બંદ્યોપાધ્યાય, કણિકા (જ. 12 ઑક્ટોબર 1924, સોનામુખી, જિલ્લો બાંકુરા; અ. 5 એપ્રિલ 2000, કલકત્તા) : રવીન્દ્રસંગીતનાં વિખ્યાત ગાયિકા. સમગ્ર શિક્ષણ વિશ્વભારતી ખાતે. નાની ઉંમરે રવીન્દ્રનાથ ટાગોરે કણિકામાં રહેલી સંગીત પ્રતિભાને પારખી હતી; એટલું જ નહિ, પરંતુ ગુરુદેવની નિશ્રામાં જ કણિકાએ સંગીતનું પ્રારંભિક શિક્ષણ લીધું હતું. ગુરુદેવ ઉપરાંત રવીન્દ્રસંગીતના કેટલાક અન્ય અગ્રણીઓ પાસેથી પણ તેમણે સંગીતની તાલીમ લીધી હતી; જેમાં શૈલજારંજન મજમુદાર, દેવેન્દ્રનાથ ટાગોર, ઇન્દિરાદેવી ચૌધરાણી તથા શાંતિદેવ ઘોષનો સમાવેશ થાય છે. 1943માં તેમણે વિશ્વભારતી યુનિવર્સિટીમાંથી શાસ્ત્રીય સંગીત અને રવીન્દ્રસંગીતમાં ડિપ્લોમાનો અભ્યાસક્રમ પૂરો કર્યો હતો અને ત્યારબાદ ત્યાંના સંગીતવિભાગમાં તેઓ અધ્યાપિકા તરીકે જોડાયાં હતાં, જ્યાં સમય જતાં તેમને ક્રમશ: રવીન્દ્રસંગીત અને નૃત્ય શાખાનાં વડાં તથા સંગત ભવનનાં આચાર્યાના પદ પર બઢતી આપવામાં આવી. યુવાવસ્થામાં તેમણે શાંતિનિકેતન ખાતે શાસ્ત્રીય નૃત્યની તાલીમ પણ લીધી હતી અને રવીન્દ્રનાથની પ્રેરણાથી શાંતિનિકેતન ખાતે વખતોવખત ઊજવાતા ઉત્સવોમાં રજૂ થતી નૃત્યનાટિકાઓમાં તેમણે ભાગ લીધો હતો.
1976માં ઇંગ્લૅન્ડ ખાતે યોજાયેલ ટાગોર ફેસ્ટિવલમાં ભાગ લેવા માટે તેમણે તે દેશની મુલાકાત લીધી હતી. તે ઉપરાંત તેમણે ડેન્માર્ક, જર્મની, અમેરિકા અને કૅનેડા જેવા દેશોમાં પણ રવીન્દ્રસંગીતના કાર્યક્રમોનું આયોજન અને સંચાલન કર્યું હતું. તેમના બહોળા શિષ્યવર્ગમાં ભારત ઉપરાંત બાંગ્લાદેશ અને કેટલાક અન્ય દેશોના રવીન્દ્રસંગીતના કલાકારોનો સમાવેશ થાય છે. તેમના શિષ્યો તેમને ‘મોહરડી’(gold coin)ના હુલામણા નામથી ઓળખતા હતા.
તેમણે તેમનું મોટાભાગનું જીવન શાંતિનિકેતનમાં એક આશ્રમવાસીને શોભે તેવી સાદાઈથી ગાળ્યું હતું. 1945માં તેમનાં લગ્ન બીરેન્દ્રચંદ્ર બંદ્યોપાધ્યાય સાથે થયાં હતાં.
બાળકૃષ્ણ માધવરાવ મૂળે