બન્દર સેરી બેગવાન : બ્રુનેઈ શહેર તરીકે ઓળખાતું બ્રુનેઈ દેશનું અગાઉ(1970 સુધી)નું પાટનગર. ભૌગોલિક સ્થાન : 4° 55´ ઉ. અ. અને 114° 55´ પૂ. રે. બન્દર સેરી બેગવાન બૉર્નિયોના કિનારે સારાવાકથી પશ્ચિમ તરફ સિરિયા અને કુઆલા બેલેટ જતા માર્ગ પર આવેલું છે. દક્ષિણ ચીની સમુદ્રના ફાંટા બ્રુનેઈ ઉપસાગરમાં મળતી બ્રુનેઈ નદીના મુખથી તે 14 કિમી.ને અંતરે વસેલું છે. તે કૃષિપેદાશોના વેપારનું મથક તથા નદીબંદર તરીકે વિકસ્યું છે. બીજા વિશ્વયુદ્ધ દરમિયાન તેની મોટા પાયા પર તારાજી થયેલી, પરંતુ તે પછીથી તેનું પુનર્નિર્માણ કરવામાં આવેલું છે. તેનાં નવાં બાંધકામો પૈકી શાહી મહેલ, રમતગમતો યોજવા માટેનું સ્ટેડિયમ તથા એશિયાભરમાં મોટામાં મોટી અને ભવ્ય ગણાતી, 1958માં તૈયાર કરવામાં આવેલી સુલતાન ઓમર અલી સૈફુદ્દીન મસ્જિદ અને કેમ્પોંગ આયર જળગ્રામનો સમાવેશ થાય છે. આ શહેરને આંતરરાષ્ટ્રીય હવાઈ સેવાસગવડ મળી રહે છે. 1972થી તેનું મુખ્ય વેપારી મથક બ્રુનેઈના મુખ ખાતે મુઆરાનું ઊંડા જળનું બંદર રહેલું. અહીંથી 6.5 કિમી. અંતરે આવેલું બ્રુનેઈનું સંગ્રહાલય તેનું મુખ્ય સાંસ્કૃતિક કેન્દ્ર ગણાય છે.
ગિરીશભાઈ પંડ્યા