બફર રાજ્યો : બે બળવાન રાજ્યો, રાષ્ટ્રો કે વિસ્તારો વચ્ચે સ્થિત નાનું રાજ્ય જે પોતે એક સ્વતંત્ર રાજ્ય હોય.
આવા રાજ્યનું અસ્તિત્વ પડોશનાં બે મોટાં રાજ્યો કે વિસ્તારો વચ્ચે અવરોધ પેદા કરતું હોય છે. સત્તાના રાજકારણની આ એક પ્રકારની પારંપારિક વ્યવસ્થા છે. 1815ની વિયેના કૉંગ્રેસ અને 1919ની પૅરિસ પીસ કૉન્ફરન્સ વચ્ચેના ગાળામાં આવી વ્યવસ્થાની આંતરરાષ્ટ્રીય રાજકારણમાં નોંધપાત્ર ભૂમિકા હતી. મોટા રાજ્યના ઓચિંતા અને અણધાર્યા હુમલાથી બચવા માટે આ પ્રકારની વ્યવસ્થા લાભદાયી બનતી. વળી, આવા બફર-રાજ્યની હાજરીથી બે મોટાં રાજ્યો વચ્ચેના વિદેશ-સંબંધોમાં પેદા થતા તણાવ સમયે વારંવારનું ઘર્ષણ નિવારી શકાતું. સંભવિત દુશ્મનાવટથી પડોશી દેશોને દૂર રાખવામાં આ વ્યવસ્થા મહત્વની ભૂમિકા ભજવતી. ભારત અને રશિયા વચ્ચે એક જમાનામાં અફઘાનિસ્તાન; જર્મની અને ઑસ્ટ્રિયા વચ્ચે ચેકોસ્લોવાકિયા; જર્મની અને હંગેરી વચ્ચે ઑસ્ટ્રિયા; રશિયા, ચીન અને જાપાન વચ્ચે મંચુરિયા; ફ્રાંસ, જર્મની અને ઇંગ્લૅન્ડ વચ્ચે હૉલેન્ડ અને બેલ્જિયમ આવાં બફર-રાજ્યોનાં જાણીતાં ર્દષ્ટાન્તો રહ્યાં છે. બ્રિટિશ સામ્રાજ્યના સમયે તિબેટ પણ ભારત અને ચીન વચ્ચે આવી ભૂમિકા ધરાવતું હતું. સામાન્ય ગણાતાં યાંત્રિક યુદ્ધોના યુગમાં બફર-રાજ્યો યુદ્ધ રોકવામાં મહત્વનાં ગણાતાં હતાં ખરાં; પરંતુ મિસાઇલ્સ અને અણુશસ્ત્રોના આધુનિક યુગમાં તેમનું મહત્વ ઘટ્યું છે. ઓગણીસમી સદીનાં બફર-રાજ્યો વીસમી સદીના સૅટેલાઇટ રાજ્યોમાં પરિવર્તન પામ્યાં હોવાથી આમ બન્યું છે.
રક્ષા મ. વ્યાસ