બનારસ હિંદુ યુનિવર્સિટી : ઉત્તરપ્રદેશમાં વારાણસીમાં આવેલી વિશિષ્ટ યુનિવર્સિટી. નામ પ્રમાણે તેમાં કેવળ હિંદુઓને જ પ્રવેશ અપાય છે એવું નથી. બધા ધર્મો અને જ્ઞાતિઓના લોકોને કશા ભેદભાવ વિના તેમાં પ્રવેશ અપાય છે. 1904માં આવી યુનિવર્સિટીની સ્થાપનાનો વિચાર પ્રસ્તુત થયો. તેના મુખ્ય પ્રેરક મહારાજા પ્રભુનારાયણ સિંહ હતા. પંડિત મદનમોહન માલવીય, મહારાજા રામેશ્વર સિંહ તથા શ્રીમતી ઍની બેસન્ટ બીજાં પ્રમુખ સમર્થકો હતાં. પંડિત માલવીયજીએ તો આ કાર્યમાં જીવનભર સેવાનો ભેખ લીધો. 1907માં સ્થાપનાવિષયક પ્રથમ વૃત્તાંત પર વિચારણા થઈ. 1911માં બનારસ હિંદુ યુનિવર્સિટી તરીકે તેની નોઁધણી થઈ. ઍની બેસન્ટની સેન્ટ્રલ હિંદુ કૉલેજ તેમાં જોડાઈ. તા. 4 ફેબ્રુઆરી 1916ના દિવસે વિધિવત્ શિલારોપણ સાથે સત્તાવાર સ્થાપનાની ઘોષણા કરાઈ. બીજા વર્ષથી યુનિવર્સિટીએ કામનો આરંભ કર્યો. મુખ્ય ભવનથી 25 કિમી. ત્રિજ્યા સુધીનું ક્ષેત્ર યુનિવર્સિટીનું ક્ષેત્ર ઠરાવાયું. આ યુનિવર્સિટી મુખ્યત્વે નિવાસી શિક્ષણસંસ્થાના સ્વરૂપની રહી છે. પ્રારંભે 14 વિદ્યાશાખાઓ માટે વ્યવસ્થા કરાઈ. સમય જતાં તેમાં ઉમેરો થતો ગયો. અત્યારે આ વિદ્યાશાખાઓમાં પ્રવેશ અપાય છે : આધુનિક વૈદક, ઇજનેરી, ઇલેક્ટ્રૉનિક્સ, કૃષિ, ખનનશાસ્ત્ર, ર્દશ્યકલા, ધર્મશાસ્ત્ર, ધાતુશાસ્ત્ર, પત્રકારત્વ, પ્રયુક્તકલા, પ્રાચ્યવિદ્યા, પ્રાણીશાસ્ત્ર, પ્રૌદ્યોગિકી, ભારતીય વૈદક, ભાષા, ભૌતિકશાસ્ત્ર, યાંત્રિકી, વનસ્પતિશાસ્ત્ર, વાણિજ્ય, વિજ્ઞાન, વિધિ, શિક્ષણશાસ્ત્ર, સમાજશાસ્ત્ર, સંગીત, સાહિત્ય આદિ.
યુનિવર્સિટીને પોતાની કૉલેજો છે. ચાર સમવાયી કૉલેજો છે. વિદ્યાર્થીસંખ્યા આશરે વીસ હજાર છે. આઠવર્ષીય, દસવર્ષીય અને બારવર્ષીય અભ્યાસક્રમોવાળી ત્રણ મહાશાળાઓ અનુક્રમે પ્રથમા, પ્રવેશિકા અને મધ્યમા પરીક્ષાઓ લે છે. તેમાં આશરે 4,000 છાત્રો ભણે છે. કન્યાઓ માટે જુદું કન્યા મહાવિદ્યાલય છે. નિવાસી યુનિવર્સિટી હોવાથી છાત્રોની વિશાળ સંખ્યાને સમાવવા વિવિધ છાત્રાલયોની સુવિધા છે. તેમાં છ કન્યા છાત્રાલયો છે; બીજાં 28 છાત્રાલયો છે. સઘળી સુવિધાવાળા આંતરારાષ્ટ્રીય છાત્રાલયમાં 50 પરદેશી છાત્રો રહે છે. માધ્યમ હિંદી અને અંગ્રેજી છે. અહીં સેમેસ્ટર વ્યવસ્થામાં ટ્યૂટોરિયલ પદ્ધતિએ શિક્ષણ અપાય છે. વર્ષનો આરંભ મે મહિનામાં થાય છે. રાષ્ટ્રવ્યાપી ધોરણે પ્રવેશપરીક્ષા લઈ પ્રવેશ અપાય છે. પરીક્ષા દર છ મહિને અને વાર્ષિક પરીક્ષા માર્ચથી જૂન સુધીમાં લેવાય છે. વિશેષ અભ્યાસક્રમોમાં ચક્રવર્તી અને વાચસ્પતિ જેવી પદવીઓ અપાય છે. રાજ્યોની સામાજિક-આર્થિક સ્થિતિના અભ્યાસ અને સંશોધન માટેનું વિશેષ કેન્દ્ર તેનાં સંશોધનવૃત્તાંતો તથા સામયિકો પ્રગટ કરે છે. મહિલાઓને ઘેર અભ્યાસ કરીને પરીક્ષા આપવાની સગવડ અપાય છે.
યુનિવર્સિટીને પોતાનું સમૃદ્ધ ગ્રંથાલય છે. તેમાં આશરે દસ લાખ ગ્રંથો છે. સેંકડો સામયિકો મંગાવવામાં આવે છે. વાર્ષિક ખર્ચ આશરે પોણો કરોડનું છે. ‘ભારત કલાભવન’ નામનું સંગ્રહાલય કલા અને પુરાતત્વ ઉપરાંત વિશેષ વિદ્યાશાખાઓના નમૂનાઓથી સમૃદ્ધ છે. ક્રીડાંગણ વિશાળ છે. બધા પ્રકારની રમતો માટે વ્યવસ્થા છે. સ્નાનાગાર પણ છે. લાંબી રજાઓમાં પર્વતારોહણના પ્રશિક્ષણની વ્યવસ્થા છે. યુનિવર્સિટીને પોતાનું સુંદરલાલ રુગ્ણાલય છે. અનેક વિષયોમાં તેજસ્વી વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિઓ અપાય છે. 28 સિનિયર અને તેથી વધારે જુનિયર રિસર્ચ ફેલોશિપો અપાય છે.
કૃષ્ણકાંત ગો. દેસાઈ