બજાજ, જાનકીદેવી (જ. 1893, જાવરા, મધ્યપ્રદેશ; અ. 21 મે 1979, વર્ધા) : સ્વાતંત્ર્યસૈનિક, ભૂદાન કાર્યકર. તેમનાં લગ્ન આશરે નવ વર્ષની વયે જમનાલાલ બજાજ સાથે થયાં હતાં. 1915માં તેઓ બંને ગાંધીજીના સંપર્કમાં આવ્યાં. 1920થી જાનકીદેવી ગાંધીભક્ત બન્યાં અને તેમના જીવનમાં પરિવર્તન આવ્યું. તેમણે પરદા-પ્રથા બંધ કરી, કીમતી રેશમી કપડાં તથા અલંકારોનો ત્યાગ કર્યો અને જાડી ખાદીનાં કપડાં અપનાવ્યાં. અસહકારની ચળવળ (1920–22) દરમિયાન ગાંધીજીએ વિદેશી માલનો બહિષ્કાર પોકાર્યો ત્યારે વર્ધામાં ગાંધીચૉકમાં વિદેશી કાપડની હોળી કરવામાં આવી. તેમાં જાનકીદેવીએ પોતાના પરિવારનાં સૌ સભ્યોનાં બધાં વિદેશી કપડાં આપી દીધેલાં. પોતાના પતિ જમનાલાલ સાથે તેઓ ગાંધીજીની રચનાત્મક પ્રવૃત્તિઓમાં રસ લેતાં હતાં. તેમણે ખાદીના પ્રચારને મુખ્ય સેવાકાર્ય બનાવ્યું હતું. સવિનય કાનૂનભંગની ચળવળ (1930–32) દરમિયાન મુંબઈ ખાતે વિલે પાર્લેમાં સત્યાગ્રહીઓનો તાલીમ શિબિર ચલાવવામાં તેમણે જમનાલાલજીને સહકાર આપ્યો હતો. ત્યારબાદ કસ્તૂરબા ગાંધીની સૂચનાથી બંગાળ અને બિહારનો પ્રવાસ ખેડીને તેમણે અનેક સભાઓને સંબોધેલી. આ સભાઓમાં તેમણે લોકોને મીઠાના કાયદાનો ભંગ કરવા, વિદેશી કાપડનો બહિષ્કાર કરવા, ખાદી પહેરવા તથા દારૂની દુકાનો પર પિકેટિંગ કરવા જણાવ્યું હતું. ફેબ્રુઆરી, 1932માં તેમની ધરપકડ થઈ અને છ મહિનાની કેદની સજા કરવામાં આવી.
ફેબ્રુઆરી 1942માં જમનાલાલજીનું અવસાન થતાં જાનકીદેવી સતી થવા તૈયાર થયાં, પરંતુ ગાંધીજીએ તેમને સતી થતાં રોકી જમનાલાલજીનાં અધૂરાં કાર્યો પૂરાં કરવા સલાહ આપી. તે મુજબ તેમણે ગો-સેવાનું કાર્ય કરવાની પ્રતિજ્ઞા લીધી. તેમના ભાગે આવતા રૂપિયા અઢી લાખ ગો-સેવા માટે વાપરવા તેમણે ગાંધીજીને આપી દીધા. ગાંધીજીની સૂચના મુજબ અખિલ ભારત ગો-સેવા સંઘનું પ્રમુખપદ તેમણે સ્વીકાર્યું.
વિનોબા ભાવેએ ભૂદાન ચળવળ શરૂ કરી ત્યારે તેઓ ભૂદાનકાર્યમાં જોડાયાં. વિનોબાજી સાથે ભૂદાનયાત્રામાં જોડાઈને દેશના વિવિધ પ્રદેશોમાં તેમણે ભૂદાનનો સંદેશો પહોંચાડ્યો. ભૂદાનમાં મળેલી જમીનોમાં કૂવા ખોદાવવા તેમણે કૂપદાન ચળવળ ચલાવી અને તે માટે ફાળો ઉઘરાવ્યો.
મહિલાઓના ઉત્કર્ષ માટે તેમણે નોંધપાત્ર સેવા આપી. તેઓ વર્ધા મહિલા આશ્રમનાં પ્રમુખ, કસ્તૂરબા ગાંધી રાષ્ટ્રીય સ્મારક ભંડોળનાં ટ્રસ્ટી તથા સર્વ સેવા સંઘનાં સભ્ય હતાં. તેમણે વિવિધ ક્ષેત્રોમાં રાષ્ટ્રને આપેલી સેવાઓની કદર કરીને 1956માં ભારતના પ્રમુખ ડૉ. રાજેન્દ્રપ્રસાદે તેમને ‘પદ્મવિભૂષણ’નો ઇલકાબ એનાયત કર્યો હતો.
મુગટલાલ પોપટલાલ બાવીસી