બકુલબનેર કવિતા (1976) : સ્વાતંત્ર્યોત્તર કાળના અસમિયા કવિ આનંદચન્દ્ર બરુવાનો કાવ્યસંગ્રહ. આ સંગ્રહ માટે એમને 1977માં કેન્દ્રીય સાહિત્ય અકાદમીનો વર્ષના શ્રેષ્ઠ અસમિયા પુસ્તકનો ઍવૉર્ડ મળ્યો હતો. વળી અસમિયા સાહિત્ય અકાદમી તરફથી પણ એમને પારિતોષિક અપાયું હતું. એમનાં કાવ્યો એટલાં બધાં લોકપ્રિય થયાં કે અસમિયા સાહિત્યમાં એ બકુલબનના કવિ તરીકે ઓળખાવા લાગ્યા.
એમની આ સંગ્રહની કાવ્યરચનાઓમાં એક નવો જ સૂર સંભળાય છે. તરેહતરેહનાં ર્દશ્યો, ધ્વનિ, રંગો અને ગંધો, કવિના ચિત્તમાં કેવી સંવેદના જગાડે છે તે એમણે આત્મનિરીક્ષણ કરીને દર્શાવ્યું છે. અસમિયા કવિતામાં આ અભિનવ પ્રયોગ છે, એટલું જ નહિ પણ ભારતીય કવિતામાં પણ આ પ્રકારનું નિરૂપણ અને કાવ્યવિષયની પસંદગી જવલ્લે જ જડે છે.
ચન્દ્રકાન્ત મહેતા