બગસરા : ગુજરાત રાજ્યના અમરેલી જિલ્લામાં કુંકાવાવ તાલુકામાં આવેલું નગર. ભૌગોલિક સ્થાન : તે 21° 29´ ઉ. અ. અને 70° 58´ પૂ. રે. પર સાતલડી નદીના ઉત્તર કાંઠે વસેલું છે. તે કુંકાવાવ-બગસરા રેલમથક પણ છે. આઝાદી પછી તે રાજ્ય-પરિવહનની બસસેવા દ્વારા અમરેલી, વડિયા, કુંકાવાવ, ધારી, વિસાવદર, જૂનાગઢ, રાજકોટ, ગોંડળ તથા જેતપુર જેવાં મહત્વનાં શહેરો અને નગરો સાથે જોડાયેલું હોવાથી વિકસ્યું છે. નજીક આવેલા મુંજિયાસર બંધ મારફત આજુબાજુની 4,200 એકર જેટલી જમીનને સિંચાઈનો લાભ મળે છે. અહીંનો મુખ્ય પાક મગફળી છે. વળી ગીરનો પ્રદેશ નજીક હોવાથી ઇમારતી લાકડાનું પીઠું પણ આવેલું છે. બગસરાના માર્કેટયાર્ડમાં આજુબાજુના વિસ્તારોમાંથી ગોળ, ઘઉં, બાજરી, મગફળી, મરચાં વેચાવા આવે છે. આમ તે ખરીદ- વેચાણનું મહત્વનું વેપારી મથક બની રહેલું છે. મગફળીના મબલક વાવેતરને કારણે અહીં આઠ જેટલી તેલમિલો સ્થપાયેલી છે. આ ઉપરાંત અહીં પાવરલૂમ તથા હાથસાળ ઉપર મધ્યમ અને જાડા બરનું કાપડ, ચોફાળ, સાડી, પછેડી, રિબનપટ્ટી તથા ખાદી તૈયાર થાય છે. મિલ તથા પાવરલૂમના કાપડ પર છાપકામ અને રંગાટીકામ કરવાનાં કારખાનાં અહીં વિકસ્યાં છે. એવા કાપડનું ઉત્પાદન આશરે 8 લાખ મીટરથી વધુ થાય છે. અહીં કૃત્રિમ આભૂષણો બનાવવાનો ઉદ્યોગ પણ વિકસ્યો છે.

1991ની વસ્તીગણતરી મુજબ બગસરાની વસ્તી 23,381 જેટલી છે. તે પૈકી 14,444 પુરુષો અને 13,937 સ્ત્રીઓ છે, આ રીતે જોતાં દર હજાર પુરુષોએ સ્ત્રીઓની સંખ્યા 965 જેટલી છે. અક્ષરજ્ઞાન આશરે 60% જેટલું છે. નગરપંચાયત આ નગરનો વહીવટ કરે છે. અહીં હૉસ્પિટલ, આરોગ્યકેન્દ્ર, કુટુંબકલ્યાણકેન્દ્ર, બે પ્રાથમિક શાળાઓ અને એક માધ્યમિક શાળા તથા પુસ્તકાલય આવેલાં છે.

બગસરાની ગાદીનો મૂળ સ્થાપક માંચાવાળા હતો. તેણે દેવગામ અને દેવળિયાના સ્થાનિક કાઠી દરબાર પાસેથી આ પ્રદેશ જીતી લીધો હતો. માંચાવાળાથી પાંચમી પેઢીએ થઈ ગયેલા ડેસાવાળાએ તત્કાલીન જૂનાગઢ રાજ્યના આક્રમણ વખતે જામનગરના જામ તમાચીને 1708માં સહાય કરી હતી. તે બદલ તેને ‘કાઠીના જામ’નો ઇલકાબ આપ્યો હતો અને ડંકો – નિશાન તથા મ્યાનાની ભેટ આપી હતી. કાઠીઓમાં બધા પુત્રોને સમાન રાજભાગ આપવાની પ્રથા હોવાથી તેનો વિસ્તાર ઘટી ગયો હતો.

શિવપ્રસાદ રાજગોર