બનાસકાંઠા

January, 2000

બનાસકાંઠા : ગુજરાત રાજ્યના ઉત્તર ભાગમાં આવેલો જિલ્લો. ભૌગોલિક સ્થાન : તે 23° 33´થી 24° 45´ ઉ. અ. અને 71° 03´થી 73° 02´ પૂ. રે. વચ્ચે વિસ્તરેલો છે. આ જિલ્લો કચ્છના નાના રણથી પૂર્વ તરફ અને રાજસ્થાનની દક્ષિણ સીમા તરફ આવેલો છે. જિલ્લાનું કુલ ક્ષેત્રફળ 12,703 ચોકિમી. જેટલું છે, વિસ્તારની ર્દષ્ટિએ તે રાજ્યમાં ત્રીજું સ્થાન ધરાવે છે અને રાજ્યનો 6.48 % ભાગ આવરી લે છે. આ જિલ્લાની પૂર્વ-પશ્ચિમ લંબાઈ આશરે 192 કિમી. અને ઉત્તર-દક્ષિણ પહોળાઈ આશરે 112 કિમી. જેટલી છે. તેની ઉત્તરે રાજસ્થાનના સિરોહી અને મારવાડના પ્રદેશો, પૂર્વમાં સાબરકાંઠા જિલ્લો, દક્ષિણે મહેસાણા અને પાટણ જિલ્લા તથા પશ્ચિમે કચ્છનું રણ આવેલાં છે. કચ્છના રણની નજીકમાં થોડા કિમી.ના અંતરે પાકિસ્તાનની આંતરરાષ્ટ્રીય સીમા પસાર થાય છે. ઉત્તર ગુજરાતના આ સૂકા ગણાતા જિલ્લામાં વહેતી પાલક-પોષક લોકમાતા, પયસ્વિની બનાસ નદીનું સ્થાન અનન્ય છે, તેના આ મહત્વને વ્યક્ત કરતા જિલ્લા-કક્ષાના આ વહીવટી એકમનું નામ ‘બનાસકાંઠા’ સર્વથા યથાર્થ છે.

જિલ્લાનું વડું મથક પાલનપુર છે. 1949–50માં અગાઉનાં નાનાં-મોટાં રાજપૂત અને મુસ્લિમ દેશી રાજ્યોને ભેળવીને આ જિલ્લાની રચના કરવામાં આવેલી. છેલ્લે છેલ્લે 1997માં રાજ્યમાં નવા છ જિલ્લા તથા કુલ નવા 46 તાલુકાઓ ઉમેરીને પુનર્રચના કરવામાં આવી છે. તેમાં રાધનપુર અને સાંતલપુર તાલુકાના વિસ્તારોને નવા રચાયેલા પાટણ જિલ્લામાં સમાવવામાં આવ્યા છે. ભૌગોલિક ર્દષ્ટિએ જોતાં આ જિલ્લાનો સમગ્ર વિસ્તાર મુખ્યત્વે પાલનપુર–ડીસા, વડગામ, રાધનપુર–કાંકરેજ અને વાવ–થરાદ એવા પ્રદેશોમાં વહેંચાયેલો છે. રાધનપુર–કાંકરેજના પ્રદેશને ‘વઢિયાર’ કે ‘વૃદ્ધિપંથક’ તથા વાવ–થરાદને ‘નાની મારવાડ’ પણ કહે છે.

ભૌગોલિક પ્રાકૃતિક લક્ષણો : ભૂપૃષ્ઠરચનાના સંદર્ભમાં આ જિલ્લો લગભગ મધ્યમાંથી પસાર થતી બનાસ નદીના ખીણપ્રદેશથી બે સ્પષ્ટ ભૌગોલિક એકમોમાં વહેંચાઈ જાય છે. જિલ્લાનો પૂર્વ તરફનો પાલનપુર-દાંતા તાલુકાઓનો વિભાગ અરવલ્લીના પર્વતોવાળો હોવાથી સરળ વાહનવ્યવહાર માટે પ્રતિકૂળ બની રહેલો છે. તદુપરાંત ચિત્રાસણી-દાંતાના વિસ્તારો જંગલ-આચ્છાદિત છે. ચિખોદર માતા અને જેસોરનો પહાડી ભાગ ઠીક ઠીક ઊંચાઈ ધરાવે છે. જિલ્લાનો પશ્ચિમ તરફનો વિસ્તાર સમતળ મેદાની પ્રદેશ છે, પશ્ચિમ છેડા ક્ષારીય પંકવાળા કચ્છના રણ સાથે અને રાજસ્થાન સાથે જોડાયેલા છે. ત્યાં રણની પરિસ્થિતિ પ્રવર્તેલી રહે છે. અહીં વિશિષ્ટ પ્રકારની કોઈ વનસ્પતિ જોવા મળતી નથી.

