બન્ની (Banni) : ગુજરાત રાજ્યના કચ્છ જિલ્લામાં આવેલો ઉત્કૃષ્ટ પ્રકારના ઘાસચારાનો નીચી ભૂમિનો પ્રદેશ. તે કચ્છના મોટા રણ વચ્ચે વિશાળ વિસ્તાર આવરી લેતા રણદ્વીપ જેવો છે. અહીં ઘાસ, આકાશ અને પાણી સિવાયના અન્ય રંગોનો જાણે અભાવ વરતાય છે. આ પ્રદેશ આશરે 23° 50´ થી 24° 00´ ઉ.અ. અને 69° 00´થી 70° 00´ પૂ.રે. વચ્ચેનો આશરે 3,872 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તેની ઉત્તરે કચ્છનું મોટું રણ પથરાયેલું છે, રણની પેલી પાર ઉત્તરમાં પાકિસ્તાનની સરહદ આવેલી છે; ઈશાન તરફ કલિંગર(Kalingar)ની ટેકરીઓ તથા પૂર્વ અને દક્ષિણ તરફ નીચાણવાળી ભૂમિનો વિસ્તાર આવેલો છે, જ્યારે પશ્ચિમ તરફ નાની ટેકરીઓ જોવા મળે છે. રણના ખારા પટની દક્ષિણ ધાર પર આવેલો આ રણદ્વીપ તેના તળભાગના ઉપસ્રાવથી બનેલો હોવાનું મનાય છે. અહીંની જમીનો ક્ષારીય અને માટીમિશ્રિત છે. સર્વત્ર માટી જ માટી છે, ક્યાંય પણ કાંકરા જોવા મળતા નથી. એકમાત્ર નૂરેવાલીમાં આશરે 6 મીટર લાંબી અને 1.25 મીટર પહોળી ખડકાળ પટ્ટી જોવા મળે છે.

આબોહવા : અયનવૃત્ત પર આવેલા આ રણપ્રદેશની આબોહવા સૂકી અને વિષમ છે. ઉનાળા અને શિયાળાનાં તાપમાન અનુક્રમે 45°થી 48° સે. અને 5°થી 10° સે. જેટલાં અનુભવાય છે. અહીં ભેજનું પ્રમાણ ઘણું ઓછું રહે છે. વાર્ષિક વરસાદ આશરે 400 મિમી. કે તેનાથી ઓછો પડે છે.

જળપરિવાહ : બન્નીના પ્રદેશમાં 46 જેટલા નાના નાના ઝરાઓ જેવાં જળાશયો આવેલાં છે. આજુબાજુના વિસ્તારથી આ ભૂમિભાગ પ્રમાણમાં નીચો હોવાથી નાની નદીઓ તેમની સાથે પાણી અને માટી જમા કરે છે. અહીં વહેતી ભરૂડ નદી નનામાની ટેકરીઓમાંથી, નારા નદી લખપત તાલુકામાં આવેલા માતાના મઢ પાસેથી, ખારી નદી ભુજ તાલુકાની ચાડવાની ટેકરીઓમાંથી, કૈલા નદી વરાર અને જુરાની ટેકરીઓમાંથી તથા કાસવતી નદી હબોની ટેકરીઓમાંથી નીકળે છે. ખારી નદીના હેઠવાસમાં તેને મીઠી નદી મળે છે. રુદ્રમાતા નજીક એક નાનો બંધ પણ બાંધવામાં  આવેલો છે. આ બધી નદીઓ મોસમી અને મુદતી છે. બન્નીના પ્રદેશમાં માત્ર ત્રણ ઝીલમાં બારેમાસ પાણી રહે છે. ચોમાસાની ઋતુમાં અહીં લોકો નેસડે નેસડે કૂવા (સ્થાનિક નામ ખૂંપરા) બનાવે છે. આ કૂવા આશરે 3.6 મીટર જેટલા ઊંડા હોય છે. રણપ્રદેશ દરિયાની સપાટીથી થોડીક જ ઊંચાઈએ રહેલો હોવાથી ભૂગર્ભજળસપાટી છીછરી ઊંડાઈએ રહેલી હોય છે. આજથી પચાસ વર્ષ પહેલાં (1949માં) ભૂગર્ભજળસપાટી 3.6થી 4.5 મીટર ઊંડાઈએ રહેલી હોવાનો અંદાજ મુકાયો હતો.

