યા બાદ પ્રથમ વિશ્વયુદ્ધ દરમિયાન રસાયણઉદ્યોગક્ષેત્રે કામ શરૂ કરીને બીજા વિશ્વયુદ્ધની આખર સુધી તે ચાલુ રાખ્યું. હાબરના માર્ગદર્શન નીચે ખૂબ ઊંચા દબાણ નીચે વાયુઓની પ્રક્રિયાઓનો અભ્યાસ કર્યો. કોલસા કરતાં ખનિજતેલમાં હાઇડ્રોજનનું પ્રમાણ વધુ તથા તેલનું વજન ઓછું હોય છે તે લક્ષમાં લઈને બર્ગિયસે એક વિધિ (બર્ગિયસ વિધિ) વિકસાવી, જેમાં કોલસાના ભૂકા તથા ખનિજતેલના મિશ્રણને ઊંચા દબાણે હાઇડ્રોજન સાથે ઉદ્દીપકની હાજરીમાં ગરમ કરીને નિસ્યંદન કરતાં પેટ્રોલ મળે છે. બીજા વિશ્વયુદ્ધ દરમિયાન આ વિધિ જર્મનીમાં ખૂબ વપરાઈ. આ ઉપરાંત તેમણે ફીનોલ તથા ઇથેન-1, 2-ડાયોલના સંશ્લેષણની ઔદ્યોગિક રીત પણ વિકસાવી. લાકડામાંથી શર્કરા મેળવવા અંગેનું સંશોધન પણ તેમણે કરેલું. તેમને લિબિગ ચંદ્રક એનાયત થયેલો. ઊંચા દબાણે રાસાયણિક પ્રક્રિયાઓ કરવાની પદ્ધતિઓની શોધ બદલ તેમને 1931ના વર્ષનો નોબેલ પુરસ્કાર કાર્લ બોશ સાથે સંયુક્ત રીતે પ્રાપ્ત થયો હતો.
જ. પો. ત્રિવેદી