બડજાત્યા, તારાચંદ (જ. 10 મે 1914, અ. 21 સપ્ટેમ્બર 1992) : સ્વચ્છ, સામાજિક ચિત્રોનું નિર્માણ અને વિતરણ કરવા માટે જાણીતી ચિત્રનિર્માણ સંસ્થા રાજશ્રી પ્રોડક્શન્સના સ્થાપક ચલચિત્રનિર્માતા. 1962માં પ્રથમ ચિત્ર ‘આરતી’થી માંડીને 1999માં ‘હમ સાથ સાથ હૈં’ સહિત કુલ 48 જેટલાં ચિત્રોનું નિર્માણ કરનાર રાજશ્રી પ્રોડક્શન્સ સંસ્થાની સ્થાપના કરનાર તારાચંદ બડજાત્યા લગભગ પાંચ દાયકા સુધી ચિત્રનિર્માણ અને વિતરણના ક્ષેત્રે સક્રિય રહ્યા હતા. નવા કલાકારોને વધુમાં વધુ તક આપીને આખું કુટુંબ માણી શકે એવાં સારાં અને સ્વચ્છ સામાજિક, પ્રણયચિત્રો ઓછામાં ઓછા ખર્ચે બનાવવાની તેમની જબરી સૂઝ હતી. 1989માં તેમના પૌત્ર સૂરજ બડજાત્યાએ ‘મૈં ને પ્યાર કિયા’નું દિગ્દર્શન કર્યું. એ પહેલાં તેમણે બનાવેલાં તમામ ચિત્રોનું દિગ્દર્શન બહારના દિગ્દર્શકોએ કર્યું હતું. તેમના ત્રણ પુત્રો કમલ, રાજ અને અજિત તેમની સાથે રહી તેમને નિર્માણ અને વિતરણમાં સહાય કરતા હતા.
તારાચંદ બડજાત્યા મહર્ષિ અરવિંદમાં અનન્ય શ્રદ્ધા ધરાવતા હતા. ભારતના સ્વાતંત્ર્યદિન અને શ્રી અરવિંદના જન્મદિન 15 ઑગસ્ટ 1947ના રોજ તેમણે પોતાની સ્વતંત્ર સંસ્થા રાજશ્રી પિક્ચર્સનો પ્રારંભ કર્યો હતો, જે 1950માં રાજશ્રી પ્રોડક્શન્સ બની હતી.
કલકત્તાની વિદ્યાસાગર કૉલેજમાં અભ્યાસ પૂરો કર્યા પછી તારાચંદ બડજાત્યા 1933માં મુંબઈ આવ્યા. અહીં રાયબહાદુર મોતીલાલ કમારિયાની નિર્માણસંસ્થામાં મહિને 25 રૂપિયાના પગારે ચલચિત્રના નિર્માણથી માંડીને વિતરણ અને વિતરણ સાથે સંકળાયેલાં તમામ પાસાંની તાલીમ લીધી.
રાજશ્રી પ્રોડક્શન્સના નેજા હેઠળ પ્રથમ ચિત્ર ‘આરતી’નું નિર્માણ 1962માં કર્યું. એ વર્ષના આંતરરાષ્ટ્રીય ફિલ્મોત્સવમાં આ ચિત્ર રજૂ કરાયું હતું. આ પછી સાવ નવાં કલાકારોને લઈને ‘દોસ્તી’નું નિર્માણ કર્યું. એક અંધ અને બીજા લંગડા યુવાન વચ્ચેની દોસ્તીની કહાણી કહેતા આ ચિત્રનાં ગીતો ખૂબ જ લોકપ્રિય થયાં હતાં. ચિત્રે ધંધાકીય રીતે પણ નોંધપાત્ર સફળતા મેળવી હતી.
રાજશ્રીના નેજા હેઠળ બનેલાં મોટાભાગનાં સફળ ચિત્રોમાં 1972માં ‘ઉપહાર’, ‘પિયા કા ઘર’ અને ‘સૌદાગર’ પણ નોંધપાત્ર છે. ‘ઉપહાર’ રવીન્દ્રનાથ ટાગોરની વાર્તા પરથી બનાવાયું હતું. ‘પિયા કા ઘર’માં મહાનગરમાં રહેઠાણની સમસ્યા રજૂ કરાઈ હતી અને ‘સૌદાગર’માં તાડીનો ગોળ બનાવનાર એક સાવ સામાન્ય યુવાનની પ્રેમકહાણી હતી. ‘ઉપહાર’ અને ‘સૌદાગર’ બંને ચિત્રો ઑસ્કર ઍવૉર્ડ માટે ભારત સરકાર તરફથી સત્તાવાર રીતે મોકલાયાં હતાં.
લોકપ્રિય અભિનેત્રીઓ રાખી, માધુરી દીક્ષિત, રામેશ્વરી, ઝરીના વહાબ, સારિકા, ભાગ્યશ્રી વગેરેને સૌપ્રથમ તારાચંદ બડજાત્યાએ ચમકાવી હતી.
અન્ય નોંધપાત્ર ચિત્રો : ‘જીવનમૃત્યુ’, ‘ગીત ગાતા ચલ’, ‘તપસ્યા’, ‘ચિતચોર’, ‘દુલ્હન વો હી જો પિયા મન ભાયે’, ‘પહેલી’, ‘અખિયોં કે ઝરોખોં સે’, ‘તરાના’, ‘સાવન કો આને દો’, ‘નદિયા કે પાર’, ‘સારાંશ’, ‘મૈં ને પ્યાર કિયા’.
હરસુખ થાનકી