બતેલો : એક પ્રકારનું વહાણ. તે સૂરતી વહાણ તરીકે જાણીતું છે. તે બેવડું તળિયું ધરાવે છે. સંસ્કૃત શબ્દો ‘દ્વિ’ એટલે બે અને ‘તલ’ એટલે તળિયું. ‘બેતલ’ ઉપરથી ‘બતેલો’ નામ બન્યું છે. આ વહાણની અત્રી સમાંતર હોય છે અને મોરો છેડેથી ભિડાય છે. આ વહાણ 80થી 100 ખાંડીનું હોય છે અને તેની ગતિ મંદ હોય છે. તેને ત્રણ સઢ હોય છે અને તેની ઉપર 12 ખલાસીઓ હોય છે. બતેલા સૂરત, બીલીમોરા, વલસાડ, દમણ અને થાણા જિલ્લામાં બંધાય છે. તે 40 વરસ સુધી કામ આપે છે. તે કચ્છથી મલબાર સુધીના દરિયાની ખેપ કરે છે, પણ કચ્છી બતેલા મસ્કત અને ઝાંઝીબાર સુધી જાય છે. બતેલો ચપટા તળિયાવાળો હોવાથી તે છીછરા પાણીવાળા સમુદ્ર અને નદીમાં પરિવહન માટે વપરાય છે. સૂરતી બતેલા જાફરાબાદમાં પણ બંધાય છે. તેમાં કચ્છી વહાણથી દોઢા કે બમણા ખલાસીઓ હોય છે. સઢનો ઘાટ સાદો અને પેટાળ મોટું હોય છે. ઓછા પાણીમાં તે ઊંધું વળી ન જાય તે માટે તેમાં લાકડાં અને પથ્થરનો ભાર વધારે ભરે છે. નદીના વહાણવટા માટે પણ તે ઉપયોગી છે. જાફરાબાદી બતેલા ઉપર સૂરતી બતેલા જેટલા ખલાસીઓ હોય છે. અરબી વહાણ માફક તેનો સઢ ઘાટઘૂટ વિનાનો હોય છે. સૂરતી બતેલા કરતાં જાફરાબાદી બતેલો દેખાવમાં સુંદર હોય છે. મોરો બે ગરેડીવાળો હોય છે, જેથી દોરડું સહેલાઈથી ખેંચી શકાય છે. બતેલામાં સથો હોતો નથી, તેથી વળીની કોઈ વખત પાળ કરીને કાવરાન કરેલ હોય છે. કચ્છી વહાણ કરતાં તે વધુ માલ વહન કરે છે. બતેલો મજબૂત હોઈને તેમાં એંજિન પણ બેસાડાય છે.
શિવપ્રસાદ રાજગોર