બખ્તર : યુદ્ધ દરમિયાન અથવા અન્યત્ર હુમલાથી બચવા પહેરાતું શરીરરક્ષક કવચ. પ્રાચીન કાળમાં લાકડીના માર કે કુહાડા જેવા સાધનથી અપાતા ફટકાની તીવ્રતા ઘટાડવા માટે લોકો પ્રાણીઓની ખાલ પહેરતા. ત્યારબાદ યુદ્ધભૂમિ પર શત્રુના સૈનિકોના સામસામા સશસ્ત્ર હુમલાથી બચવા માટે સૈનિકો બખ્તર પહેરવા લાગ્યા. માણસની સંહારક શક્તિમાં જેમ જેમ વધારો થતો ગયો અને પોલાદનાં બનેલાં તલવાર, બરછી અને ભાલા જેવાં શસ્ત્રો ઉપરાંત દૂરથી હુમલો કરી શકે એવી બંદૂકો કે તોપોની શોધખોળ થતી ગઈ તેમ તેમ આત્મરક્ષણ માટે વપરાતાં બખ્તર જેવાં સાધનનાં સ્વરૂપ આકાર, બનાવટ, ઉપાદાન વગેરેમાં પણ ફેરફાર થતા ગયા; એક જમાનામાં જેનો ઉપયોગ માત્ર સૈનિકો પૂરતો જ મર્યાદિત હતો તે ઉપયોગ ધીમે ધીમે વધુ વ્યાપક બનતો ગયો અને તેમાં સૈનિકો ઉપરાંત પોલીસ દળના અધિકારીઓ, રાજકીય નેતાઓ અને અંધારી આલમના ગુનેગારો તરફથી જાનનું જોખમ ખેડતા નાગરિકોનો પણ સમાવેશ થવા લાગ્યો. શત્રુ કે વિરોધીઓ દ્વારા થતા સંભવિત હુમલાનું નિશાન ગણાતી વ્યક્તિ ઉપરાંત હવે તોપગાડીઓ, રણગાડીઓ, જહાજો અને લશ્કરી તથા મુલકી વાહનોના બચાવ કે સંરક્ષણ માટે પણ બખ્તરનો ઉપયોગ થાય છે. ટૂંકમાં, જેમ જેમ આક્રમણ, કે વ્યક્તિગત જોખમોમાં વધારો થતો ગયો છે તેમ તેમ બખ્તર જેવાં સ્વબચાવનાં સાધનોનાં માગ અને ઉપયોગમાં પણ વધારો થતો રહ્યો છે.
મનુષ્યના શરીરના અલગ અલગ અવયવ કે અંગ માટે અલગ અલગ સમયે, અલગ અલગ પ્રકારનાં અને અલગ અલગ નામ ધરાવતાં બખ્તરો બનાવાતાં રહ્યાં છે. ચાણક્યના ‘અર્થશાસ્ત્ર’માં તે અંગે વિશદ ઉલ્લેખ કરવામાં આવ્યો છે : દા.ત., માથાના રક્ષણ માટે શિરસ્ત્રાણ, ગળા કે કંઠના રક્ષણ માટે કંઠત્રાણ, માથાની નીચેના ભાગ એટલે કે ધડના રક્ષણ માટે કંચુક વગેરે. ધારાનગરીના એક જમાના(ઈ.સ. આશરે 1100)ના રાજા ભોજ તેમના એક ગ્રંથમાં સારા બખ્તરનાં કેટલાંક લક્ષણોનો નિર્દેશ કરે છે. ભોજના મત મુજબ, બખ્તર વજનમાં હલકું અને લવચીક હોવું જોઈએ, જેથી તે પહેરનારના હલનચલનમાં મુશ્કેલી ઊભી ન કરે. તે પહેરવા માટેની ક્રિયા સરળ અને સુગમ હોવી જોઈએ; જેથી તે ઓછામાં ઓછા સમયમાં પહેરી શકાય અને પહેરનારને તે ભારેખમ કે બોજારૂપ ન લાગે. તે એવા ઘટક પદાર્થોનું બનેલું હોવું જોઈએ કે જેને લીધે પહેરનારનું શરીર લાંબે ગાળે અપંગ ન બને – વગેરે.
