બદામાકાર સંરચના (amygdaloidal structure) : જ્વાળામુખી ખડકોમાં રહેલાં કોટરોમાં પૂરણી થવાથી ઉદભવતી એક સંરચના. મુખ્યત્વે જ્વાળામુખી ખડકોમાં (ક્યારેક અન્ય ખડકોમાં) જોવા મળતાં મુક્ત-વાયુજન્ય કોટરો કે બખોલો જ્યારે અન્ય પરિણામી ખનિજદ્રવ્યથી પૂરણી પામેલાં મળી આવે, ત્યારે તૈયાર થતા ખડક-દેખાવને બદામાકાર સંરચના કહેવાય છે. પૂરણી પામેલાં ખનિજો બદામના આકારને મળતાં આવતાં હોવાથી આ પ્રકારનું નામ અપાયેલું છે. અંગ્રેજીમાં તેને ‘એમિગ્ડેલ’ કે ‘એમિગ્ડ્યુલ’ કહે છે. પૂરણી પામ્યા વગરનાં પોલાણો ‘કોટર’ (vesicle) કહેવાય છે. આ પ્રકારની સંરચના મોટેભાગે બેસાલ્ટ કે એન્ડેસાઇટ જેવા જ્વાળામુખી ખડકોમાં જોવા મળતી હોય છે.
ઊંડાઈએ રહેલા મૅગ્મામાં વાયુઓ દબાણ હેઠળ પ્રવાહી સ્થિતિમાં જળવાયેલા રહે છે. મૅગ્મા જ્યારે લાવા રૂપે બહાર આવે ત્યારે વાયુઓ પરપોટા રૂપે, લાવાના ઠરતા જવાની સાથે સાથે નીકળતા જતા હોય છે. મુક્ત થતા વાયુઓ ખડકમાં નાનાંમોટાં પોલાણો છોડી જાય છે, જે કોઈ પણ આકારનાં હોઈ શકે છે. પછીથી ગમે ત્યારે આ પોલાણો કે કોટરો અન્ય ખનિજદ્રવ્યથી ભરાઈ જઈ શકે છે. પ્રસ્ફુટિત લાવાપ્રવાહ જો કોઈ પાણીવાળી કે ભેજવાળી સપાટી પર જામે તો લાવાની ગરમીથી નીચેનો ભેજ કે જળ, વરાળ રૂપે ફેરવાઈ જતાં, ખડકમાં થઈને બહાર નીકળી જતી વખતે નીચેથી ઉપર સુધી નલિકારૂપી પોલાણ છોડી જાય છે. આવી નલિકાઓ પણ ખનિજદ્રવ્યથી પૂરેપૂરી કે અપૂરતી ભરાઈ જાય છે, આ પ્રકારની સંરચનાને બદામાકાર રચનાધારક નલિકા (pipe amygdale) કહે છે. ખાસ કરીને લાવાના થરનાં ઉપલાં પડ બદામાકાર સંરચના રજૂ કરતાં હોય છે. ખનિજદ્રવ્ય-પૂરણીમાં ક્વાર્ટ્ઝ, ઓપલ, કૅલ્સિડોની, કૅલ્સાઇટ, ક્લોરાઇટ, પ્રેહનાઇટ, પેક્ટોલાઇટ, એપોફાયલાઇટ કે વિવિધ ઝિયોલાઇટ હોય છે. પ્રાકૃત તાંબું કે ચાંદી પણ ક્વચિત્ મળે છે. બેસાલ્ટના લૅટરાઇટ પરિવર્તિત વિસ્તારોમાં ગિબ્સાઇટના પણ સ્પષ્ટ બદામી આકારો મળેલા છે. ભારતમાં ડેક્કન ટ્રૅપના લાવાના થરોમાં બદામાકાર સંરચના ઘણાં સ્થળોમાં જોવા મળે છે.
ગિરીશભાઈ પંડ્યા