બચ્ચન, અમિતાભ (જ. 11 ઑક્ટોબર 1942, અલાહાબાદ) : હિંદી સિનેમાનો લોકપ્રિય અભિનેતા. પિતાનું નામ હરિવંશરાય બચ્ચન. માતાનું નામ તેજીજી. અમિતાભની કારકિર્દીની શરૂઆત રંગમંચથી થઈ. કોલકાતાની એક ખાનગી કંપનીમાં તે જોડાયો હતો. ખ્વાજા અહમદ અબ્બાસે ‘સાત હિન્દુસ્તાની’ ફિલ્મમાં અમિતાભને નાની ભૂમિકા આપી. અમિતાભની નાયક તરીકેની શરૂઆતની ફિલ્મો નિષ્ફળ સાબિત થયેલી. ‘પરવાના’ ફિલ્મમાં તેણે ખલનાયકની ભૂમિકા પણ કરી હતી. નાયક તરીકેની તેની પહેલી સફળ ફિલ્મ ‘ઝંજીર’ હતી. ‘ઝંજીર’ની ભૂમિકા અમિતાભ પહેલાં દેવ આનંદને આપવામાં આવી હતી. દેવ આનંદને ‘ઝંજીર’ની પટકથામાં ગીતોનો અભાવ લાગ્યો. તેથી તેણે તે ભૂમિકા સ્વીકારી નહિ. ત્યાર-બાદ આ ભૂમિકા માટે રાજકુમારને ઑફર કરવામાં આવી; પરંતુ રાજકુમારે પણ તે ભૂમિકાનો અસ્વીકાર કર્યો. અમિતાભનું નસીબ ચમકી ગયું. ‘ઝંજીર’ લોકપ્રિય થઈ. આક્રોશયુક્ત યુવાવર્ગનો અમિતાભ પ્રતિનિધિ બન્યો. આ આક્રોશ હિંસાના અશ્વ ઉપર સવાર થઈને આવ્યો હતો. અમિતાભના પાઠ સ્વયં કાનૂન છે; તેથી ઉપર કોઈ કાનૂન નથી! તે ભરી અદાલતમાં ન્યાયાધીશની સમક્ષ અપરાધીની છાતીમાં તલવાર ઉતારી દે છે અને તેને કોઈ સજા થતી નથી! (‘અંધા કાનૂન’). તે મંત્રીમંડળની બેઠકમાં પ્રજાના પ્રતિનિધિઓને ગોળી મારી દે છે. (‘ઇન્કિલાબ’).
‘કૂલી’ ફિલ્મના ચિત્રાંકન-વેળાની દુર્ઘટનાએ અમિતાભનું જીવન બદલી નાંખ્યું. ત્યારપછીની ફિલ્મોનાં પાત્રોએ તેના વ્યક્તિત્વને એક નવું સ્વરૂપ આપવાનો પ્રયત્ન કર્યો, જે તેના પ્રશંસકોને નિરાશા આપનારું નીવડ્યું. 1984માં અમિતાભે રાજકારણમાં ઝંપલાવ્યું; પરંતુ થોડા સમયમાં તે ક્ષેત્ર છોડીને ‘શહેનશાહ’ ફિલ્મથી અભિનયક્ષેત્રે તે પાછો ફર્યો.
