બરહાનપુર : મધ્ય પ્રદેશના પૂર્વ નિમાડ જિલ્લાનું નગર. ભૌગોલિક સ્થાન 21° 15´ ઉ. અ. અને 76° 19´ પૂ. રે. તે તાપી નદીને ઉત્તરકાંઠે વસેલું છે. ખાનદેશના મલેક રાજા નાસિરખાન ફારૂકી(1380–1437)એ આ નગર વસાવી ત્યાંના સૂફી સંત બુરહાનુદ્દીનના નામ પરથી તેને નામ અપાયું.
સુલતાન મલેક નાસિરખાન ફારૂકી પછીના બરહાનપુરના શાસકો ખાસ નોંધપાત્ર નથી. છેવટે આદિલશાહ–2 (1457–1503) નામે એક શક્તિશાળી સુલતાન બરહાનપુરની ગાદી પર આવ્યો. તેણે રાજ્યનો વિસ્તાર કર્યો અને વહીવટ પણ સુધાર્યો. તેના પછી તેનો ભાઈ દાઉદખાન (1503–1510) ગાદીએ બેઠો. પરંતુ તે અયોગ્ય શાસક હતો. તેના પછી તેનો પુત્ર ગઝનીખાન ગાદી પર આવ્યો. થોડા સમયમાં જ તેનું ખૂન થતાં રાજ્યમાં અંધાધૂંધી વ્યાપી ગઈ. છેવટે ગુજરાતના સુલતાન મહંમદ બેગડાની સહાયથી નાસિરખાન ફારૂકીનો પૌત્ર આદિલખાન ત્રીજો સુલતાન બન્યો. આ રીતે ખાનદેશ પર ગુજરાતના સુલતાનનું વર્ચસ્ સ્થપાયું. આદિલખાને 1520 સુધી રાજ્ય કર્યું. ત્યારપછી બરહાનપુરની ગાદીએ નબળા સુલતાનો આવ્યા.
1572–73માં સમ્રાટ અકબરે ગુજરાત પર વિજય કરતાં મુઘલ સામ્રાજ્યની હદ ખાનદેશ સુધી પહોંચી. 1572માં અકબરે પોતાનો એક દૂત બરહાનપુર અલીખાનના દરબારમાં મોકલ્યો. અલીખાને, અકબરને વાર્ષિક ખંડણી આપવાનું સ્વીકાર્યું, પરંતુ તે પાછળથી ફરી ગયો. છેવટે અકબરે 1577માં એક બળવાન લશ્કર રવાના કર્યું, જેણે રાજધાની બરહાનપુરને ઘેરો ઘાલ્યો. છેવટે અલીખાને મુઘલ સમ્રાટ અકબરની શરણાગતિ સ્વીકારી અને પોતાની પુત્રી, અકબરના શાહજદા સલીમ વેરે પરણાવવા શાહી જનાનખાનામાં મોકલી. 1591માં અકબરે શાહી દૂત ફૈઝને બરહાનપુર મોકલ્યો, પરિણામે અલીખાને મુઘલ સમ્રાટની સર્વોપરિતા સ્વીકારી ખંડણી મોકલવાનું કબૂલ કર્યું. આમ બરહાનપુરની સ્વતંત્રતાનો અંત આવ્યો.
1678માં મરાઠાઓએ ત્યાં હુમલા કર્યાં, લૂંટ કરી. પેશવાઓ તે પ્રદેશ પર સત્તા ભોગવતા હતા. તે પછી ગ્વાલિયરના સિંધિયા અને ઇન્દોરના હોલકરનાં સૈન્યો ત્યાં વખતોવખત હુમલા કરતા. 1818માં આ વિસ્તારમાં બ્રિટિશ સત્તા સ્થપાઈ. 1857માં બરહાનપુરમાં સિપાઈઓએ બળવો કર્યો હતો. તાત્યા ટોપે તેના લશ્કર સાથે આ વિસ્તારમાંથી પસાર થયો હતો.
બરહાનપુરમાં તેના ભવ્ય ભૂતકાળની યાદ આપતી કેટલીક ઇમારતો ઊભી છે તેમાં નગરને ફરતો કિલ્લો, બેગમનો મકબરો, જામે મસ્જિદ તેમજ ઈ. સ. 1400માં બંધાયેલ એક મહેલ ઉલ્લેખનીય છે. અગાઉ અહીં તારકસબની કોરવાળી મલમલનો વેપાર મોટા પાયા પર વિકસેલો, પણ તે અઢારમી સદીમાં પડી ભાંગ્યો. અલબત્ત, આજે નાના પાયા પર એ ચાલે છે ખરો. આ નગર એક મહત્વનું રેલજંક્શન હોવાથી સુતરાઉકાપડના ઉત્પાદનના મથક તરીકે તથા વેપારી મથક તરીકે વિકસ્યું છે.
ગિરીશભાઈ પંડ્યા
ઉષાકાન્ત શાસ્ત્રી