જિલ્લાની મોટાભાગની જમીનો ઓછી જળસંગ્રાહક-ક્ષમતા ધરાવતી રેતાળ અને છિદ્રાળુ છે. પાલનપુર-દાંતા વિસ્તારો ક્યાંક ક્યાંક રેતાળ-ગોરાડુ-કાળી જમીનો ધરાવે છે, જ્યારે વાવ-દિયોદર તાલુકાઓની જમીનો ક્ષારવાળી છે, પરિણામે ખેતી-વનસ્પતિ-વિકાસ પૂરતા પ્રમાણમાં શક્ય બની શકતો નથી. જિલ્લાનો પૂર્વ ભાગ પહાડી તથા જંગલોવાળો હોવાથી ત્યાં કલાધર, કડાયા, સલર, ગોલર, બોરડી, ખેર, ખાખરો અને અહિયર જેવાં વૃક્ષો જોવા મળે છે. અમીરગઢ નજીક વાંસનાં ઘણાં વૃક્ષો આવેલાં છે. જંગલોમાંથી વાંસ, ઇંધન-લાકડું, મધ, લાખ, ટીમરુ-પાન, આવળછાલ, મૂસળી તથા બોર જેવી પેદાશો મળી રહે છે.

જિલ્લાનો ઈશાન તથા પૂર્વ ભાગ અરવલ્લી-ગિરિમાળાનો નૈર્ઋત્ય  છેડો રચે છે. તેને બાદ કરતાં જિલ્લાનો બાકીનો મોટો ભાગ રેતાળ મેદાનોથી બનેલો છે. ટેકરીઓની વચ્ચે વચ્ચે આવેલાં મેદાનો આશરે 200 મીટરની ઊંચાઈ ધરાવે છે. આ મેદાનો ધીમે ધીમે દક્ષિણ અને નૈર્ઋત્ય દિશામાં ઢળે છે. ત્યાં તેમની ઊંચાઈ 100 મીટરથી પણ ઘટી જાય છે. ટેકરીઓ વચ્ચે આવેલી ખીણોમાં કાળી જમીનોની રચના થયેલી છે.

પાલનપુર તાલુકામાં આવેલી જેસોરની ટેકરી 1,090 મીટરની ઊંચાઈ ધરાવે છે. તેના પર અહીંનાં સ્થાનિક રીંછ(sloth bear)નું અભયારણ્ય (181 ચોકિમી.) આવેલું છે. પાલનપુર તાલુકામાં જાવર

બનાસકાંઠા જિલ્લો (પુનર્રચના પહેલાં)

(592 મી.), દિવાણી (780 મી.), કાલેરા (740 મી.), સરજાણ (496 મી.), છોટિલા (839 મી.); દાંતા તાલુકામાં ઘોરી અથવા ઘોડી (859 મી.), કુન્તવન, હરિવાટ, રખેપાલ, ધરસા, માણેકનાથ, મેણાગર, ચુરમાણા, ભદ્રામલ, ભેંસો, કોટેશ્વર, આરાસુર, ગબ્બર (597 મી.), વડગામ, ધાનેરા તથા સાંતલપુર તાલુકાઓમાં પણ નાની-મોટી ઘણી ટેકરીઓ આવેલી છે.

