બતૂલ બેગમ (20 સપ્ટેમ્બર 1956, કેરાપ, રાજસ્થાન) : લોકસંગીતનાં ગાયિકા. તેમણે લોકગીતો અને ભજનો ગાવા ઉપરાંત અનોખી શૈલીથી ઢોલ, ઢોલક, તબલાં જેવાં વાદ્યોને વગાડીને આંતરરાષ્ટ્રીય નામના મેળવી છે. 2025ના પદ્મશ્રી પુરસ્કારથી પણ તેમને નવાજવામાં આવ્યાં છે.

બતૂલ બેગમ

તેઓ રાજસ્થાનના મિરાસી સમુદાયનાં છે, જ્યાં મહિલાઓ માટે સંગીત શીખવું કે સ્ટેજ પર ગાવું ક્યારેય સરળ ન હતું. પાંચમા ધોરણ પછી તેમણે શાળા છોડી દેવી પડી હતી. તેમણે આઠ વર્ષની ઉંમરે ઠાકુરજીના મંદિરમાં ભજન ગાવાનું શરૂ કર્યું હતું. 16 વર્ષની ઉંમરે તેમનાં લગ્ન થયાં હતાં. સામાજિક અવરોધો હોવા છતાં છેલ્લાં 50 વર્ષોથી સંગીતયાત્રા ચાલુ રહે તે માટે બેગમ બતૂલને તેના પતિ શ્રી ફિરોઝખાન અને ત્રણ પુત્રો તરફથી મહત્ત્વનો સાથ અને પ્રોત્સાહન મળ્યાં છે.

બતૂલ માંડ અને ભજન શૈલીનાં લોકગીતોનાં ગાયિકા છે. તબલાં, ઢોલ, ઢોલક જેવાં સંગીતવાદ્યો પણ વગાડે છે. તેઓ મુસ્લિમ ધર્મમાં જન્મેલાં હોવા છતાં તેમણે પોતાની સંગીતયાત્રાનો પ્રારંભ હિંદુ ભજન ગાઈને કર્યો હતો. બેગમ પોતાનાં ગીતો દ્વારા સાંપ્રદાયિક એકતા અને સંવાદિતાનો સંદેશ આપે છે.

ભારતનાં વિવિધ સ્થળો ઉપરાંત બતૂલે ભારતની બહાર પણ ઘણા દેશોમાં સંગીત-પ્રદર્શન કર્યું છે. આજે તેઓ એક આંતરરાષ્ટ્રીય કલાકાર છે. ફ્રાન્સ, ઑસ્ટ્રેલિયા, ઇટાલી, બેલ્જિયમ, ટ્યુનિશિયા, સ્વિટ્ઝર્લૅન્ડ, જર્મની જેવા ઘણા દેશોમાં તેમણે સુંદર રીતે પર્ફૉર્મ કરેલ છે. તેઓ એકમાત્ર રાજસ્થાની ગાયિકા છે જેમણે પૅરિસના પ્રતિષ્ઠિત ટાઉનહૉલ, પૅરિસની ઑલિમ્પિક ગેઇમ્સ, કાંસના આંતરરાષ્ટ્રીય ફિલ્મ મહોત્સવ, ટ્યુનિશિયાના સેંટ લુઇસ કૅથેડ્રલ, ઑસ્ટ્રેલિયાના સાંસદ વગેરે પ્રતિષ્ઠિત સ્થળોએ પોતાનું સંગીત પીરસેલ છે. આંતરરાષ્ટ્રીય ફ્યૂઝન મ્યુઝિક બૅન્ડ ‘બોલિવુડ – ક્લેઝમર’ જેમાં વિશ્વના ચાર મહત્ત્વના ધર્મના કલાકારો પોતાનું પરંપરાગત સંગીતનું ફ્યુઝન કરે છે. બેગમ બતૂલ આ મ્યુઝિક બેન્ડનાં અભિન્ન અંગ છે. હમણાં તાજેતરમાં જ શ્રીમતી બતૂલે પ્રસિદ્ધ ફ્રેંચ સંગીતકાર જોડી પૉલ આર્મંડ–ડેઇલ અને એલેકઝેન્ડર ગ્રિન્જપેને સાથે તેમના આગામી  પ્રકલ્પ માટે રામભજન રેકૉર્ડ કરેલ છે. 2017થી  બતૂલ પૅરિસના સૌથી મોટા હોળી ઉત્સવ જેમાં 30,000થી પણ વધુ લોકો ભાગ લે છે તેમાં નિયમિત રૂપે સંગીત પ્રદર્શન કરી રહ્યાં છે. તેમના જીવન ઉપરથી પ્રેરણા લઈને પ્રસિદ્ધ ફ્રેંચ નિર્દેશક ઑદ્રે ગૉર્ડન શ્રીમતી બતૂલની સંગીતયાત્રા પર એક દસ્તાવેજી ચલચિત્ર બનાવી રહ્યા છે.

બતૂલને 2022માં ભારતના માનનીય રાષ્ટ્રપતિ તરફથી ‘નારી શક્તિ પુરસ્કાર’ પ્રાપ્ત થયો છે. 2024માં પૅરિસમાં ફ્રાન્સની સેનેટ દ્વારા ‘ભારત ગૌરવ પુરસ્કાર’, 2024માં ઑસ્ટ્રેલિયામાં ‘રાજસ્થાન ગૌરવ પુરસ્કાર’, 2021માં ફ્રાન્સમાં ‘એચીવર્સ ઍવૉર્ડ’ વગેરે પુરસ્કારો દ્વારા તેમનું સન્માન થયું છે.

આ રીતે સમગ્ર વિશ્વમાં ભારતીય સંગીતનું ગૌરવ અને તેનો પ્રચાર શ્રીમતી બતૂલના યાદગાર પ્રયાસો દ્વારા થઈ રહ્યાં છે.

હિના શુક્લ