વેદકાળમાં પણ બખ્તર પ્રચલિત હતાં. ભારતીય યુદ્ધોમાં કવચ પહેરનારા પાયદળના સૈનિકોનું વર્ણન આવે છે. મુઘલ શાસનકાળ દરમિયાન પણ યુદ્ધોમાં મુસલમાન સૈનિકો બખ્તર પહેરતા. મરાઠા શાસક શિવાજી અને મુઘલ સેનાપતિ અફઝલખાન વચ્ચે રાયગડના દુર્ગ પર મુલાકાત ગોઠવવામાં આવી હતી ત્યારે સંભવિત જોખમના પ્રતિકારની પૂર્વતૈયારી રૂપે શિવાજીએ સદરાના આકારનું બખ્તર પહેર્યું હતું. વિદેશોમાં બહુ પ્રાચીન કાળથી બખ્તર પહેરાતું તેના ઉલ્લેખ મળે છે; દા.ત., અસિરિયનો શિરસ્ત્રાણ કે માથાનું કવચ પહેરતા. ગ્રીક અને ત્યારબાદ રોમન સૈનિકો પણ શિરસ્ત્રાણ ઉપરાંત શરીરના વચ્ચેના ભાગનું તથા ઘૂંટણથી નીચેના ભાગનું રક્ષણ કરવા માટે તાંબાનું કે પોલાદનું બખ્તર પહેરતા. મધ્યયુગમાં યોદ્ધાઓ સમગ્ર શરીરનું રક્ષણ કરી શકે તેવું માથા પર શિરસ્ત્રાણ અને ધડથી પગ સુધીનું બખ્તર પહેરતા. તેમના ચહેરાને ઢાંકવા માટે જાળીવાળું ખાસ બખ્તર બનાવવામાં આવતું. ચૌદમી સદીમાં પશ્ચિમના દેશોમાં યોદ્ધાઓ માટે ધાતુના પતરાનું બખ્તર બનાવવાની શરૂઆત થઈ; જેથી તીર, બરછી કે ભાલા જેવાં ધાતુનાં બનેલાં તીક્ષ્ણ શસ્ત્રો સામે સૈનિક પોતાનું રક્ષણ કરી શકે. માથા પર શિરસ્ત્રાણ, ગરદનથી પગ સુધી ધાતુની બનાવટનું બખ્તર, ધાતુનાં જ બનેલાં પગરખાં તથા ગરદનથી ચોતરફ પતરાનું આવરણ – આ હતો યોદ્ધાનો રણભૂમિ પરનો પોશાક. યોદ્ધાઓ ઉપરાંત જંગ પર મોકલવામાં આવતા હાથીઓ અને ઘોડાઓ માટે પણ યોગ્ય પ્રકારનાં બખ્તર બનાવવામાં આવતાં. અલબત્ત, યોદ્ધાના શારીરિક સંરક્ષણ માટે આ પ્રકારનો પોશાક યોગ્ય હોવા છતાં બખ્તરના ભારે વજનને કારણે સૈનિક માટે તે અગવડવાળું અને તેથી ત્રાસદાયક સાબિત થવા લાગ્યું. તેના ઉપાય તરીકે ધાતુના પતરાની જગ્યાએ ધાતુની ઝીણી જાળીનાં બખ્તર બનવા લાગ્યાં. ઘોડેસવાર સૈનિકોની ડાબી બાજુ તરફનો બખ્તરનો ભાગ વધુ મજબૂત બનાવવામાં આવતો, જેથી તેના શરીરના હૃદય તરફના ભાગને પૂરતું રક્ષણ મળી શકે.