જળપરિવાહ : બનાસ અને અરજણી (અર્જુની) – એ બે આ જિલ્લાની મુખ્ય નદીઓ છે, તે અરવલ્લીની ટેકરીઓમાંથી નીકળીને પ્રાદેશિક ઢોળાવ અનુસાર પશ્ચિમ કે નૈર્ઋત્ય તરફ વહે છે. આ નદીઓ ઉનાળામાં સુકાઈ જાય છે. વળી છીછરી અને ઓછા જળપુરવઠાવાળી હોવાથી ખેતી માટે ઉપયોગી બનતી નથી. બનાસ, સરસ્વતી જેવી નદીઓ કચ્છના રણમાં સમાઈ જતી હોવાથી ‘કુંવારકા’ તરીકે ઓળખાય છે. જિલ્લાની અન્ય નદીઓમાં સીપુ, બાલારામ, ખારી, ખાપરા, કાલરી, ગુજુડી, ચેકરિયા, ઉમરદશી, સેલવણ અને રેલનો સમાવેશ થાય છે. આ ઉપરાંત બનાસકાંઠા-સાબરકાંઠા જિલ્લાસરહદે સાબરમતી નદી પસાર થાય છે.

આબોહવા : ભારત અને ગુજરાતને સમકક્ષ આ જિલ્લાની આબોહવા પણ મોસમી પ્રકારની છે, પરંતુ અહીં શુષ્કતાનું પ્રમાણ વધુ છે. શિયાળો, ઉનાળો અને ચોમાસું જેવી ત્રણેય ઋતુઓ અહીં સ્પષ્ટ રીતે પ્રવર્તે છે. ડીસાનું મે માસનું મહત્તમ અને લઘુતમ તાપમાન અનુક્રમે 41.7° સે. અને 25.3° સે. જેટલું તથા જાન્યુઆરીનું મહત્તમ અને લઘુતમ તાપમાન અનુક્રમે 28.4° સે. અને 10.7° સે. જેટલું રહે છે. સરેરાશ વાર્ષિક વરસાદ 621.5 મિમી. જેટલો પડે છે; પરંતુ જિલ્લાના ઈશાન ભાગોથી પશ્ચિમ તરફ જતાં વરસાદનું પ્રમાણ ઘટતું જાય છે. જિલ્લામાં વરસાદના સંજોગો અનિયમિત અને અવિશ્વસનીય ગણાય છે. છેલ્લાં 25 વર્ષ દરમિયાન (1976–2000) જિલ્લાના અમુક ભાગોમાં ઓછામાં ઓછો 18 મિમી. અને વધુમાં વધુ 1,838 મિમી. વરસાદ નોંધાયેલો છે.

વનસ્પતિ-પ્રાણીજીવન : આબોહવા અનુસાર અહીંનું વનસ્પતિજીવન પાંગરેલું છે. પશ્ચિમના ઓછા વરસાદવાળા ભાગોમાં છૂટાંછવાટાં કાંટાળાં ઝાંખરાં જોવા મળે છે. નદીઓ કે ઝરણાંના કિનારાના ભાગોમાં હરિયાળી વનશ્રી પથરાયેલી છે. ટેકરીઓના ભાગોમાં શુષ્ક પાનખર-જંગલો આવેલાં છે. જંગલોમાં વૃક્ષો હેઠળ ઘાસ તેમજ ઝાડીઝાંખરાં ઊગી નીકળે છે. જંગલોમાં સાગ, સીસમ, શીમળો, ખીજડો, ધાવડો, ખેર, બાવળ, બીલી, ગોરડ, અહિયાર, શિરીષ, ગરમાળો, ટીમરુ, આમળાં, રાયણ, જાંબુ, મહુડો, વડ, પીપળો, કરંજ, રોહિડો, આમલી, બોરડી, ગેંગરી, વાંસ, કંથેર, કેરડો, આસોતરી (ઝીંઝી) વગેરે જાતજાતનાં વૃક્ષો જોવા મળે છે. ખેતરોની આજુબાજુની થોરની વાડમાં પણ છૂટાંછવાયાં વૃક્ષો ઊગી નીકળે છે. આશરે 1,35,300 હેક્ટર ભૂમિ જંગલ-આચ્છાદિત છે. આ ઉપરાંત બાગબગીચામાં ગ્રામીણ અને શહેરી વિસ્તારોમાં તેમજ માર્ગોની બાજુઓ પર વૃક્ષો ઉગાડવાનું આયોજન કરવામાં આવી રહ્યું છે. આ જંગલો જાતજાતની જંગલ-પેદાશો આપે છે.

