બંધ (રાજકારણ)

January, 2000

બંધ (રાજકારણ) : સાર્વજનિક હેતુ માટે રોજિંદાં વ્યાવસાયિક કાર્યોની સામૂહિક તહકૂબી. જ્યારે સમાજનો ઘણો મોટોભાગ કોઈ જાહેર વિષય અથવા મુદ્દા વિશે અસંતોષની તીવ્ર લાગણી અનુભવતો હોય અને એ તરફ સમાજ અને સરકારનું ધ્યાન દોરવા અથવા/અને એ અસંતોષને વાચા આપવા વ્યવસાયને લગતું પોતાનું તમામ કામકાજ બંધ રાખવાનો નિર્ણય કરે ત્યારે સામાન્ય રીતે એને ‘બંધ’ કહેવામાં આવે છે. એક અર્થમાં ‘બંધ’ સામાન્ય હડતાળનું સ્વરૂપ ધરાવે છે. એ દિવસે અથવા એ સમયગાળા દરમિયાન તેમાં જોડાનાર બધા વર્ગો પોતાનું કામ બંધ રાખીને વિરોધ-પ્રદર્શનમાં ભાગીદાર થાય છે.

બંધ ચોક્કસ વિસ્તારની લગભગ બધી વ્યાવસાયિક પ્રવૃત્તિઓને આવરી લે છે. બંધ ચોક્કસ વિસ્તાર, અમુક ગામ, નગર, જિલ્લા પૂરતો સીમિત હોય અથવા સમગ્ર રાજ્ય કે દેશને આવરી લે એટલો વ્યાપક પણ હોય.

વિરોધપ્રદર્શનનું આ માધ્યમ મહદંશે આર્થિક પરિમાણ ધરાવે છે. એ દરમિયાન અર્થતંત્રને નુકસાન જાય છે અને નાગરિકોને અનેક ઉપયોગી સેવાઓથી વંચિત રહેવું પડે છે, જેને લીધે તેમને ઘણી મુશ્કેલીઓ પણ સહન કરવી પડે છે. બંધ કોઈ અત્યંત મહત્વના અને તાકીદના પ્રશ્ન પરત્વે ધ્યાન દોરવાનું અને તે પ્રત્યે વિરોધ પ્રદર્શિત કરવાનું પણ એક અસરકારક માધ્યમ હોવાથી તે રાજકીય પરિમાણ પણ ધરાવે છે.

ભારત જેવા લોકશાહી દેશમાં નાગરિકો અને એમનાં વિવિધ સંગઠનો અભિવ્યક્તિનો મૂળભૂત હક ધરાવતાં હોઈ, બંધનાં એલાનો ફરજિયાતપણે પળાવવા માટે ‘ધમકીઓ’ અપાતી હોય છે એનો તો કોઈ રીતે બચાવ થઈ શકે તેમ નથી.

ઘણી વાર તો બંધનાં એલાનો રાજકીય પક્ષો અને અન્ય સામાજિક સંગઠનો વચ્ચેની સત્તાસ્પર્ધાનાં ઓજારો બની જાય છે. જનસમાજ પર પોતાનાં પ્રભાવ અને આધિપત્ય કેટલાં છે, એના વરવા પ્રદર્શન માટે પણ બંધોનાં એલાનો અવારનવાર અપાતાં હોય છે.

બહુ ઓછા રાજ્યવ્યાપી કે દેશવ્યાપી બંધો સ્વયંભૂ અને શાંતિપૂર્ણ હોય છે. મોટાભાગના બંધોને પળાવવા માટે ક્યારેક ખુલ્લી રીતે તો ક્યારેક પ્રચ્છન્ન રીતે બળજબરી કે ધાકધમકીનો ઉપયોગ કરવામાં આવે છે. આવા બંધો કાયદો અને વ્યવસ્થાની ર્દષ્ટિએ મોટા પ્રશ્નો ઊભા કરે છે. બંધને કારણે ક્યારેક વ્યાપકપણે જાનહાનિ અને જાહેર તેમજ ખાનગી માલમિલકતને નુકસાન પણ થાય છે. વળી એમના કારણે સામાન્ય જનજીવન ખોરવાઈ જાય છે. અસંગઠિત શ્રમજીવીઓ અને છૂટક, પરચૂરણ મજૂરી કરીને પેટિયું રળતા કરોડો લોકોનું જીવન અસહ્ય બને છે.

