બરુવા, પ્રમથેશ (જ. 24 ઑક્ટોબર 1903, ગૌરીપુર, આસામ; અ. 29 નવેમ્બર 1951) : ભારતીય ચલચિત્રોમાં સીમાચિહ્નરૂપ ગણાયેલા ચિત્ર ‘દેવદાસ’ના અભિનેતા-દિગ્દર્શક. ગૌરીપુરના રાજવી પરિવારમાં જન્મ. 1924માં કલકત્તાની પ્રેસિડન્સી કૉલેજમાંથી બી.એસસી. થયા બાદ ચલચિત્ર-નિર્માણનો અભ્યાસ કરવા યુરોપ ગયા. 1928માં આસામ વિધાન પરિષદના સભ્ય નિમાયા. એ જ વર્ષે ચિત્તરંજન દાસના સ્વરાજ્ય પક્ષના સભ્ય બનીને ચૂંટણી લડ્યા અને જીત્યા. 1930માં ફરી યુરોપ ગયા. બ્રિટિશ ડોમિનિયન ફિલ્મ્સના નિર્દેશક-મંડળમાં તેમનો સમાવેશ કરાયો.
યુરોપથી પાછા ફરીને તેમણે બરુવા પિક્ચર્સ લિમિટેડ નામે સંસ્થા અને સ્ટુડિયોની સ્થાપના કરી. પ્રથમ ચિત્ર ‘અપરાધી’માં તેમણે અભિનય કર્યો. આ ચિત્રનું દિગ્દર્શન તેમણે દેવકી બોઝને સોંપ્યું હતું. ફ્રાન્સથી પ્રકાશ-વ્યવસ્થા માટેનાં જે સાધનો તેઓ લાવ્યા હતા તેનો આ ચિત્રના ચિત્રાંકનમાં ઉપયોગ કર્યો. ‘અપરાધી’ ચિત્રનું પહેલવહેલી વાર કૃત્રિમ પ્રકાશનો ઉપયોગ કરી ચિત્રાંકન કરાયું હતું. 1930માં ‘નિશિર ડાક’ અને 1931માં ‘એકદા’નું નિર્માણ કર્યા બાદ ‘બંગાલ, 1983’ બોલપટનું નિર્માણ કર્યું. ન્યૂ થિયેટર્સના બીરેન્દ્રનાથ સરકારના આમંત્રણથી તેઓ તે સંસ્થામાં જોડાઈ ગયા.
બરુવા 1940 સુધી ન્યૂ થિયેટર્સ સાથે રહ્યા. આ ગાળો તેમની કારકિર્દીનો શ્રેષ્ઠ સમય બની રહ્યો. આ દરમિયાન તેમણે 14 બંગાળી અને 7 હિંદી ચિત્રોનું દિગ્દર્શન કર્યું. અમુકમાં અભિનય પણ કર્યો.
ન્યૂ થિયેટર્સમાં ગયા બાદ પ્રથમ તેમણે ‘રૂપલેખા’નું દિગ્દર્શન કર્યું અને અભિનય કર્યો. આ જ ચિત્રમાં ‘ફ્લૅશબૅક’ દ્વારા વાર્તા કહેવાનો તેમણે પ્રયોગ કર્યો. શરદબાબુની પ્રશિષ્ટ કૃતિ ‘દેવદાસ’ પરથી 1935માં તેમણે બંગાળી અને હિંદી ભાષામાં ચિત્રસર્જન કર્યું. બંગાળીમાં મુખ્ય ભૂમિકા બરુવાએ પોતે અને હિંદીમાં મુખ્ય ભૂમિકા કુન્દનલાલ સાયગલે ભજવી હતી. પારોની ભૂમિકા માટે તેમણે જમુના નામની એક સાધારણ નર્તકીની પસંદગી કરી હતી. સમય જતાં તેમણે જમુના સાથે લગ્ન કરી લીધાં. ‘દેવદાસ’ ચિત્રને અદભુત સફળતા મળી. પ્રથમ વાર તેમણે આ ચિત્રના સંવાદોમાં બોલચાલની ભાષાનો પ્રયોગ કર્યો અને ચિત્રનો અંત સુખાંત જ હોય એ પરંપરામાંથી બહાર નીકળીને ચિત્રને દુ:ખાંત નિરૂપ્યું. ‘દેવદાસ’ની સફળતા પછી પ્રમથેશ બરુવા પાસેથી વધુ સારાં ચિત્રો મળવાની અપેક્ષા રખાવા માંડી. બરુવાએ જે પણ ચિત્રો બનાવ્યાં, એમાં તેમણે વણસ્પર્શ્યા વિષયો પસંદ કર્યા.
1936માં ‘ગૃહદાહ’ (બંગાળી) અને ‘મંઝિલ’(હિંદી)’માં તેમણે લગ્નબાહ્ય સંબંધો અને તે પછી પેદા થતી અપરાધની માનસિકતાને કેન્દ્રમાં રાખી. 1937માં ‘મુક્તિ’માં નાયકને પોતાની ભૂતપૂર્વ પત્નીને પોતાના નામનાં તમામ બંધનોમાંથી મુક્ત કરવા ઝૂઝતો દર્શાવ્યો.
‘મુક્તિ’ની હિંદી વાર્તા પરથી જ્યારે આ જ નામના બંગાળી ચિત્રનું તેમણે નિર્માણ કર્યું ત્યારે ખુદ રવીન્દ્રનાથ ટાગોર તે માટે ગીત-સંગીત આપવા તૈયાર થયા હતા. 1940માં તેમણે ‘જિંદગી’નું નિર્માણ કર્યું. આમાં એક એવી પત્નીની કથા હતી, જે ન તો પોતાના પતિને છોડી શકતી હતી, ન તેની સાથે રહી શકતી હતી.
1940માં બરુવાએ ન્યૂ થિયેટર્સ છોડી દીધું. એ પછી તેમનાં બે નોંધપાત્ર ચિત્રો ‘જવાબ’ (1942) અને ‘અમીરી’ (1945) બન્યાં. ન્યૂ થિયેટર્સના અન્ય ચિત્રસર્જકોની જેમ તેઓ મુંબઈ ન ગયા. અંત સુધી તેઓ કલકત્તામાં જ રહ્યા. 1947થી તેમનું સ્વાસ્થ્ય ખૂબ લથડવા માંડ્યું. તેમનું નિધન પ્રમાણમાં વહેલું થયું.
હરસુખ થાનકી