બડજાત્યા, સૂરજ (જ. 22 ફેબ્રુઆરી 1965) : હિંદી ચલચિત્રોના ઇતિહાસમાં આવકની દૃષ્ટિએ સૌથી વધુ કમાણી કરનાર ચિત્ર ‘હમ આપ કે હૈં કૌન’ સહિત ત્રણ સફળ ચિત્રોનું દિગ્દર્શન કરનાર લેખક-દિગ્દર્શક. ખ્યાતનામ વિતરક અને નિર્માતા તારાચંદ બડજાત્યાના પૌત્ર સૂરજ બડજાત્યાએ ફિલ્મનિર્માણ કરતી તેમની સંસ્થા રાજશ્રી પ્રોડક્શન્સની સ્વચ્છ સામાજિક ચિત્રોનું નિર્માણ કરવાની પરંપરા જાળવી રાખી છે.

સૂરજ બડજાત્યા

1933થી ચલચિત્ર ઉદ્યોગ સાથે સંકળાયેલો બડજાત્યા પરિવાર નિર્માણ અને વિતરણ સાથે જ કાર્યરત હતો. સૂરજ બડજાત્યાએ નાનપણથી જ દિગ્દર્શક બનવાનું સ્વપ્ન જોયું હતું. વાણિજ્ય-કૉલેજોમાં દાખલ થયા હતા, પણ દિગ્દર્શક બનવાની ધૂનમાં અભ્યાસ પૂરો કરી શક્યા નહિ. સ્વતંત્રપણે દિગ્દર્શન શરૂ કરતા પહેલાં ‘સારાંશ’ ચિત્રના નિર્માણ વેળા દિગ્દર્શક મહેશ ભટ્ટ અને ‘પ્રતિઘાત’ના નિર્માણ વેળા દિગ્દર્શક એન. ચંદ્રાના તેઓ સહાયક બન્યા. પાંચ વર્ષ સહાયક તરીકે દિગ્દર્શન કર્યા બાદ બડજાત્યા પરિવારને જ્યારે સૂરજ બડજાત્યાની દિગ્દર્શનની શક્તિ વિશે ખાતરી થઈ ત્યારે ‘મૈં ને પ્યાર કિયા’(1989)નું દિગ્દર્શન તેમને સોંપ્યું.

સામાન્ય મધ્યમવર્ગીય કિશોરી અને શ્રીમંત કિશોર વચ્ચેના પ્રેમને ખૂબ જ સરળ પણ સૂઝબૂજભરી રીતે કર્ણપ્રિય ગીતો સાથે દિગ્દર્શક સૂરજે ‘મૈં ને પ્યાર કિયા’માં રજૂ કર્યો છે. આવકની દૃષ્ટિએ પણ આ ચિત્રે વિક્રમો સ્થાપિત કર્યા હતા. ચિત્રમાં મુખ્ય ભૂમિકા ભજવનાર સલમાનખાન હજી નવો જ હતો અને ભાગ્યશ્રીનું આ પ્રથમ જ ચિત્ર હતું. એ પછી 1994માં ચલચિત્ર ‘હમ આપ કે હૈં કૌન’ પ્રદર્શિત કર્યું. સગાઈની વિધિથી માંડીને સીમંત સુધીની વિધિઓનાં ગીતો અને અંતાક્ષરી સભર આ ચિત્રને પ્રારંભે ટીકાકારોએ ‘લગ્નની વિડિયો કૅસેટ’ કહીને ટીકા કરી હતી. પણ પ્રેક્ષકોને આ ચિત્ર એવું ગમી ગયું કે દેશભરમાં અને વિદેશોમાં પણ આ ચિત્રે વિક્રમસર્જક કમાણી કરી. 1999ના અંતમાં તેમણે ‘હમ સાથ સાથ હૈં’નું દિગ્દર્શન કર્યું. રામાયણની કથાને આધુનિક સંદર્ભમાં રજૂ કરીને તેમણે આ ચિત્રમાં સંયુક્ત પરિવારનાં મૂલ્યો રજૂ કર્યાં.

હિંદી ચલચિત્રોમાં જ્યારે હિંસાથી ભરપૂર ચિત્રોનો પ્રવાહ વહી રહ્યો હોય ત્યારે કૌટુંબિક કથાવાળાં આવાં ચિત્રો બનાવીને સૂરજ બડજાત્યાએ નવી પેઢીના દિગ્દર્શકોમાં પોતાનું એક અલગ સ્થાન બનાવ્યું છે.

1989થી 2022 સુધીમાં એમણે ફક્ત આઠ જેટલી જ ફિલ્મો બનાવી હોવા છતાં તેઓ એક પ્રથમ પંક્તિના દિગ્દર્શક તરીકે ગણના પામે છે.

હરસુખ થાનકી