વનસ્પતિ અને પ્રાણીજીવન : બન્નીની જમીનો ક્ષારીય હોવા છતાં કાંપમાટીની બનેલી હોવાથી અહીં ઉત્તમ પ્રકારના ઘાસનાં બીડો આવેલાં છે. 777 ચોકિમી.નો વિસ્તાર આવરી લેતું બન્નીનું ગૌચર સમગ્ર એશિયા ખંડમાં સૌથી મોટું ગણાય છે. અહીંની ભૂમિ પર ઢોરોને માફક આવે એવું કુદરતી ભેટ ગણાતું, 31 પ્રકારો ધરાવતું, ક્ષારભરપૂર પૌષ્ટિક ઘાસ છાતી સમું ઊગી નીકળે છે. પરંતુ છેલ્લા કેટલાક દાયકાથી ગાંડા બાવળના વ્યાપને લીધે ગૌચર નાશ પામતું જાય છે, આ રીતે વિસ્તરતા જતા ગાંડા બાવળે કચ્છની મીઠી ઝાડી અને પૌષ્ટિક ઘાસનો સોથ વાળી નાંખ્યો છે. આ ઉપરાંત અહીં દેશી બાવળ, ગૂગળ, ઉંબરો, ખીજડો, વડ, આમલી, સમી, બીલી, પીલુડી અને નિર્મળી મુખ્ય છે.

સમગ્ર એશિયામાં ઘુડખર (wild ass) ફક્ત આ પ્રદેશમાં તેમજ કચ્છના રણમાં જ જોવા મળે છે. રણપ્રદેશના આ કંઠારભાગમાં થતું પૌષ્ટિક ઘાસ ખાઈ આ પ્રજાતિ ટકી રહી છે. મોટા રણની ઉત્તરે થરી અને બન્નિયાર ઓલાદનાં, મોટા અને નાના રણની પૂર્વે કાંકરેજી ઓલાદનાં, નાના રણની દક્ષિણે વઢિયાર (વાગડ) ઓલાદનાં ઢોર જોવા મળે છે. આ જાતવાન ઢોરોમાં ગાય, બળદ, ભેંસ, ઊંટ, ઘેટાં-બકરાંનો સમાવેશ થાય છે. બન્નીની નજીકમાં આવેલા ઢોરી ગામ ખાતે પશુમેળો ભરાય છે. અહીંના માલધારીઓ મોટી સંખ્યામાં ઢોરઢાંખર રાખે છે, દૂધ-ઉત્પાદન પર તેમનો જીવનનિર્વાહ ચલાવે છે. ખાવડા અહીંનું મુખ્ય મથક છે. ત્યાંની મીઠાઈ કચ્છમાં ખૂબ જાણીતી બનેલી છે.

પરિવહન-વ્યવસાય : બન્ની પ્રદેશમાં કોઈ મોટું નગર આવેલું નથી;  ખેતીની પ્રવૃત્તિઓનો પણ વિશેષ વિકાસ થયેલો નથી; તેથી પરિવહન-ક્ષેત્ર પણ વિકસ્યું નથી. માત્ર ખાવડા-ભુજને જોડતો એક પાકો માર્ગ છે, પરંતુ પગદંડીઓ અને કાચા રસ્તા બધે જોવા મળે છે. ઘાસનાં બીડોને લીધે પશુપાલન-પ્રવૃત્તિ વધુ વિકસી છે. અહીંના માલધારીઓ દૂધ અને તેની આડપેદાશો નજીકનાં કેન્દ્રોને પહોંચાડે છે. ખાવડા અને રાપર અહીંનાં જાણીતાં વેપારી મથકો છે. અહીં ભરતકામ, ચર્મકામ અને કાષ્ઠકામના ગૃહઉદ્યોગો ખૂબ વિકસ્યા છે. વિશેષે કરીને અહીંનાં ગરમ ધાબળા, મોજડી, લાખ-માટીનાં રમકડાં વધુ જાણીતાં બનેલાં છે. વિવિધ રંગોની આકર્ષક મેળવણીવાળું અહીંનું બારીક ભરતકામ જોવા ઘણા વિદેશીઓ બન્નીના પ્રવાસે આવે છે. આ ભરતકામ ‘બન્ની ભરતકામ’ તરીકે જાણીતું બનેલું છે. તેનો ભાવ સેમી. પર નક્કી થાય છે. આ ઉપરાંત ‘ધડકી’ તરીકે જાણીતી વૈવિધ્યભરી ગોદડીઓ બનાવવાનો બન્નીનો એક આગવો વ્યવસાય છે. ધોરડો, હોડકા અને સાડઈ–એ ત્રણ કેન્દ્ર તે માટે વધુ જાણીતાં બનેલાં છે. ધડકી બનાવવાનું કામ મુખ્યત્વે અહીંની હરિજન કોમમાં વધુ વિકસેલું છે. વર્ષો પહેલાં રાજસ્થાનમાંથી સ્થળાંતર કરીને બન્નીમાં વસેલી આ કોમ ધડકી બનાવવાના વ્યવસાયમાં નિપુણતા ધરાવે છે. સ્થાનિક મૂળ મુસ્લિમ માલધારીઓ પણ આ કામમાં રોકાયેલા છે.

