બકોર પટેલ : ગુજરાતી બાળભોગ્ય કથાશ્રેણીનું જાણીતું પાત્ર. ‘બકોર પટેલ’ (ચોથો–પાંચમો દાયકો) એ બાલસાહિત્યકાર હરિપ્રસાદ મણિરાય વ્યાસ(25-5-1904 – 13-7-1980)કૃત ત્રીસ ભાગની કથાશ્રેણી છે અને બકોર પટેલ એ આ શ્રેણીનું મુખ્ય, બાળખ્યાત અને બાળપ્રિય એવું પાત્ર છે. ગુજરાતી બાલકથાસાહિત્યમાં હાસ્યરસનો પ્રવાહ વહેવડાવવામાં અને તેને સુઘટ્ટ બનાવવામાં જે કેટલાંક પાત્રોનો ફાળો છે, તેમાં બકોર પટેલ મુખ્ય અને પ્રથમ છે. અલબત્ત, તેમના પછી તરત જ જીવરામ જોષીના ‘મિયાં ફૂસકી’એ પણ એટલું જ પ્રભાવક કાર્ય કર્યું છે. ‘બકોર પટેલ’ એ સૂરતની ‘ગાંડીવ’ સંસ્થાનું ગુજરાતી બાળકોને અપાયેલું અમોલ નજરાણું છે.
‘ગાંડીવ’ સંસ્થાના સૂત્રસંચાલક નટવરલાલ માળવી (30-9-1900 – 16-4-1973) સાથે ગુજરાતી બાલકથાસાહિત્યમાં પ્રાણીપાત્રોવાળી કથાઓની ઊણપને દૂર કરવા સંદર્ભે હરિપ્રસાદભાઈને ચર્ચાવિચારણા થઈ ને તેમાંથી બકોર પટેલની પાત્રસૃષ્ટિ રચાઈ. હરિપ્રસાદભાઈને મોસાળના બકોરભાઈ મુખી યાદ આવ્યા, ને પોતાના પાત્રનું નામ સૂઝ્યું ‘બકોર પટેલ’ અને પાત્ર તરીકે લીધો બકરો. તેમની પત્નીનું નામ બકરી ઉપરથી ‘શકરી’ પટલાણી રાખ્યું ને ક્રમશ: પ્રાણીમુખ-નામ ધરાવતી, પણ જેનાં વાણી-વર્તન, રહેણી-કરણી સર્વ માણસ જેવાં હોય તેવી પાત્રસૃષ્ટિ રચાઈ. બીજી બાજુએ જોઈએ તો, રશિયન બાળસાહિત્યમાં પ્રાણીઓના નિમિત્તે માનવસમાજ પર ટીકા કરનારી કથાઓ મળે છે અને તેનો ઉલ્લેખ નટવરલાલને ‘Red Virute’ by Ella Winterમાંથી મળ્યો. એની ચર્ચા પણ હરિપ્રસાદભાઈ સાથે થઈ ને આ બધાંના પરિણામે આ શ્રેણીનું કમઠાણ – કાઠું – બંધાયું. આ પાત્રસૃષ્ટિમાં તેમના ચહેરાઓ તેઓ જે પ્રાણીનું નામ ધરાવતા હોય તે પ્રાણીના રાખવામાં આવ્યા છે; જેમ કે હાથીશંકરનો ચહેરો હાથી જેવો, ડૉક્ટર ઊંટડિયાનું વદન ઊંટ જેવું, ડાઘિયા જમાદાર ડાઘિયા કૂતરાનો ચહેરો ધરાવે. વળી એ નામો સાથે ગુણવાચકતાનો ખ્યાલ પણ સાંકળવામાં આવ્યો છે.
1936થી તે શ્રેણી લખાવા માંડેલી અને લગભગ દોઢ દાયકા સુધી એનાં પાત્રોએ – ખાસ કરીને બકોર પટેલે – બાળકો અને પ્રજાના હૃદયમાં આનંદથી સ્થાન જમાવી રાખેલું. આ પાત્ર પોતાના ગોટાળા– ફજેતા દ્વારા બાળકોનું મનોરંજન કરે છે, તેમને હસાવે છે, તો સાથે પોતાના જેવી હાસ્યાસ્પદ સ્થિતિના ભોગ બાળકો ન બને તેવું શિખવાડે છે.