જિલ્લાના પહાડી પ્રદેશોમાં, જંગલોમાં, મેદાનોમાં, નદીઓ અને જળાશયોના વિસ્તારોમાં રીંછ, દીપડા, નીલગાય (રોઝડાં), હરણ, સાબર, કાળિયાર, વરુ, સૂવર, ઝરખ, શિયાળ, વાંદરાં, સસલાં, નોળિયા, વનવાગોળ, શાહુડી, શેળા વગેરે જેવાં પ્રાણીઓ જોવા મળે છે. અહીં સાપની અનેક જાતો થાય છે. ગુજરાતમાં જોવા મળતી 450 જાતની પક્ષીજાતિઓ પૈકી મોટાભાગની જાતિઓ આ જિલ્લામાં વસે છે.

ખેતી-પશુપાલન : આ જિલ્લાની જમીનોમાં રેતી અને ક્ષારોનું પ્રમાણ વિશેષ હોવાથી જમીનોની ફળદ્રૂપતા ઓછી છે. અહીંના ખેડૂતો છાણિયા ખાતર ઉપરાંત જરૂરિયાત મુજબ, રાસાયણિક ખાતરોનો પણ ઉપયોગ કરે છે. મોટાભાગની ખેતી વરસાદ પર આધારિત હોવા છતાં કૂવાઓ, પાતાળકૂવાઓ તથા દાંતીવાડા જળાશયની નહેરો મારફતે સિંચાઈની મદદથી કૃષિપાકો લેવાય છે. 1989 સુધીમાં 33,348 જેટલા પાતાળકૂવાઓનું વીજળીકરણ કરવામાં આવ્યું છે. દાંતીવાડા બંધની નહેરોથી પાલનપુર, ડીસા, કાંકરેજ અને ધાનેરા તાલુકાઓને સિંચાઈનો લાભ મળે છે, ઉપરાંત પાટણ તથા સિદ્ધપુર તાલુકાઓની જમીનોમાં પણ જળસિંચન થાય છે. અહીંના મુખ્ય કૃષિપાકોમાં જુવાર, બાજરી, જવ, ઘઉં, ડાંગર, તુવેર અને ચણા જેવા ખાદ્ય પાકો તથા કપાસ, તલ, એરંડા, રાયડો, મગફળી, ઘાસ જેવા રોકડિયા પાકો થાય છે. થોડાક પ્રમાણમાં જીરું, વરિયાળી અને ઇસબગોળ પણ ઉગાડાય છે. બનાસ નદીના પટમાં પુષ્કળ પ્રમાણમાં બટાટાનું ઉત્પાદન લેવાય છે. નદી-ભાઠા-વિસ્તારોમાં સક્કરટેટી, ટમેટાં તથા શાકભાજીનું પણ વાવેતર થાય છે.

જિલ્લાના પશુધનમાં ગાય, ભેંસ, બળદ, ઘેટાં–બકરાં, ઘોડાં, ગધેડાં તથા ઊંટનો સમાવેશ થાય છે. થોડા પ્રમાણમાં મરઘા-ઉછેર પણ કરવામાં આવે છે. અહીંનાં કાંકરેજી ગાયો–બળદો અને વઢિયારી ભેંસો ભારતભરમાં જાણીતાં બનેલાં છે. જિલ્લામાં 11 જેટલાં પશુ-દવાખાનાં  તથા જંગલો નજીક ગોચરો આવેલાં છે. અહીંનું ઢીમા તેના પશુમેળા માટે જાણીતું છે. પૂરતા પશુધનને કારણે જિલ્લામાં દૂધનું ઉત્પાદન લેવાય છે. પાલનપુર ખાતેની બનાસ ડેરી તથા જિલ્લામાં 696 જેટલી દૂધ-ઉત્પાદક મંડળીઓ વિકસી છે. ડેરી ખાતે દૂધ અને દૂધની બનાવટોનું ઉત્પાદન થાય છે. પાલનપુર અને ડીસા તાલુકાઓમાં થોડા પ્રમાણમાં માછીમારીનો ઉદ્યોગ પણ વિકસ્યો છે.

