બગદાદ : મધ્ય પૂર્વના અરબ પ્રજાસત્તાક ઇરાકનું પાટનગર. ઈ. પૂ. 4000ના અરસામાં અહીં લોકો વસતા હતા એવી નોંધ મળે છે. બગદાદનો ભાગ (ત્યારે) પ્રાચીન બેબિલોનિયાનો પ્રદેશ ગણાતો હતો. ઈ. પૂ. સાતમી સદીથી છઠ્ઠી સદી સુધી આ પ્રદેશ પર ઈરાનીઓ, ગ્રીકો અને તે પછીથી રોમનોનો કબજો રહેલો. ઈ. સ. 752 સુધી બગદાદની જગાએ એક નાનકડું ગામ હતું.
મધ્યયુગના અબ્બાસી વંશના ખલીફા અબૂ જાફર મનસૂરે (ઈ. સ. 752–775) વિશાળ અબ્બાસી ખિલાફતના નવા પાટનગર માટે ઇરાક પ્રદેશના તાઇગ્રસ (દજલા) અને યુફ્રેટીઝ (ફુરાત) નદીઓના ફળદ્રૂપ વિસ્તારને પસંદ કરી સુર્રાહ નામની નહેરના કાંઠે એક ભવ્ય નગરનો પાયો 757માં નાંખ્યો. દસ વર્ષમાં તૈયાર થયેલ એ શહેર નગરરચનાના નિયમો પ્રમાણે બાંધવામાં આવ્યું હતું. ગોળાકાર શહેર બે કિલ્લાઓથી ઘેરાયેલું હતું. વચ્ચે ઉત્તરથી દક્ષિણ અને પૂર્વથી પશ્ચિમ બે માર્ગો હતા. કેન્દ્રમાં શાહી મહેલ આવેલો હતો. માર્ગો, મકાનો, પુલો, બાગબગીચા વગેરેનું આયોજન ઈરાની પદ્ધતિ મુજબ થયું હતું. ખલીફાએ પોતાના નવા પાટનગરનું નામ ‘મદીનતુલ ઇસ્લામ’ રાખ્યું હતું, પરંતુ એ સ્થળ પ્રાચીન સમયથી બગદાદ નામે ઓળખાતું હતું. તેથી જૂનું નામ પ્રચલિત થયું. બેબિલોનિયાના શાસક હમૂરાબીના એક દસ્તાવેજમાં ‘બગદાદૂ’ નામનો ઉલ્લેખ મળે છે. ‘બગદાદ’ શબ્દની બે પ્રકારની વ્યુત્પત્તિ બતાવવામાં આવે છે. પ્રાચીન આરામી ભાષામાં ‘બુગ’નો અર્થ ‘દેવ’ થતો હતો, તેથી તે જગ્યા ‘બુગદાદે’ એટલે ‘દેવે આપેલી’ કહેવાતી હતી. અરબોએ તેને ફારસી શબ્દ ‘બાગે દાદ’ અર્થાત્ ‘ન્યાયની વાડી’ ઉપરથી ઊતરી આવેલો બતાવ્યો છે.-
બગદાદ વેપારનું મોટું કેન્દ્ર હતું. ચીન તથા ભારતથી વેપારી માલસામાન લાવવા માટે તે કુદરતી માર્ગોથી જોડાયેલું હતું. અબ્બાસી વંશના ખલીફાઓ હારૂન અલ રશીદ (786–808) અને મામૂન અલ રશીદ(813–833)ના સમયમાં બગદાદ વિશ્વનું એક ભવ્ય અને સમૃદ્ધ નગર બની ગયું. એક અંદાજ મુજબ દસમા સૈકામાં બગદાદની વસ્તી પંદર લાખની હતી. બગદાદમાં ભૌતિક જાહોજલાલીની સાથે બૌદ્ધિક વિકાસ પણ થયો હતો. તે નગરમાં મુસલમાનોની બે પ્રખ્યાત વિચારધારાઓ હનફી તથા હંબલીનાં કેન્દ્રો હતાં; ઉપરાંત વિશ્વભરમાં પ્રખ્યાત થયેલ તથા વિદ્યાના ક્ષેત્રે મુસલમાનોને પ્રગતિના પંથે લઈ જનાર બે મહાન શિક્ષણસંસ્થાઓ નિઝામિયા તથા મુસ્તનસરિયાનું અસ્તિત્વ પણ બગદાદમાં હતું. અબ્બાસી ખલીફાઓએ બગદાદમાં બયતુલ હિકમત નામની એક વિદ્યાકીય સંસ્થા પણ સ્થાપી હતી. તેમાં પૂર્વના ભારત તથા ચીન અને પશ્ચિમના ગ્રીસ તથા મિસરના વિદ્વાનો વિજ્ઞાનના ક્ષેત્રે સંશોધન તથા ભાષાંતરની મહત્ત્વની કામગીરી બજાવતા હતા. 1258માં મોંગોલ સરદાર હલાકૂએ આક્રમણ કરીને બગદાદને પાયમાલ કર્યું હતું. 1508માં ઈરાનના શિયાપંથી સફવી શાહ ઇસ્માઇલે પણ તેને તારાજ કર્યું હતું; પરંતુ 1535 પછી સુલતાન સુલેમાનના નેજા હેઠળ ઉસ્માની તુર્ક સત્તા સ્થપાતાં બગદાદ ફરીથી સમૃદ્ધ બની ગયું. સોળમા સૈકામાં યુરોપીય પર્યટકો ત્યાં આવવા લાગ્યા હતા.
અઢારમી સદી સુધીમાં તો આ શહેર માત્ર 15,000 જેટલી વસ્તી ધરાવતું નાનકડું નગર બની રહ્યું.
પ્રથમ વિશ્વયુદ્ધ દરમિયાન 1917માં ઑટોમન તુર્કો પાસેથી અંગ્રેજ દળોએ ઇરાકનો કબજો મેળવી લીધો. તેમણે અહીં ખનિજતેલ ઉદ્યોગની સ્થાપના કરી. 1927માં બગદાદ સ્વતંત્ર ઇરાકનું પાટનગર બન્યું. 1958માં ઇરાક પ્રજાસત્તાક રાષ્ટ્ર પણ બન્યું. ઇરાક સરકારે ખનિજતેલના વેપારમાંથી મળતી મોટા ભાગની આવકને ઉદ્યોગોની સ્થાપના કરવામાં તથા પૂરનિયંત્રણ માટે ઉપયોગમાં લીધી. હજારો ઇરાકી ગ્રામવાસીઓ અહીં નોકરી અર્થે આવ્યા અને વસ્યા. અહીં 1970 અને 1980ના ગાળા દરમિયાન હજારો આવાસોની વ્યવસ્થા કરવામાં આવી.
1991માં ઈરાની અખાતના યુદ્ધ દરમિયાન બગદાદને અમેરિકી તોપમારાથી ઘણું નુકસાન વેઠવું પડ્યું. પણ પછી પુનર્નિર્માણનું કાર્ય ત્યાં થતું રહ્યું છે.
મેહબુબહુસેન એહમદહુસેન અબ્બાસી
ગિરીશભાઈ પંડ્યા