સોળમી સદીમાં યુદ્ધભૂમિ પર દૂરથી હુમલા કરી શકે અને ધાતુના બખ્તરને પણ ભેદી શકે એવાં શસ્ત્રોની શોધ થઈ. દા.ત., ગનપાઉડર દ્વારા ફોડવામાં આવતી બંદૂકો, તોપો વગેરે. પરિણામે પરંપરાગત બખ્તરો ક્રમશ: નકામાં થતાં ગયાં. ઓગણીસમી સદીમાં પાયદળના સૈનિકો માટે શિરસ્ત્રાણ અને છાતીને રક્ષણ આપી શકે તેવાં જાળીવાળાં બખ્તરો સિવાય અન્ય બખ્તરો રદ કરવામાં આવ્યાં. માત્ર ઘોડેસવાર સૈનિકો જ માથા પર કવચ ઉપરાંત શરીરના ધડના આગળપાછળના ભાગને રક્ષણ આપી શકે તેવાં બખ્તર પહેરવા લાગ્યા.
ભારતીય બખ્તર પર ગંગાજમની, બિદ્રીકામ અને મીનાકારી પદ્ધતિનું નકશીકામ કરવામાં આવતું. પંજાબના શાસક મહારાજા રણજિતસિંહ માટે તેના લશ્કરના એક ફ્રેન્ચ અધિકારીએ પોતાના દેશમાં બનતા બખ્તરની આયાત કરી હતી એવો ઉલ્લેખ સાંપડે છે. ભારતમાં બનતાં બખ્તરો કરતાં પાશ્ચાત્ય દેશોમાં બનાવવામાં આવતાં બખ્તરો ગુણવત્તામાં ચઢિયાતાં હતાં એવો એક અભિપ્રાય છે. મહારાણા પ્રતાપસિંહ જે બખ્તર પહેરતા તેના પરથી રજપૂતોના યોદ્ધાઓ માટે કયા પ્રકારનાં બખ્તર બનાવવામાં આવતાં તેનો ખ્યાલ કરી શકાય છે. તેમના માથા પરના કવચને જિરેટોપ કહેવામાં આવતું. તેમાં નાકના રક્ષણ માટે જાળીની બનેલી નાકપટ્ટી, કાન તથા ગરદનની આજુબાજુના ભાગના રક્ષણ માટે ધાતુની ફરતી જાળી, પેટ અને પીઠના રક્ષણ માટે ધાતુનું અંગવસ્ત્ર, હાથના રક્ષણ માટે ધાતુનાં હાથમોજાં વગેરેની જોગવાઈ કરવામાં આવી હતી. મરાઠાઓનાં બખ્તરો મુઘલ તથા રજૂપત સૈનિકોનાં બખ્તર જેવાં હતાં. પાણીપતના યુદ્ધમાં મરાઠા સેનાપતિ સદાશિવરાવભાઉ તથા વિશ્વાસરાવે બખ્તર પહેર્યાં હતાં એવો ઉલ્લેખ સાંપડે છે.