બહુધા લીલા અને સૂકા ઘાસથી છવાયેલો રહેતો બન્ની પ્રદેશ સતત દુષ્કાળનાં વર્ષોમાં વેરાન રણની ઝાંખી કરાવે છે તેનું એક ર્દશ્ય

વસાહતો : કુદરતી તેમજ માનવનિર્મિત પરિસ્થિતિ વચ્ચે રહેલા અહીંના લોકો બન્નિયાર તરીકે ઓળખાય છે. જાતવાન પશુધન અને વનસ્પતિસંપત્તિને લીધે બન્નીનું અને બન્નિયાર લોકોનું જીવન ધબકતું અને અણબોટ્યું રહી શક્યું છે. ત્યાંના લોકોના રીતરિવાજ તેમજ પરંપરાગત સંસ્કારો યથાવત્ જળવાઈ રહેલા જોવા મળે છે. અહીં વિવિધ જાતિઓના માલધારીઓ વસે છે, ખાસ કરીને જત, રાય-સીપોત્રા, હોલેપોત્રા, સુમરા, જુનેજા, બંભા, કુરાર, નોડે, મુતવા, કસકાલી, લાડઈ, તાબાર, સમજો અને નુહાણી પઠાણ જેવી જાતિઓ છેલ્લા પાંચ સૈકાથી અહીં વસે છે. આ પૈકીની કેટલીક જાતિઓ સિંધમાં થયેલા વસ્તીવધારાને કારણે અથવા રાજકર્તાઓ સાથે મતભેદ થવાથી સ્થળાંતર કરીને આવી હોય એમ મનાય છે. મારવાડીઓ પણ અહીં આવીને વસેલા છે. મુસ્લિમ ધર્મના લોકોનું પ્રમાણ અહીં વિશેષ જોવા મળે છે.

બન્ની પ્રદેશમાં 46 જેટલાં ગામ (વસાહતો) આવેલાં છે, તેને સ્થાનિક ભાષામાં વાંઢ (vandh) કહે છે. વાંઢ એટલે નેસડા જેવી વસાહતોના નાના નાના એકમો. આ બધા જ રણદ્વીપ સમાન હોય છે. આ વસાહતોમાં આવેલાં ઘરની સંખ્યા આશરે 670 જેટલી જોવા મળે છે.

તેને ભુંગા (bhanga) કહે છે. અહીંનાં મુખ્ય ગામોમાં ભિરંડિયારો, ભોજરાડો, ડુમાડો, ગોરેવાલી, મિસરિયાડો, ધોડકો, શીરવો, ભિટારો અને ધોરડોનો સમાવેશ થાય છે. અહીંની વસતી 14,500ની છે (1991).

આ માલધારીઓનો વિકાસ થાય તે માટે એક યોજના ઘડવામાં આવી છે, જે બન્ની ડેવલપમેન્ટ તરીકે ઓળખાય છે. તેના મુખ્ય મથક તરીકે ભિરંડિયારોને પસંદ કરાયું છે. બન્નીના પશ્ચિમ સીમાડે સોદરાની ટેકરી પાસે હાજીપીરની જાણીતી દરગાહ આવેલી છે. બન્નીની ઉત્તરે ધોળાવીરા ગામ આવેલું છે. ત્યાંથી મોહેં-જો-દડોની સંસ્કૃતિના અવશેષો મળી આવેલા છે. જિજ્ઞાસુ પ્રવાસીઓ બન્ની પ્રદેશની, ધાર્મિક યાત્રીઓ હાજીપીરની અને પુરાતત્ત્વીય અભ્યાસીઓ ધોળાવીરાની મુલાકાત લેતા હોય છે.

નીતિન કોઠારી