ખનિજસંપત્તિ–ઔદ્યોગિક એકમો : અંબાજીમાં તાંબું–સીસું–જસતની મિશ્ર ધાતુઓની ખાણો આવેલી છે. આ ઉપરાંત ચૂનાખડકો, આરસ, કાચ, રેતી, બેન્ટોનાઇટ, ગેરુ, મૅગ્નેશિયા અને ગ્રીટ–કપચી ઓછાવત્તા પ્રમાણમાં મેળવાય છે. જિલ્લાનાં અનુકૂળ સ્થાનોમાં આરસ વહેરવાના એકમો તથા સિમેન્ટનું કારખાનું આવેલાં છે. જિલ્લાભરમાં આશરે 10,000થી વધુ ગૃહ-ઉદ્યોગોના એકમો છે. તેમાં હાથવણાટ અને પાવરલૂમના; લાકડાં વહેરવાના; સાબુ, લોખંડ અને રસાયણોના, કાગળ અને કાગળની પેદાશોના, પ્રકાશન અને છાપકામના, ખાદ્યપ્રક્રમણ અને ખાદ્ય-તેલોના, ડેરીના, હીરાના, અત્તર અને અન્ય સુગંધી દ્રવ્યોના, ઑટોમોબાઇલ અને તેનાં સાધનોના ભાગોના, ઇજનેરી સરસામાનના, ઍલ્યુમિનિયમની પેદાશોના, ચર્મોદ્યોગના, ઊનપ્રક્રિયાના, ઔષધીય રૂના વીંટા બનાવવાના, ધાતુકામના, મોઝેઇક ટાઇલ્સના, સિમેન્ટ-પાઇપોના, ઈંટ-નળિયાંના, માટીનાં વાસણોના, ખેતીનાં ઓજારોના અને રાચરચીલાના એકમોનો સમાવેશ થાય છે.

સુવિધાઓ : જિલ્લામાં શિક્ષણ, દવાખાનાં, સ્વાસ્થ્ય-કેન્દ્રો, પાણી, તાર-ટપાલ, બજાર-હાટડીઓ, પરિવહન તથા વીજળીની સુવિધાઓ છે. જિલ્લાભરમાં 300 કિમી.ના બ્રૉડગેજ-મીટરગેજ રેલમાર્ગો, 33 જેટલાં રેલમથકો, 2,250 કિમી.ના સડકમાર્ગો આવેલા છે. રાષ્ટ્રીય માર્ગો 14 અને 15 અહીંથી પસાર થાય છે. રાષ્ટ્રીય માર્ગો (121 કિમી.), રાજ્યમાર્ગો (452 કિમી.), જિલ્લામાર્ગો (611 કિમી.), ગ્રામમાર્ગો (640 કિમી.) તથા અન્ય માર્ગો (426 કિમી.) જિલ્લામાં પથરાયેલા છે. રાજ્યપરિવહન-સેવા દ્વારા 1,194 (84 %) જેટલાં ગામો બસ-સુવિધાથી આવરી લેવામાં આવેલાં છે. ડીસા ખાતે હવાઈ મથકની સુવિધા પણ રાખવામાં આવેલી છે.

જિલ્લાનાં મોટાભાગનાં નગરો તથા ગામડાંઓમાં દવાખાનાં, સ્વાસ્થ્યકેન્દ્રો, પ્રસૂતિગૃહો, બાળકલ્યાણકેન્દ્રો, કુટુંબનિયોજનકેન્દ્રોની સગવડો પૂરી પાડવામાં આવે છે. પાલનપુર ખાતે ક્ષયરોગ-ચિકિત્સાકેન્દ્ર પણ આવેલું છે.

