બંધક ગોદામ (bonded godown) : બંદર અથવા વિમાનઘરની અંદર અથવા નજીકમાં જકાતપાત્ર માલ સંઘરવાની સુવિધા ધરાવતું ગોદામ. ગોદામના મુખ્ય 3 ર્દષ્ટિએ પ્રકાર પાડી શકાય : (1) માલિકીની ર્દષ્ટિએ, (2) જકાતના હેતુની ર્દષ્ટિએ અને (3) ઉપયોગની ર્દષ્ટિએ. બંધક ગોદામનો પ્રકાર જકાતના હેતુની ર્દષ્ટિએ થયેલો છે. આ પ્રકારનું ગોદામ બંદર કે વિમાનઘર પર અથવા બંદરની બહાર પણ આવેલું હોય છે. આ ગોદામનું સંચાલન બંદર પરના અધિકારીઓ, સરકાર કે સરકાર દ્વારા નિયુક્ત વ્યક્તિઓ કરતી હોય છે. આયાતકાર માલનો કબજો તાત્કાલિક લેવા માંગતો ન હોય અથવા માલની પુન:નિકાસ કરવા માંગતો હોય તો બંધક ગોદામમાં તે માલ રાખી શકે છે. ગોદામમાં માલ રાખવા માટે વેપારીએ નક્કી કરેલા દર પ્રમાણે ભાડું ચૂકવવું પડે છે. આમ બંધક ગોદામ એટલે એવી સંગ્રહ–ગોઠવણ કે જેમાં આયાત થયેલો પણ શુલ્ક ભર્યા વગરનો આયાતકારનો માલ જાળવી રાખી તેની ઘટિત વ્યવસ્થા કરવામાં આવે છે.
બંધક ગોદામ આયાતકારને વિવિધ રીતે લાભકારક છે : (1) આ ગોદામના કારણે ‘ઓછાં નાણાંથી બહોળો વેપાર’ આ સૂત્ર સિદ્ધ થઈ શકે છે. વેપારીઓનાં નાણાં જકાતમાં રોકાઈ જતાં નથી. વેપારમાં કાર્યશીલ મૂડીની અછત વરતાતી નથી. જેમ જેમ માલની જરૂર પડે તેમ તેમ વેપારી જકાત ભરીને માલ છોડાવી શકે છે. તેથી તત્કાલીન જકાત ભરવાની ચિંતામાંથી વેપારીને મુક્તિ મળે છે. (2) જો વેપારી તે માલની પુન: નિકાસ કરવા માંગતો હોય તો તેણે કોઈ શુલ્ક ભરવું પડતું નથી. (3) આ પ્રકારના ગોદામમાં માલ તોલવાની, માપવાની, નમૂના આપવાની, તપાસવાની અને પૅકિંગની સુવિધા પણ પૂરી પાડવામાં આવે છે. તેથી એ માટે માલને અન્યત્ર લઈ જવાના ખર્ચની બચત થાય છે. (4) બંધક ગોદામમાં રાખેલા માલનું નિરીક્ષણ થઈ શકે છે અને તે માલ ખરીદવાની ઇચ્છા રાખતા સંભવિત ગ્રાહકને તે બતાવી શકાય છે. જો સોદો થાય તો આયાત-શુલ્ક ભરી તે સીધેસીધો ખરીદનારને સોંપી શકાય છે. આ ગોદામ અંગત ગોદામ જેટલા જ ફાયદા કરાવી આપે છે. અને (5) આ ગોદામની રસીદ પર બૅંક પાસેથી ઉછીનાં નાણાં મેળવી શકાય છે.
આમ માલના સંગ્રહ માટે બંધક ગોદામ વેપારીઓ માટે આશીર્વાદરૂપ બને છે.
અશ્વિની કાપડિયા