બગદાદી, ખતીબ (જ. 10 મે 1002, દર્ઝેજાન; અ. 5 સપ્ટેમ્બર 1071, બગદાદ) : ઇસ્લામ ધર્મના વિદ્વાન ઉપદેશક. આખું નામ અબૂબક્ર અહમદ બિન અલી બિન સાબિત. તેઓ એક ધર્મપ્રવચનકારના પુત્ર હતા. વિદ્યાપ્રાપ્તિ માટે બસરા, નિશાપુર, ઇસ્ફહાન, હમદાન અને દમાસ્કસ જેવાં જ્ઞાનકેન્દ્રોમાં ગયા. છેવટે અબ્બાસી વંશના પાટનગર બગદાદમાં વસવાટ કર્યો અને ત્યાંના રાજ્યના ધર્મપ્રવચનકાર નિમાયા, તેથી ‘ખતીબ બગદાદી’ના નામથી પ્રસિદ્ધ થયા. પૈગંબરસાહેબનાં કથનો, સુવચનોવાળા હદીસશાસ્ત્રમાં તેઓ નિપુણ હતા. બગદાદના ખલીફા અલ-કાઇમ અને તેના વજીર અલ-મુસ્લિમાની સહાયને કારણે અલમનસૂર મસ્જિદમાં તેમણે શિક્ષણકાર્ય આરંભ્યું અને પોતાની આગવી વિચારસરણી સમજાવવાની શરૂઆત કરી. હંબલી સંપ્રદાયના લોકો એમના વિરોધી હતા. બસાસેરીના સફળ બળવાના કારણે ઇબ્ન અલ-મુસ્લિમાનો નાશ થતાં ખતીબ બગદાદી દમાસ્કસ જતા રહ્યા, પરંતુ ફાતેમી વંશનો ગવર્નર એમનો વધ કરવા માંગતો હતો તેથી સૂર અને એલેપ્પો ગયા અને સલ્જૂકીઓએ બગદાદમાં શાંતિ સ્થાપી ત્યારે બગદાદ પાછા ગયા.

અલ-ખતીબની સાહિત્યિક કૃતિઓ ઘણી છે. તેમાં સર્વોત્તમ અને પ્રખ્યાત ‘તારીખે બગદાદ’ છે જે બગદાદના હદીસના વિદ્વાનો વિશેની માહિતીનો ભંડાર છે. તેમનાં બીજાં મહત્ત્વનાં પુસ્તકો ‘અલ-કિફાયતો ફી મઅરિફત ઉસૂલ ઇલ્મુર્ રિવાયા’ અને ‘તકયીદુલ ઇલ્મ’ છે.

મહેમૂદહુસેન મોહમદહુસેન શેખ