બકુલાદેવી (ઈ.સ. 1022–1064) : ગુજરાતના સોલંકી વંશના રાજા ભીમદેવ પહેલાની ઉપપત્ની. ‘બકુલા’નું પ્રાકૃત રૂપ ‘બઉલા’ છે, જે જૈન પ્રબંધોમાં પ્રયોજાયેલું. એ સમયની નાગરી લિપિમાં ब અને च લગભગ સરખા લખાતા, આથી હસ્તપ્રતોમાં ‘बउला’ હતું તેને બદલે કેટલાકે સરતચૂકથી ‘चउला’ વાંચ્યું; ને એના પરથી ગુજરાતી નવલકથાકારોએ એનું વળી ‘ચૌલાદેવી’ એવું ‘ઇદં તૃતીયં’ જેવું જુદું રૂપ પ્રયોજ્યું ! ચૌલાદેવી પર ગુજરાતીમાં અનેક મોટી નવલકથાઓ લખાઈ ! વસ્તુત: પ્રબંધોમાં બઉલાદેવી વિશે ચાર-પાંચ લીટીનો ટૂંક વૃત્તાંત જ આપેલો છે.
બકુલા પાટણની જાજરમાન વ્યક્તિત્વ ધરાવતી સુપ્રસિદ્ધ વારાંગના હતી. મહારાજ ભીમદેવ એને મળતાં એના પર મોહિત થયા અને એની સાથે સોદો કર્યો. દરમિયાન ભીમદેવને માલવદેશ પર ચડાઈ કરવા જવાનું થયું. માલવ-વિગ્રહના લાંબા કાલ સુધી બકુલા ભીમદેવના સોદાને વફાદાર રહી. એની વફાદારીથી પ્રસન્ન થઈ ભીમદેવે વિગ્રહમાંથી પાછા ફરી તેને પોતાના અંત:પુરમાં દાખલ કરી. ભીમદેવથી એને ક્ષેમરાજ નામે પુત્ર થયો.
ભીમદેવને ઉદયમતિ નામે રાણી હતી. તે સોરઠના ચૂડાસમા રાજા ખેંગારની પુત્રી હતી. એને આગળ જતાં કર્ણ નામે પુત્ર જન્મ્યો. ભીમદેવે પોતાનો ઉત્તરાધિકાર ક્ષેમરાજને બદલે કર્ણને આપ્યો ને કર્ણદેવે 30 વર્ષ અને એના પછી એના પુત્ર સિદ્ધરાજ જયસિંહે 49 વર્ષ રાજ્ય કર્યું. સિદ્ધરાજ અપુત્ર રહેતાં, રાણી ઉદયમતિના વંશનો અંત આવ્યો ને રાજગાદીનો વારસો છેવટે બકુલાદેવીના વંશને મળ્યો. બકુલાદેવીનો પુત્ર ક્ષેમરાજ, એનો પુત્ર દેવપ્રસાદ, એનો પુત્ર ત્રિભુવનપાલ ને એનો પુત્ર કુમારપાલ. સિદ્ધરાજ જયસિંહનો ઉત્તરાધિકાર છેવટે કુમારપાલને પ્રાપ્ત થયો. એ વંશ લગભગ સો વર્ષ સત્તારૂઢ રહ્યો.
હરિપ્રસાદ ગં. શાસ્ત્રી