28 જુલાઈ 1997ના રોજ કેરળની વડી અદાલતે આવા રાજ્યવ્યાપી બંધોને ગેરકાનૂની અને ગેરબંધારણીય જાહેર કરતો એક મહત્વનો ચુકાદો આપ્યો છે. એણે જણાવ્યું છે કે જેઓ (રાજકીય પક્ષો અને સંગઠનો) આવા બંધનાં એલાનો આપે છે, અને પળાવે છે તેઓ નાગરિકોના કેટલાક મૂળભૂત હકો અને સ્વાતંત્ર્યો પર તરાપ મારે છે. બંધના દિવસે નાગરિકો મુક્તપણે હરવા-ફરવાની તેમની મૂળભૂત સ્વતંત્રતા ભોગવી શકતા નથી. એ દિવસે એઓ પોતાનો ધંધો-રોજગાર કરવાની સ્વતંત્રતા ભોગવી શકતા નથી. બીજું, બંધના દિવસે તોફાનો થાય, આગ અને લૂંટફાટના બનાવો બને તો છેવટે તો નિર્દોષ નાગરિકોને જ મોટાભાગે સહન કરવું પડે છે. બંધના દિવસે હિંસા અને પ્રતિહિંસાની ઘટનાઓ બને ત્યારે નિર્દોષ લોકોના જાન જાય છે. રાજકીય પક્ષોની બાબતમાં ચુકાદો જણાવે છે કે લોકપ્રતિનિધિ ધારા હેઠળ ચૂંટણીપંચ સમક્ષ રજિસ્ટ્રેશન મેળવતી વખતે રાજકીય પક્ષો બંધારણને વફાદાર અને તેના પાલન માટેના સોગંદ લે છે. મૂળભૂત હકો અને નાગરિકોની પાયાની સ્વતંત્રતાઓ એ બંધારણના મૂળભૂત માળખાનો ભાગ છે, એટલે એનું પાલન કરવાની એમની બંધારણીય અને કાનૂની જવાબદારી છે. આથી, કેવળ રાજકીય હેતુસર દેશવ્યાપી કે રાજ્યવ્યાપી બંધોનાં એલાનો આપવાં અને પછી તેમને પળાવવાં અને એમ કરીને નાગરિકોના મૂળભૂત હકો અને સ્વતંત્રતાઓ પર તરાપ મારવી એ ગેરકાનૂની અને ગેરબંધારણીય કહેવાય. આથી, આ ચુકાદો વધુમાં જણાવે છે કે બંધનાં એલાન આપનારની એ જવાબદારી બને છે કે બંધ શાંતિપૂર્ણ અને અહિંસક રહે. જો એમ ન થાય તો એ માટેની જવાબદારી બંધનું એલાન આપનાર પક્ષો કે સંગઠનોની ગણાય અને એ માટે એમણે નુકસાની પણ ચૂકવવી પડે.

નાગરિકો અને તેમનાં સંગઠનો(જેમાં રાજકીય પક્ષોનો સમાવેશ થઈ જાય છે)ના અહિંસક અને શાંતિમય વિરોધ-પ્રદર્શનના હકનો સ્વીકાર કરીને પણ આખા રાજ્યના નાગરિકોને બાનમાં લેતા રાજ્યવ્યાપી બંધનાં એલાનો આપવાના તેમના હકનો સ્વીકાર કરી શકાય નહિ, એમ આ ચુકાદાનો મુખ્ય સૂર છે. કેરળની વડી અદાલતે આપેલા આ ચુકાદાને ભારતની સર્વોચ્ચ અદાલતે મે 1998માં બહાલી આપી છે.

દિનેશ શુક્લ