બકોર પટેલ ઉતાવળિયા, ભુલકણા અને રઘવાટિયા છે. તેમને જેવો તુક્કો આવે કે તરત તેનો અમલ ! આથી અનેક પ્રકારના છબરડાઓનો ભોગ તેઓ બનતા રહે છે; જેમ કે, નાટક જોવા ગયેલા બકોર પટેલ ખાળમાંથી વંદા ન આવે માટે ખાળ બંધ કરી દે છે ને પાણીનો નળ ખુલ્લો રાખે છે. નાટક જોઈ આવે છે ત્યારે ઘર આખું જળબંબાકાર! ઉતાવળાપણાથી થતા ગેરલાભો કે ફજેતાઓ, ખોટી ડંફાસ કે મિથ્યાભિમાનથી થતી નુકસાની આવી અનેક બાબતોમાં તે બાળકોને પોતાના ભોગે શિક્ષણ આપે છે. એમના આવા બધા પ્રસંગોની રજૂઆતમાં લેખક કહેવતો – રૂઢિપ્રયોગોને પણ વણી લે છે, જેથી બાળકોને તેમનો પરિચય થાય છે. ક્યારેક લોકોની ખોટી માન્યતાઓનો કેવી રીતે બીજાઓ લાભ લે છે તે બતાવી સમાજનું વાસ્તવિક પ્રતિબિંબ પણ આ શ્રેણીમાં રજૂ કરવામાં આવ્યું છે.
બકોર પટેલ મોટા છબરડા જ વાળતા નહોતા, બુદ્ધિભરેલા પ્રયોગો પણ કરતા હતા. આવી અનેક કથાઓમાંની એક પ્રયોગાત્મક કથા ‘શૂરીપાક’ની છે, જેમાં બોલતી વખતે થતી શબ્દોની અવળાસવળીથી કેવી રમૂજ ફેલાય છે અને અનર્થ થાય છે તે બતાવાયું છે. ‘પૂરીશાક’ને બદલે ‘શૂરીપાક’, ‘પાકીટ’ને બદલે ‘કાપીટ’, ‘ક્યાં માંદો છું?’ ને બદલે ‘ક્યાં કાંદો છું?’, ‘સૂરણ’ને બદલે ‘ચૂરણ’ જેવા કથામાં પ્રયોજાતા શબ્દો- વાક્ય-પ્રયોગો બાળકોને આનંદ પમાડે છે. એ જ રીતે પ્રયોગ તરીકે ‘વાતોનાં નામ શોધો’ કથા છે; જેમાં બકોર પટેલની જ જુદી જુદી કથાઓનાં શીર્ષકો સાંકળી લેવામાં આવ્યાં છે. આમ અનેકવિધ રીતે આ કથાશ્રેણી બાળકોને આકર્ષે છે, હસાવે છે ને સાથે શીખવવા જેવું શીખવે છે. જોકે ક્યારેક તેમની વાતોમાં અસંભવિતતાનું તત્વ આવી જાય છે, પણ બાળકોને દુનિયાદારીના વાતાવરણનો વાસ્તવિક પરિચય આપવામાં તે સફળ રહે છે. બકોર પટેલની વાતોમાં સૂક્ષ્મ રીતે જોઈએ તો ‘‘આખરે તો એમાં ‘ઈસપનીતિ’નું જ કે ‘પંચતંત્ર’ કે ‘હિતોપદેશ’નું અર્વાચીન સાતત્ય જળવાઈ રહે છે’’.
આ કથાશ્રેણીએ નિર્દોષ હાસ્યરસ ભરપૂર રેલાવ્યો છે. આ કથાઓમાં પાત્રોને જુદાં જુદાં પ્રાણીઓના ચહેરા આપ્યા, તેથી જ કાંઈ હાસ્ય નીપજ્યું નથી, એમના દ્વારા વાસ્તવિક જીવનમાં જે બેહૂદાપણું છે તે જે રીતે પ્રગટ થયું છે તેમાંથી હાસ્ય નીપજ્યું છે, જે બાલભોગ્ય પણ બન્યું છે. બીજું, આ કથામાળામાંથી સાક્ષીભાવે મોટેરાંઓ પણ હાસ્યાનંદ પ્રાપ્ત કરે છે, એ પણ એની લોકપ્રિયતાનું મહત્વનું કારણ છે. 1995-96ના વર્ષ દરમિયાન તેનું સુંદર રંગબેરંગી ચિત્રોની સજાવટથી પુન:પ્રકાશન થયું છે. ‘બકોર પટેલ’ ગુજરાતી બાળકથાસાહિત્યના હાસ્યરસમાં અગ્રિમ સ્થાન ધરાવે છે.
શ્રદ્ધા ત્રિવેદી