બંદૂક : ખભાનો ટેકો લઈ ધાર્યા નિશાન પર ગોળીબાર કરવા માટેનું શસ્ત્ર. જુદા જુદા હેતુઓ માટે તેનો ઉપયોગ થતો હોય છે; દા.ત., લશ્કર, પોલીસ દળ અને અન્ય અર્ધલશ્કરી દળો તેનો ઉપયોગ હુમલો કરવા માટે અથવા તોફાને ચડેલા ટોળાને કાબૂમાં લેવા માટે કરતા હોય છે, જ્યારે કેટલાક લોકો તેનો ઉપયોગ પ્રાણીઓનો શિકાર કરવા માટે અથવા નિશાનબાજીની સ્પર્ધાઓમાં ભાગ લઈ આનંદપ્રમોદ માટે કરતા હોય છે. બંદૂકના ઉપયોગના હેતુ મુજબ તેની બનાવટ કરવામાં આવે છે; દા.ત., યુદ્ધના મેદાન પર શત્રુ પર હુમલો કરવા કે તોફાને ચડેલાં ટોળાંઓને કાબૂમાં લેવા જે બંદૂકોનો ઉપયોગ કરવામાં આવે છે તે બંદૂકો કઠણ સાધનો(material)નો ઉપયોગ કરી બનાવવામાં આવે છે; જ્યારે પક્ષીઓ કે પ્રાણીઓનો શિકાર કરવા માટે કે નિશાનબાજીની સ્પર્ધાઓમાં નિર્જીવ નિશાનને તાકવા માટે જે બંદૂકો બનાવવામાં આવે છે તે પ્રમાણમાં હળવાં સાધનો દ્વારા બનાવવામાં આવતી હોય છે. સૈનિકો દ્વારા યુદ્ધભૂમિ પર ઉપયોગમાં લેવાતી બંદૂકો સ્વયંચાલિત અથવા અંશત: સ્વયંચાલિત (semi-automatic) હોય છે; જેમાંથી ગોળીઓની ઝડી વરસાવી શકાય, જ્યારે શિકાર માટેની કે સ્પર્ધા માટેની મોટાભાગની બંદૂકોનો ઉપયોગ કરતી વેળાએ દરેક વખતે ગોળીબાર કરતા પહેલાં તેમાં ગોળીઓ નવેસરથી ભરવી પડતી હોય છે. સ્વયંચાલિત કે અંશત: સ્વયંચાલિત બંદૂકો ઓચિંતા હુમલા માટે ઉપયોગમાં લેવાતી હોય છે. તેના નિશાનનું ક્ષેત્ર (range) ઘણું લાંબું હોય છે અને તેમાંથી છોડેલી ગોળી ધાર્યું નિશાન સાપેક્ષ રીતે વધુ ચોકસાઈથી પાડી શકે છે.
બંદૂકના ચાર મુખ્ય ભાગ હોય છે : (1) જેમાં ગોળી નિશાન તરફ જાય છે તે નળી અથવા મુખબંધ (barrel); (2) બંદૂકનો કુંદો; (3) યાંત્રિક પ્રક્રિયા કરતો તેનો ભાગ જેને ‘action’ કહેવામાં આવે છે અને જેના દ્વારા કારતૂસ (cartridge) એક પછી એક ભરવાની અને ત્વરિત ગોળી નિશાન તરફ છોડવાની ક્રિયા થતી હોય છે; (4) નિશાન તરફ વેધ લેવા માટેનું સાધન જેને અગ્રદર્શન અથવા અંગ્રેજીમાં ‘foresight’ કહેવામાં આવે છે. બંદૂકમાંથી ગોળી છોડવા માગનાર વ્યક્તિ જ્યારે નિશાન લે છે ત્યારે આગળ પાછળનાં ‘sights’ અને નિશાન એકદમ સીધી રેખામાં હોવાં જોઈએ. કેટલીક બંદૂકો ધાર્યા નિશાનને વીંધી શકે તે માટે તેમના પર દૂરબીન ગોઠવવામાં આવેલું હોય છે, જેનાથી દૂરનું નિશાન નજીક હોય તેમ દેખાય છે. બંદૂકના ઉપયોગની ત્રણ મુખ્ય પ્રક્રિયા હોય છે : (1) ગોળીઓ માટેના ખોખા(chamber)માં ગોળી અથવા કારતૂસ ભરવાં, (2) નિશાન તાકવું અને (3) બંદૂકનો ઘોડો (trigger) દબાવવો. ઘોડો દબાવવાની સાથે જ ક્ષણિકમાં ખોખામાંથી ગોળી ‘ફાયરિંગ ચેમ્બર’માં દાખલ થાય છે અને ત્યાં ચક્રાકાર ભમી (spin) તે નળીના મોઢામાંથી બહાર નિશાન તરફ દ્રુત ગતિથી પ્રયાણ કરે છે.

આકૃતિ 1 : બંદૂકના કેટલાક નમૂના
બંદૂકોનું વર્ગીકરણ કાં તો તેમાંની ક્રિયા(action)ને આધારે કરવામાં આવે છે, તેની ભાત (design) નિર્ધારિત કરનાર તેના મૂળ શોધકના નામ પરથી કરવામાં આવે છે અથવા તેની નળીના વ્યાસ(calibre)ના આકારને આધારે કરવામાં આવે છે. આ શસ્ત્રની શોધ પંદરમી સદીમાં થઈ હતી તેના પુરાવા સાંપડે છે. શરૂઆતની બંદૂકો સાવ પ્રાથમિક કક્ષાની (crude) બનાવટની હતી. તેમાં ક્રમશ: સુધારાવધારા થતાં હવે તેનું અદ્યતન સ્વરૂપ
AK-47 અને AK-57 પ્રકારની બંદૂકો રૂપે જોઈ શકાય છે.

આકૃતિ 2 : બંદૂકના ભાગ
મોટાભાગના દેશોમાં વ્યક્તિગત હેતુ માટે બંદૂક રાખવા માટે પરવાના લેવા પડે છે અને તેની રીતસરની વિગતવાર નોંધ પરવાના આપનાર સરકારી વિભાગ પાસે રાખવામાં આવે છે. રમખાણો ફાટી નીકળે ત્યારે સરકાર દ્વારા ખાસ આદેશ બહાર પાડી પરવાના ધરાવનાર વ્યક્તિઓ પાસેથી થોડાક સમય માટે તે સરકારમાં જમા કરાવવાની કાર્યવહી કરવામાં આવતી હોય છે.
આંતરરાષ્ટ્રીય સ્તર પર આ શસ્ત્રનો ધીકતો ગેરકાયદેસરનો વ્યાપાર ચાલે છે. તેને લીધે જ આતંકવાદીઓ કે કેટલાંક ઉદ્દામવાદી રાજકીય જૂથો તે સુલભતાથી પ્રાપ્ત કરી શકતાં હોય છે.
બાળકૃષ્ણ માધવરાવ મૂળે