શિક્ષણ : આ જિલ્લામાં શિક્ષણનું પ્રમાણ 39.24% જેટલું છે. જિલ્લામાં લગભગ બધે જ પ્રાથમિક શિક્ષણની સુવિધા છે. મોટાભાગનાં નગરોમાં માધ્યમિક શાળાઓ તથા પ્રૌઢ-શિક્ષણકેન્દ્રો આવેલાં છે. પાલનપુર, ડીસા, અંબાજી, કાંકરેજ અને રાધનપુર ખાતે જુદી જુદી વિદ્યાશાખાઓનું શિક્ષણ આપતી ઉચ્ચ શિક્ષણસંસ્થાઓ આવેલી છે. જિલ્લામાં મેડિકલ કે ઇજનેરી–પૉલિટેક્નિક સંસ્થાઓનો અભાવ છે; પરંતુ દાંતીવાડા ખાતે ગુજરાત કૃષિ યુનિવર્સિટીનું વડું મથક છે.

જોવાલાયક સ્થળો : પાલનપુર ખાતે માનસરોવર, પાતાળેશ્વર મહાદેવ, કીર્તિસ્તંભ, નવાબનો રાજમહેલ અને મીઠી વાવ; ચિત્રાસણી નજીક બાલારામનું પ્રાકૃતિક સૌંદર્યધામ, ગંગાસાગર સરોવર, પાલનપુરના નવાબનો મહેલ; મગરવાડા ખાતે મણિભદ્રવીર(મગરવાડા પીર)નું મંદિર; દેવ દરબાર ખાતે નાથ સંપ્રદાયના ઓઘડ મહંતની બેઠક ધરાવતું નકલંક અવતારનું પ્રાચીન મંદિર; ઢીમા ખાતે ધરણીધરજીનું મંદિર; અંબાજી ખાતે આરાસુરી અંબાનું મંદિર, ગબ્બર ટેકરી, સોમેશ્વર મહાદેવ, ચામુંડા મંદિર તથા નજીકમાં જ કુંભારિયાજીનાં જૈન મંદિરો, કોટેશ્વર ખાતે કોટેશ્વરનું મંદિર, વિષ્ણુમંદિર, સરસ્વતી-ગૌમુખ, વાલ્મીકેશ્વર મહાદેવ વગેરે ગુજરાતમાં જાણીતાં છે. આ ઉપરાંત મજાદર, મોકેશ્વર, થરા, ઢીમા અને બાંધવડમાં હિંદુ ધર્મનાં તથા ભીલડી, ભોરોલ વગેરમાં જૈન ધર્મનાં દેવસ્થાનો છે. પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીમાં લગભગ આખુંય વર્ષ યાત્રિકોની અવરજવર રહેતી હોવાથી ત્યાં રહેવા-જમવાની ઘણી સગવડો છે.

લોકમેળા-તહેવારો : જિલ્લાનાં જુદાં જુદાં કેટલાંક સ્થળો મેળાઓ અને તહેવાર-ઉજવણી માટે પ્રખ્યાત છે. અંબાજી ખાતે કાર્તિકી તથા ચૈત્રી પૂનમે; ઢીમા ખાતે કાર્તિકી પૂનમે, ફાગણ સુદ અગિયારશે તથા જેઠ સુદ પૂનમે; બાલારામ ખાતે શ્રાવણના છેલ્લા સોમવારે; મગરવાડાના પીરના મંદિર ખાતે આસો સુદ પાંચમે; દેવ દરબાર ખાતે કાર્તિક સુદ બીજને દિવસે મેળા ભરાય છે. દેવ દરબાર ખાતે મેળા વખતે ઘોડદોડ સ્પર્ધા પણ યોજાય છે, ગણછેડા ખાતે જયા-વિજયાનો ઉત્સવ ઊજવવામાં આવે છે.