વિશ્વયુદ્ધોના અભ્યાસ પરથી માલૂમ પડ્યું છે કે 80 ટકા સૈનિકો ગોળીઓ(shells)ના ટુકડા અને કરચોથી ઘવાય છે અને 70 ટકા ઘા મુખ્યત્વે ધડ (torso) ઉપર થતા હોય છે એટલે શરીરના આ ભાગના રક્ષણને અગ્રિમતા (priority) અપાય તે સ્વાભાવિક છે. બંદૂકની ગોળીઓ 0.303″, 0.32″ અને 0.38″ જેવાં વિવિધ માપની અને શંકુ આકારની હોય છે. રાઇફલમાંથી છૂટતી ગોળીમાં અમુક પ્રકારની ઘીસી પાડેલી હોવાને કારણે ગોળ ગોળ ફરે છે. તેથી તેની વેધક શક્તિ વધુ હોય છે. બખ્તરને હલકું અને હલનચલનને અનુકૂળ બનાવવા માટે સળંગ પ્લેટને બદલે ટુકડાઓને કાપડમાં સીવીને જાકીટ જેવું રૂપ આપવામાં આવ્યું હોય છે. તેમાં પોલાદ, ઍલ્યુમિનિયમ, ટાઇટનિયમ અને રેઝિનયુક્ત કાચના રેસાઓ તથા પકવેલ માટી(ceramics)નો ઉપયોગ કરવામાં આવ્યો હોય છે. આ પ્રકારનું બખ્તર ગોળાની કરચો સામે રક્ષણ આપી શકે, પણ બખ્તરને વીંધી શકે તેવી ગોળી સામે તે ભાગ્યે જ રક્ષણ આપે. આ દિશામાં સૌથી વધુ કામિયાબ નાયલૉનના ટુકડાનાં 16થી 24 પડ લઈને રજાઈની માફક સીવીને તૈયાર કરેલું છાતી અને પેટના ભાગને ઢાંકતું જાકીટ છે. બંદૂકની ગોળી નાયલોનના પડમાં જ ફસાઈ જાય છે, જેને લીધે તેની શક્તિ ક્ષીણ થઈ જતાં તે જાકીટની આરપાર નીકળી શકતી નથી. પહેરનાર વ્યક્તિને તે ફક્ત ઘસરકા જેટલી જ અસર કરી શકે છે. 1960 પછી આ પ્રકારનું જાકીટ વધુ વપરાશમાં આવી રહ્યું છે.
વીસમી સદીના છેલ્લા ત્રણ દાયકા દરમિયાન આતંકવાદના ફેલાવા સાથે હવે ભારતમાં અને અન્ય દેશોમાં રાજકીય નેતાઓ અને સરકારમાં ઊંચા રાજકીય હોદ્દાઓ ધરાવતા અગ્રણીઓ (VVIP અને VIP), મુત્સદ્દીઓ, રાજદૂતો, પોલીસ દળના ઉચ્ચ અધિકારીઓ, ગુંડાનો ભોગ બનનારી દહેશત ધરાવતા શ્રીમંતો વગેરે પણ હવે પોતાના રક્ષણ માટે બખ્તર પહેરતા થઈ ગયા છે. આ વર્ગના લોકો જે વાહનોમાં અવરજવર કરે છે તે વાહનોને પણ બખ્તરનું રક્ષણ આપવામાં આવે છે. આવાં બખ્તર હવે માત્ર સૈનિકો કે યોદ્ધાઓ માટે જ નહિ, પરંતુ વ્યાપક અર્થમાં ઘણા બધા નાગરિકો માટે આત્મરક્ષણનું અનિવાર્ય સાધન બની ગયાં છે. આ લોકો મહદ્અંશે નાયલૉનના દોરાનું તથા કાચના તંતુના પડવાળું પતરાનું જૅકેટ પહેરતા હોય છે, જેનું વજન માત્ર 4થી 5 કિગ્રા. જેટલું જ હોય છે. બંદૂક કે રિવૉલ્વરમાંથી તાકેલી ગોળી તેને વીંધી શકતી નથી અને તેથી આ બુલેટ-પ્રૂફ જાકીટ (vest) એક પ્રકારનું બખ્તર જ બની રહે છે. હવાઈ દળના વિમાનચાલકોની બેઠકની આજુબાજુ એવા પડદા મૂકવામાં આવે છે કે જેને વિમાનવિરોધી તોપોમાંથી છોડેલા તોપગોળાઓ પણ વીંધી શકતા નથી. આમ વૈમાનિક શરીર પર જે બખ્તર પહેરે છે તે ઉપરાંત તેને બેવડું રક્ષણ આપે તેવી વધારાની બખ્તરબંધ જોગવાઈ હવાઈ દળનાં વિમાનોમાં કરવામાં આવતી હોય છે.
બાળકૃષ્ણ માધવરાવ મૂળે