બનાસ (નદી) : રાજસ્થાનમાંથી નીકળતી આ નામની બે નદીઓ. બંનેનાં વહેણની દિશા જુદી જુદી છે.

(1) એક બનાસ નદી ઉદેપુર જિલ્લાના કુંભલગઢ નજીકથી નીકળે છે અને અરવલ્લી હારમાળાને વીંધતી આગળ વધીને મેદાની વિસ્તારમાં પ્રવેશે છે. તે ચિતોડગઢ, ભીલવાડા, ટોન્ક અને સવાઈ માધોપુર જિલ્લાઓમાંથી પસાર થઈને 500 કિમી.નો માર્ગ વટાવી રાજસ્થાનની સરહદ નજીક આવેલા મધ્યપ્રદેશના શિવપુરની ઉત્તરે ચંબલ નદી સાથે સંગમ પામે છે. આ નદી મુદતી છે, તેમ છતાં જ્યાં જળપુરવઠો જળવાઈ રહે છે ત્યાં તે સ્થાન પૂરતી સિંચાઈની સગવડ પૂરી પાડે છે. ઉનાળાની ઋતુમાં તે મોટેભાગે સુકાઈ જાય છે. તેને મળતી શાખા-નદીઓમાં બેરચ તથા કોટારી નદીઓનો સમાવેશ થાય છે.

ડીસા નગર પાસે વહેતી બનાસ નદી

(2) રાજસ્થાનમાંથી નીકળીને ગુજરાતમાં વહેતી બનાસ નદી. આ નદીનું મૂળ સિરોહી જિલ્લામાં સિરોહી અને માઉન્ટ આબુ વચ્ચે અરવલ્લી ગિરિમાળામાં રહેલું છે. પ્રાચીન કાળમાં તે ‘પર્ણાશા’ નામથી ઓળખાતી હતી. તેની કુલ લંબાઈ 258 કિમી. જેટલી છે. આ પૈકી આશરે 116 કિમી.ની લંબાઈમાં તે રાજસ્થાનમાં વહે છે અને ડીસા-પાલનપુરની ઉત્તરે ગુજરાતમાં પ્રવેશે છે. ગુજરાતના વાયવ્ય ભાગમાં ઈશાનથી નૈર્ઋત્ય તરફ વહીને રાધનપુરની નૈર્ઋત્યમાં હારીજ તાલુકાની પશ્ચિમ સરહદે છેવટે કચ્છના નાના રણમાં તે સમાઈ જાય છે. ગુજરાતમાં તે 142 કિમી.ની લંબાઈમાં વહે છે. ઉત્તર ગુજરાતની સરસ્વતી અને રૂપેણ નદીઓની જેમ આ નદી પણ સમુદ્રને મળતી ન હોવાથી ‘કુંવારકા’ તરીકે ઓળખાય છે. આ નદી પણ મુદતી છે અને ઉનાળામાં સુકાઈ જાય છે.

સીપુ અને બાલારામ બનાસની મુખ્ય શાખા-નદીઓ છે. બનાસમાં પૂર આવતું નથી; એટલું જ નહિ, તેનું વહેણ ખૂબ જ છીછરું રહે છે. આ નદી બનાસકાંઠા જિલ્લાના પાલનપુર, ધાનેરા, ડીસા અને કાંકરેજ તથા પાટણ જિલ્લાના રાધનપુર અને સાંતલપુર તાલુકાઓમાં થઈને વહે છે. કચ્છના નાના રણ નજીકની શુષ્ક અને વેરાન ભૂમિને બનાસ નદીનું વરદાન મળેલું છે, તેથી આ પ્રદેશના રહેવાસીઓ માટે તે ખરા અર્થમાં લોકમાતા બનીને લોકજીવનને ધબકતું રાખે છે. આ કારણથી ઉત્તર ગુજરાતના આ સરહદી જિલ્લાનું નામ ‘બનાસકાંઠા’ રાખ્યું છે તે યથાર્થ છે.

પાલનપુર તાલુકામાં પ્રવેશ્યા પછી આશરે 19.13 કિમી. જેટલો તેનો પ્રવાહ ગીચ જંગલમાંથી પસાર થાય છે. અહીંનું તેનું નદીતળ ખડકાળ છે. ત્યાંથી પશ્ચિમ તરફ આવતાં તેના બંને કિનારા તેમજ તળભાગ રેતાળ બનતા જાય છે. ઉનાળામાં તેનું વહેણ અટકી જાય છે. ડીસાથી આશરે 10 કિમી. ઉપરવાસમાં તેના પટની પહોળાઈ 1.6 કિમી. જેટલી બની જાય છે, પરંતુ ડીસા નજીક તેનો પટ 640 મીટર અને રાધનપુર પાસે લગભગ 366 મીટર જેટલો પહોળો રહે છે. ડીસાથી ઉપરવાસ તથા હેઠવાસમાં થોડાક કિમી. માટે તેમાં બારે માસ પાણી રહે છે અને જ્યારે પૂર આવે ત્યારે તે બંને કાંઠે વહે છે; પરંતુ જ્યારથી દાંતીવાડા ખાતે તેના પર બંધ બાંધવામાં આવ્યો છે ત્યારથી તેના પાણીના પ્રવાહ પર અસર પડી છે. દાંતીવાડા ખાતે બાંધેલો બંધ એ તેના પૂરથી થતી તારાજી અટકાવવા માટેનું અને નિરર્થક વહી જતા જળનો સિંચાઈ માટે મહત્તમ ઉપયોગ થાય તે માટેનું એક નાના પાયા પરનું સોપાન છે. બંધના જળાશયમાંથી કાઢેલી નહેરો દ્વારા બનાસકાંઠા જિલ્લાના પાલનપુર, ડીસા, કાંકરેજ અને ધાનેરા તાલુકાને તેમજ પાટણ અને સિદ્ધપુર વિસ્તારને સિંચાઈની સગવડ મળી રહે છે અને ખેતીને લીધે આ વિસ્તારો હરિયાળા રહે છે.

બનાસ નદીનો પટ તેની બટાટાની ખેતી માટે જાણીતો બનેલો છે. અહીં ઇટાલિયન તથા સિમલા પ્રકારનાં બિયારણોના ઉપયોગથી બટાટાનું ઉત્પાદન સારા પ્રમાણમાં થાય છે; જોકે ખાતર અને મજૂરી પાછળ ઘણો ખર્ચ કરવો પડે છે. અહીં બટાટાની ખેતી સહકારી ધોરણે કરવામાં આવે છે. દક્ષિણે આવેલા સિહોરીથી શરૂ થતો તેનો વાવેતર-પટ્ટો ડીસા અને દાંતીવાડા સુધી લંબાયેલો છે; પરંતુ ત્યાંથી આગળ જતાં બટાટાની ખેતીનું પ્રમાણ ઘટે છે અને તેનું સ્થાન ટામેટાં, સકરટેટી અને અન્ય શાકભાજીઓ લે છે. ડીસા નજીકનો બનાસ નદીનો પહોળો પટ બટાટાના ઉત્પાદન માટે વિશેષ અગત્ય ધરાવે છે. એપ્રિલથી મધ્ય જૂન સુધી ડીસા રેલમથકેથી દરરોજના 20 વૅગન જેટલા બટાટા બહાર જાય છે. આ ઉપરાંત ટ્રકો, ઊંટલારીઓ તેમજ અન્ય માલવાહક સાધનો મારફતે પણ બટાટા બહાર જાય છે.

બીજલ પરમાર