વસ્તી-વસાહતો : આ જિલ્લાની આબોહવા ગરમ, સૂકી અર્થાત્ વર્ષભર વિષમ રહેતી હોવાથી તથા જમીનો રેતાળ અને ક્ષારવાળી હોવાથી માનવવસ્તીનું પ્રમાણ ઓછું છે. જિલ્લાની કુલ વસ્તી 1991 મુજબ 21,62,578 જેટલી છે. તે પૈકી શહેરી વસ્તી 2,20,284 અને ગ્રામીણ વસ્તી 19,42,294 જેટલી છે. વસ્તી પચરંગી છે અને વસ્તી-ગીચતાનો સરેરાશ પ્રમાણદર ચો.કિમી. મુજબ 170 વ્યક્તિનો છે. કુલ વસ્તી પૈકી હિંદુ (19,76,501), મુસલમાન (1,56,417), જૈન (28,585), ખ્રિસ્તી (548), શીખ (173), બૌદ્ધ (76) તથા અન્ય (278)નો સમાવેશ થાય છે. તેઓ ગુજરાતી, હિંદી, મારવાડી, સિંધી તથા ઉર્દૂ ભાષાઓ બોલે છે. પાલનપુર, ડીસા, રાધનપુર, થરાદ, અંબાજી, કાણોદર અને છાપી – આ સાત શહેરી કે નગર-વસાહતો છે. પાલનપુરને બાદ કરતાં બાકીનાં છ શહેરોની વસ્તી એક લાખથી ઓછી છે. અગત્યની ગણી શકાય એવી અન્ય વસાહતોમાં દાંતા, ચિત્રાસણી, ભીલડી, વડગામ, દિયોદર, ધાનેરા, શિહોરી અને ઢીમાનો સમાવેશ કરી શકાય. બાકીનાં 1,374 ગામડાં છે. જિલ્લાને દાંતા, ડીસા, ધાનેરા, પાલનપુર, વડગામ, ભીલડી, અમીરગઢ, દાંતીવાડા, દિયોદર, ભાભર, કાંકરેજ, થરાદ, વાવ અને પાંથાવાડા – એ પ્રમાણે કુલ 14 તાલુકાઓમાં વહેંચી નાખવામાં આવેલો છે.

કુંભારિયા ખાતેનાં જૈન મંદિરોનું ઉત્કૃષ્ટ મૂર્તિવિધાન

ઇતિહાસ : બનાસકાંઠાના આજના વિસ્તારના કેટલાક ભાગમાં ભૂસ્તરીય અતીતમાં (સંભવત: ઊર્ધ્વ ક્રિટેશિયસ કાળ, આજથી 6.5 કરોડ વર્ષ અગાઉ) સમુદ્રી ફાંટો પ્રસરેલો હોવાના ઉલ્લેખો સાહિત્ય, શિલારેખાંકનો તેમજ શિલ્પાકૃતિઓ દ્વારા મળે છે. ઈ. સ. 942–1303 વચ્ચેના ચાલુક્ય (સોલંકી) સમયના શિલાલેખો તથા સાહિત્યમાં આ પ્રદેશનાં કેટલાંક સ્થળોની નોંધ ઉપલબ્ધ થાય છે; આમ છતાં સોલંકી યુગ પહેલાં ગુજરાતના અન્ય ભાગોની જેમ આ પ્રદેશ પણ મૌર્ય, ઇન્ડોગ્રીક, પશ્ચિમ ક્ષત્રપ, ગુપ્ત, મૈત્રક વગેરે સત્તાઓ હેઠળ તથા રાજપૂત રાજવંશના તાબા હેઠળ રહ્યો હોવાનું જણાય છે. તે પછીથી તે અમદાવાદના સુલતાની શાસન હેઠળ રહેલો. ત્યારબાદ મુઘલો, મરાઠા અને અંગ્રેજોની હકૂમત નીચે આવેલો.

1948 પહેલાં આ વિસ્તાર જૂની બનાસકાંઠા એજન્સીનો એક ભાગ હતો. તે પછીથી પાલનપુર, રાધનપુર, વાવ, થરાદ અને દાંતા જેવાં રજવાડાં તેમજ વારાહી, સાંતલપુર, થરા, દિયોદર, શિહોરી, સૂઈગામ, કાંકરેજ જેવી જાગીરો અને થાણાં ભેળવીને આ જિલ્લાની રચના કરાયેલી. 1997માં થયેલી જિલ્લા-તાલુકા પ્રાદેશિક પુનર્રચના હેઠળ થોડાક નવા ફેરફારો અસ્તિત્વમાં આવેલા છે.

બીજલ પરમાર