બરી, જે. બી. (જ. 16 ઑક્ટોબર 1861, મોનાઘન, આયર્લૅન્ડ; અ. 1 જૂન 1927, રોમ) : પ્રસિદ્ધ બ્રિટિશ ઇતિહાસકાર. આઇરિશ પાદરીના પરિવારમાં તેમનો જન્મ. માતાપિતા પાસે પ્રારંભિક શિક્ષણ મેળવીને તેઓ લંડનની ફૉઇલ કૉલેજ અને ત્યારબાદ ડબ્લિનની ટ્રિનિટી કૉલેજમાં અભ્યાસ કરીને 1882માં સ્નાતક થયા. તેઓ કેમ્બ્રિજ યુનિવર્સિટીમાં 1885માં ફેલો તરીકે નિમાયા. ત્યારબાદ આઠ વરસે આધુનિક ઇતિહાસના અધ્યાપક બન્યા અને 1902માં બ્રિટિશ તાજની આર્થિક સહાય મેળવતા અધ્યાપક તરીકે તેમને નીમવામાં આવ્યા. આ દરમિયાન ‘Kottabos’ નામના વિદ્વાનોના જર્નલના તેઓ સંપાદક હતા. તેમણે રશિયન તથા હંગેરિયન ભાષાઓનો અભ્યાસ કર્યા બાદ રોમન સામ્રાજ્ય વિશે ‘એ હિસ્ટરી ઑવ્ ધ લેઇટર રોમન એમ્પાયર, ફ્રૉમ આર્કેડિયસ ટુ ઇરિન’ બે ગ્રંથમાં અને ‘હિસ્ટરી ઑવ્ ધ રોમન એમ્પાયર ફ્રૉમ ઇટ્સ ફાઉન્ડેશન ટુ ધ ડેથ ઑવ્ માર્કસ ઑરીલિયસ’ પ્રગટ કર્યા. તેમણે ગિબનના ‘ડિક્લાઇન ઍન્ડ ફૉલ ઑવ્ ધ રોમન એમ્પાયર’ વિશે નોંધો તથા પરિશિષ્ટો સહિત નવાં સંશોધનો દર્શાવીને ગ્રંથ તૈયાર કર્યો તથા 1898થી 1904 દરમિયાન ‘બિઝેન્ટાઇન ટેક્સ્ટ્સ’નું સંપાદન કર્યું. તેમણે 1908માં હાર્વર્ડ યુનિવર્સિટીમાં આપેલાં પ્રવચનો ‘ધી એન્શિયન્ટ ગ્રીક હિસ્ટોરિયન્સ’ શીર્ષક હેઠળ બીજે વરસે પ્રગટ થયાં. 1912માં તેમણે રોમ વિશે વધુ એક ગ્રંથ પ્રગટ કર્યો. તેનું શીર્ષક ‘એ હિસ્ટરી ઑવ્ ધી ઈસ્ટર્ન રોમન એમ્પાયર, ફ્રૉમ ધ ફૉલ ઑવ્ ઇરિન ટુ ધી ઍક્સેશન ઑવ્ બેસિલ’ છે. આ ઉપરાંત તેમણે 1914માં ‘એ હિસ્ટરી ઑવ્ ફ્રીડમ ઑવ્ થૉટ’ અને 1920માં ‘ધી આઇડિયા ઑવ્ પ્રોગ્રેસ’ નામના ગ્રંથો પ્રકાશિત કર્યા. 1923માં તેમણે રોમ વિશે વધુ એક ગ્રંથ લખ્યો. તેમના અવસાન બાદ, તેમનાં વ્યાખ્યાનોને સમાવી લેતા બે ગ્રંથો – ‘ધી ઇન્વેઝન ઑવ્ યુરોપ બાય ધ બાર્બેરિયન્સ’ 1928માં અને ‘હિસ્ટરી ઑવ્ ધ પેપસી ઇન ધ નાઇન્ટિન્થ સેન્ચરી (1864–1878)’ – 1930માં પ્રગટ થયા.
તેઓ ઇતિહાસને પદ્ધતિસરનું શાસ્ત્ર (science) માનતા હતા. તેમણે ઇતિહાસ વિશેના પોતાના વિચારો ‘હિસ્ટરી ઑવ્ ફ્રીડમ ઑવ થૉટ’માં રજૂ કર્યા છે. પૂર્વીય રોમન સામ્રાજ્યનાં કલા, સ્થાપત્ય, સંસ્કૃતિ, તત્વજ્ઞાન વગેરે સહિતના ઇતિહાસનો તલસ્પર્શી અભ્યાસ કરનાર તેઓ આગેવાન ઇતિહાસકાર હતા.
કનુભાઈ ચં. બારોટ