બક્ષિસવેરો : બક્ષિસ આપનારે આખા વર્ષ દરમિયાન આપેલી કુલ બક્ષિસ ઉપર ભારત સરકાર દ્વારા એક સમયમાં વસૂલ કરવામાં આવતો અને હવે રદ કરવામાં આવેલો કર. બક્ષિસવેરા ધારા – 1958ના આધારે ભારતમાં તા. 1–4–1958થી બક્ષિસવેરો ઉઘરાવવામાં આવતો હતો. આ કાયદો જમ્મુ-કાશ્મીર રાજ્ય સિવાય સમગ્ર ભારતમાં લાગુ પડતો હતો.
બક્ષિસવેરો વસૂલ કરવા પાછળનો હેતુ બક્ષિસના નામે એક વ્યક્તિ પોતાની મિલકત બીજી વ્યક્તિને તબદીલ કરી પોતાનો કરનો બોજ ઘટાડતી હતી તે અટકાવવાનો હતો. દરેક નાણાકીય વર્ષના પાછલા વર્ષ દરમિયાન કરેલી બક્ષિસોની કિંમત પર લેવાતા કર કે વેરાને બક્ષિસવેરો કહેવામાં આવતો હતો.
એક વ્યક્તિ દ્વારા સ્થાવર કે જંગમ (movable) મિલકત બીજી વ્યક્તિને સ્વૈચ્છિક રીતે કશાં નાણાં કે નાણાંમાં માપી શકાય તેવા વળતર વિના તબદીલ કરવામાં આવે તેને ‘ભેટ’ અથવા ‘બક્ષિસ’ કહેવામાં આવે છે. તેમાં મિલકતની તબદીલી અથવા રૂપાંતરનો પણ સમાવેશ થાય છે. આવી ભેટ અથવા બક્ષિસ પર વસૂલ કરવામાં આવતા કરને બક્ષિસવેરો કહેવામાં આવે છે.
બક્ષિસવેરા ધારાની કલમો અનુસાર : (1) અપૂરતા અવેજથી તબદીલ કરવામાં આવેલ મિલકત; (2) જે કિસ્સામાં મિલકતની તબદીલી કરનાર માલિકને તેનો અવેજ મળતો ન હોય તેવી મિલકત; (3) પૂરતા અવેજ વિના સ્વતંત્ર માલિકીની મિલકત પોતાની સાથે અન્યના સંયુક્ત નામે કરવામાં આવેલ મિલકત; (4) કોઈ મિલકતમાંનું, પોતાનું હિત અન્યને અપૂરતા કે કશા પણ અવેજ વિના તબદીલ કરવામાં આવે તેવા હિતનું મૂલ્ય; (5) હિંદુ અવિભક્ત કુટુંબની વ્યક્તિ પોતાની અંગત મિલકતનું કાયદાકીય વિધિ દ્વારા કુટુંબની મિલકતમાં રૂપાંતરણ કરીને તેને કુટુંબની મિલકત બનાવે તો આવી મિલકતો પૈકી આવા સભ્યના ભાગને બાદ કરતાં બાકીની મિલકતનું મૂલ્ય – એમ આ બધી મિલકતો માની લીધેલી (deemed) બક્ષિસો ગણાય છે અને તે કરવેરાને પાત્ર ઠરે છે.
ભારતની બહાર સ્થિત સ્થાવર મિલકતોની બક્ષિસ; ભારતીય રહીશ ન હોય તેવી વ્યક્તિ દ્વારા ભારત બહારની જંગમ મિલકતોની બક્ષિસ; બિનનિવાસી(non-resident)ના ખાતાની જમા રકમમાંથી બક્ષિસ; બિનનિવાસીના રૂપી-એકાઉન્ટ(Rupee Account)માંથી બક્ષિસ અને 7 %ના કૅપિટલ ઇન્વેસ્ટમેન્ટ બૉન્ડની રૂ. 10,00,000 સુધીની બક્ષિસ બક્ષિસવેરાને પાત્ર હોતી નથી. કેન્દ્ર સરકારનાં બચતપત્રો જો બક્ષિસ આપનારે વિદેશી હૂંડિયામણ મોકલીને ખરીદ્યાં હોય તો તે અને ભારતીય નાગરિક અથવા મૂળ ભારતીય વંશજ હોય તેવી વ્યક્તિ દ્વારા (કે જે ભારતમાં રહીશ નથી) ભારતના તેના કોઈ પણ સગાને પરદેશમાંથી પરિવર્તનશીલ (convertible) વિદેશી હૂંડિયામણ મોકલે તો તે કરમુક્ત છે. સ્પેશિયલ બેરર બૉન્ડ – 1991, સરકાર પાસેથી પ્રથમ વાર અરજી કરીને વ્યક્તિ અથવા હિંદુ અવિભક્ત કુટુંબે મેળવેલ રૂ. 5,00,000 સુધીનાં રિલીફ બૉન્ડ, બિનનિવાસી ભારતીય વ્યક્તિ દ્વારા બૉન્ડ ખરીદ્યાની તારીખથી ત્રણ વર્ષ બાદ બક્ષિસમાં આપેલાં બૉન્ડ, સરકારને આપેલી બક્ષિસ, જેને આવકવેરા ધારાની કલમ 80 જી લાગુ પડતી હોય તેવી જાહેર સખાવતી સંસ્થાને આપેલ બક્ષિસ, સરકારે માન્ય કરેલ ધાર્મિક સ્થળને આપેલી બક્ષિસ, લગ્નપ્રસંગે રૂ. 1,00,000 સુધીની બક્ષિસ, વસિયતનામા હેઠળની બક્ષિસ, મૃત્યુ-અપેક્ષિત બક્ષિસ (gift mortis causa), સંતાનના શિક્ષણ અંગે બક્ષિસ, માલિક દ્વારા પોતાના કર્મચારીને કે મૃત્યુ પામેલ કર્મચારીના આશ્રિતોને તેની સેવાની કદર તરીકે બોનસ, ગ્રેચ્યુઇટી કે પેન્શન સ્વરૂપે આપેલ બક્ષિસ, અને કેન્દ્ર સરકાર દ્વારા અધિસૂચિત (notified) ભૂદાન કે સંપત્તિદાન ચળવળ અન્વયે આપેલ બક્ષિસ કરમુક્ત ગણાય છે.
આ બક્ષિસવેરાનો ધારો તા. 1–4–1998થી રદ થયો છે.
દુષ્યંતકુમાર જનકરાય વસાવડા