ફિલ્મોની સૂચિ : ‘સાત હિન્દુસ્તાની’ (1969), ‘આનંદ’ (1970), ‘પરવાના’, ‘પ્યાર કી કહાની’, ‘રેશમા ઔર શેરા’, ‘સંજોગ’, ‘ગુડ્ડી’ (બધાં 1971), ‘બૉમ્બે ટુ ગોવા’, ‘બંસી બિરજુ’, ‘એક નઝર’, ‘રાસ્તે કા પત્થર’ (1972), ‘અભિમાન’, ‘બંધે હાથ’, ‘નમકહરામ’, ‘સૌદાગર’, ‘ઝંજીર’, ‘ગહરી ચાલ’ (1973), ‘બેનામ’, ‘કસૌટી’, ‘કુંવારા બાપ’, ‘મજબૂર’, ‘રોટી, કપડા ઔર મકાન’, ‘દોસ્ત’ (1974), ‘ચુપકે ચુપકે’, ‘દીવાર’, ‘ફરાર’, ‘મિલી’, ‘શોલે’, ‘ઝમીર’, ‘છોટી સી બાત’ (1975), ‘અદાલત’, ‘દો અનજાને’, ‘હેરાફેરી’, ‘કભી કભી’ (1976), ‘આલાપ’, ‘અમર અકબર ઍન્થની’, ‘ઈમાન-ધરમ’, ‘ખૂન-પસીના’, ‘પરવરિશ’, ‘ખટ્ટામીઠા’, ‘ચરણદાસ’ (1977), ‘બેશરમ’, ‘ડૉન’, ‘ગંગા કી સૌગંધ’, ‘કસમેં વાદે’, ‘મુકદ્દર કા સિકંદર’, ‘ત્રિશૂલ’ (1978), ‘ગોલમાલ’, ‘જુરમાના’, ‘કાલા પત્થર’, ‘મંઝિલ’, ‘મિ. નટવરલાલ’, ‘સુહાગ’, ‘ધ ગ્રેટ ગૅમ્બલર’, ‘અહસાસ’ (1979), ‘દો ઔર દો પાંચ’, ‘રામ-બલરામ’, ‘શાન’, ‘દોસ્તાના’ (1980), ‘બરસાત કી ઈક રાત’, ‘ચશ્મેબદ્દૂર’, ‘કાલિયા’, ‘લાવારિસ’, ‘નસીબ’, ‘સિલસિલા’, ‘યારાના’, ‘કમાન્ડર’, ‘સત્તે પે સત્તા’ (1981), ‘બેમિસાલ’, ‘દેશપ્રેમી’, ‘ખુદ્દાર’, ‘નમકહલાલ’, ‘શક્તિ’ (1982), ‘અંધા કાનૂન’, ‘કૂલી’, ‘મહાન’, ‘નાસ્તિક’, ‘પુકાર’ (1983), ‘ઇન્કિલાબ’, ‘પેટ, પ્યાર ઔર પાપ’, ‘શરાબી’ (1984), ‘ગિરફતાર’, ‘મર્દ’ (1985), ‘આખરી રાસ્તા’, ‘જલવા’ (1986), ‘કૌન જીતા ? કૌન હારા ?’ (1987), ‘શહેનશાહ’, ‘સૂરમા ભોપાલી’, ‘ગંગા જમુના સરસ્વતી’, ‘હીરો હીરાલાલ’ (1988), ‘તૂફાન’, ‘જાદૂગર’, ‘મૈં આઝાદ હૂં’ (1989), ‘અગ્નિપથ’, ‘આજ કા અર્જુન’, ‘ક્રોધ’ (1990), ‘હમ’, ‘અજૂબા’, ‘ઇન્દ્રજિત’, ‘અકેલા’ (1991), ‘ખુદા ગવાહ’ (1992), ‘પ્રોફેસર કી પડોસન’ (1993), ‘ઇન્સાનિયત’ (1994), ‘મૃત્યુદાતા’ (1997), ‘મેજરસા’બ’, ‘બડે મિયાં, છોટે મિયાં’ (1998).
ચલચિત્રોનું નિર્માણ કરવા માટે અમિતાભે એ.બી.સી.એલ. નામક સંસ્થાની સ્થાપના કરી છે જે આર્થિક સંકટમાંથી પસાર થઈ રહી છે.
અમિતાભે ટેલિવિઝન પર રજૂ થતી ‘કૌન બનેગા કરોડપતિ’ સિરિયલ દ્વારા ખૂબ પ્રસિદ્ધિ મેળવીને ઘરઘરમાં પહોંચી ગયા. એમણે કેટલીક અંગ્રેજી ફિલ્મોમાં પણ અભિનય કર્યો છે.
અમિતાભ બચ્ચને એના સમયની પ્રસિદ્ધ અભિનેત્રી જયા ભાદુરી જોડે 1973માં લગ્ન કરેલાં છે. એમના સંતાનોમાં એક પુત્ર અને એક પુત્રી છે. એમનો પુત્ર અભિષેક બચ્ચન પણ સિનેમાના ક્ષેત્રે અભિનય કરી રહ્યો છે.
પીયૂષ વ્યાસ