બર્ગમૅન, ઇન્ગ્રિડ (જ. 29 ઑગસ્ટ 1915, સ્વીડન; અ. 1982) : આંતરરાષ્ટ્રીય ખ્યાતિપ્રાપ્ત સંવેદનશીલ અભિનેત્રી. માતાનું અવસાન ત્રીજે વર્ષે અને પિતાનું અવસાન ચૌદમે વર્ષે થતાં તેમનો ઉછેર મોટાભાગે સગાંઓએ કર્યો હતો. 1933માં હાઈસ્કૂલનું શિક્ષણ પૂરું કર્યા બાદ સ્ટૉકહોમની રૉયલ ડ્રામેટિક થિયેટર સ્કૂલમાં પ્રશિક્ષણ લીધું. સૌંદર્ય અને અભિનય-પ્રતિભા બંનેનો સુભગ સમન્વય હોવાને કારણે એક જ વર્ષમાં સ્વિડિશ ચિત્રોમાં તેમને મુખ્ય ભૂમિકા મળવા માંડી અને થોડા જ સમયમાં સ્વિડિશ પડદાનાં આશાસ્પદ અભિનેત્રી તરીકે ઊપસી આવ્યાં. 1936માં ગુસ્તાફ મૉલેન્ડરના ચિત્ર ‘ઇન્ટરમેઝો’માં કામ કર્યા બાદ આ જ ચિત્ર પરથી અંગ્રેજી ચિત્રમાં કામ કરવા 1939માં હૉલિવુડનું નિમંત્રણ આવ્યું. તેમાં સહઅભિનેતા લેસ્લી હાવર્ડ હતા. દિગ્દર્શન ગ્રેગરી રેટૉફે કર્યું હતું. એ પછીના વર્ષે બ્રૉડવેનાં નાટકોમાં કામ શરૂ કર્યું.
તેમનું પ્રથમ લગ્ન 1937માં સ્વિડિશ ડૉક્ટર પીટર લિન્ડસ્ટ્રૉમ સાથે થયું હતું. લગ્નો, છૂટાછેડા અને પ્રેમસંબંધોને કારણે તેમની શરૂઆતની સીધીસાદી અભિનેત્રી તરીકેની છબિ ખરડાઈ હતી; એટલું જ નહિ. કેટલાંક ધાર્મિક જૂથો, નારી-મંડળો અને રાજકારણીઓએ પણ તેમના મુક્તજીવનની એવી આકરી ટીકાઓ કરી હતી કે ’50ના દાયકાના પ્રારંભે સાતેક વર્ષ સુધી તેમને અમેરિકન ચિત્રોમાંથી બાકાત કરી દેવાયાં હતાં.
તેમનું અંગત જીવન જોકે ખૂબ દુ:ખી રહ્યું હતું. પ્રથમ પતિ ડૉ. લિન્ડસ્ટ્રૉમ કે બીજા પતિ ઇટાલિયન દિગ્દર્શક રૉબર્તો રોઝેલિની સાથેનું તેમનું દાંપત્ય સુખી નહોતું. પ્રથમ પતિથી તેમને એક પુત્રી તથા બીજા પતિથી એક પુત્ર અને જોડિયા પુત્રીઓ થયાં હતાં. તેમાંની એક પુત્રી ઇઝાબેલા રોઝેલિની અભિનેત્રી બની ચૂકી છે.
1944માં ‘ગૅસલાઇટ’ ચિત્રમાં શ્રેષ્ઠ અભિનેત્રીનો તેમને પ્રથમ ઑસ્કર ઍવૉર્ડ મળ્યો. લંડનમાં નિર્માણ પામેલા અમેરિકન ચિત્ર ‘ઍનેસ્તેશિયા’(1956)માં શ્રેષ્ઠ અભિનેત્રીનો બીજો ઑસ્કર ઍવૉર્ડ મળ્યો. આ ઍવૉર્ડ મળતાં હૉલિવુડમાં તેમનું પુનરાગમન થયું.
ઇટાલીના નવયથાર્થવાદના પ્રણેતા રૉબર્તો રોઝેલિની સાથે 1950માં તેમણે લગ્ન કર્યું. 1958માં આ લગ્નનો અંત આવતાં સ્વિડિશ નાટ્યનિર્માતા લાર્સ શ્મિડ્ટ સાથે લગ્ન કર્યું. બંને 1975માં છૂટાં પડ્યાં. જિંદગીનાં અંતિમ આઠ વર્ષ કૅન્સર સામે લડતાં લડતાં તેમણે ચલચિત્રો અને ટેલિફિલ્મમાં કામ કરવાનું ચાલુ રાખ્યું. ‘મર્ડર ઑન ધ ઑરિયેન્ટ એક્સપ્રેસ’ (1974) ચિત્રમાં તેમણે એક સીધીસાદી નર્સની ભૂમિકા ભજવી, અને તે માટે શ્રેષ્ઠ સહાયક અભિનેત્રીનો ઑસ્કર ઍવૉર્ડ મેળવ્યો.
ખ્યાતનામ સ્વિડિશ ચિત્રસર્જક ઇંગમાર બર્ગમૅન સાથે ઇન્ગ્રિડે પ્રથમ વાર ‘ઑટમ સૉનટા’(1978)માં કામ કર્યું. આ ફિલ્મ માટે તેમને શ્રેષ્ઠ અભિનેત્રી માટે ઑસ્કર પુરસ્કારનું નામાંકન મળ્યું હતું. એક પિયાનો-વાદકની અત્યંત જટિલ ભૂમિકા તેમણે આ ચિત્રમાં ભજવી હતી. આ ચિત્ર તેમનું આખરી ચિત્ર બની રહ્યું. એ પછી 1981માં તેમણે ટેલિફિલ્મ ‘એ વુમન કૉલ્ડ ગોલ્ડા’માં ઇઝરાયલનાં વડાંપ્રધાન ગોલ્ડા માયરની ભૂમિકા ભજવી. તેમની આત્મકથા ‘ઇન્ગ્રિડ બર્ગમૅન – માય સ્ટોરી’ 1980માં પ્રગટ થઈ.
તેમનાં નોંધપાત્ર ચિત્રો : ‘ઍડલ હૅડ ફૉર સન્સ’, ‘ડૉ. જેકિલ ઍન્ડ મિ. હાઇડ’ (1941), ‘કાસા બ્લાન્કા’, ‘ફૉર હૂમ ધ બેલ ટૉલ્સ’ (’43), ‘ગૅસલાઇટ’ (’44), ‘સ્પેલબાઉન્ડ’, ‘ધ બેલ્સ ઑવ્ સેન્ટ મેરીગ્ઝ’ (’45), ‘નોટોરિયસ’ (’46), ‘જોન ઑવ્ આર્ક’ (’48), ‘ધ ગ્રેટેસ્ટ લવ’ (’52), ‘ધ લોન્લી વુમન’ (’53), ‘પૅરિસ ડઝ સ્ટ્રેન્જ થિંગ્ઝ’, ‘ઍનેસ્તેશિયા’ (’56), ‘ગુડબાય અગેન’ (’61), ‘ધ યલો રોલ્સરૉઇસ’, (’64), ‘એ વૉક ઇન ધ સ્પ્રિંગ રેઇન’ (’70), ‘મર્ડર ઑન ધ ઓરિયેન્ટ એક્સપ્રેસ’ (’74), ‘ઑટમ સૉનાટા’ (’78).
હરસુખ થાનકી