ફ્લોરી, પૉલ જૉન (જ. 19 જૂન 1910, સ્ટર્લિંગ, ઇલિનૉઇ, યુ.એસ.) : અમેરિકન બહુલકરસાયણવિદ. ફલોરીએ મૅન્ચેસ્ટર સ્ટેટ કૉલેજ (ઇન્ડિયાના) અને ઓહાયો સ્ટેટ યુનિવર્સિટીમાં શિક્ષણ પ્રાપ્ત કર્યું અને 1934માં તેમણે ઓહાયો યુનિવર્સિટીમાંથી પીએચ.ડી.ની પદવી મેળવી. તેમનું કાર્યક્ષેત્ર યુનિવર્સિટી તથા ઉદ્યોગ વચ્ચે વહેંચાયેલું રહ્યું છે. 1934થી 1938 દરમિયાન તેમણે ડ્યૂ પૉન્ટ કંપનીમાં સંશ્લેષિત બહુલકો ઉપર કામ કર્યું તથા ત્યારબાદ બે વર્ષ સિનસિનાટી યુનિવર્સિટીમાં જોડાયા. 1940થી 1943 સુધી સ્ટાન્ડર્ડ ઑઇલ કંપનીમાં કામ કરીને ઍક્રન, ઓહાયોમાં ગુડઇયર ટાયર કંપનીમાં ફન્ડામેન્ટલ રિસર્ચના ડિરેક્ટર તરીકે 1948 સુધી રહ્યા. ત્યારબાદ તેઓ કૉર્નેલ યુનિવર્સિટીમાં પ્રોફેસર તરીકે નિમાયા. 1957માં કૉર્નેલ યુનિવર્સિટી છોડીને પિટ્સબર્ગમાં મેલન ઇન્સ્ટિટ્યૂટના સંશોધન ડિરેક્ટર બન્યા તથા અંતે 1961માં સ્ટૅન્ફર્ડ યુનિવર્સિટી, કૅલિફૉર્નિયામાં રસાયણના પ્રોફેસર બન્યા. 1976માં તેઓ સંમાન્ય (emeritus) પ્રાધ્યાપક તરીકે સ્થાન પામ્યા.

પૉલ જૉન ફ્લોરી
1930માં ફ્લોરીએ બહુલકોના ગુણધર્મોનો અભ્યાસ શરૂ કરેલો. તે સમયે મોટો પ્રશ્ન એ હતો કે બહુલકો કોઈ ચોક્કસ પરિમાપ(size)ની સંરચના ધરાવતા ન હતા. આ પ્રશ્ર્ન ઉપર ફ્લોરીએ સંશોધન કેન્દ્રિત કર્યું અને આંકડાકીય પદ્ધતિ (statistical methods) લાગુ પાડી. પછી તેમણે બિન-રેખીય બહુલકો અંગે એક સિદ્ધાંત રજૂ કર્યો. તેમણે જણાવ્યું કે આણ્વીય શૃંખલાઓ વચ્ચે તિર્યક બંધ (cross links) હોય છે. તેમણે ‘ફ્લોરી તાપમાન’ નામનો ખ્યાલ (concept) વિકસાવ્યો. આ એવું તાપમાન છે કે જ્યારે બહુલકોના ગુણધર્મો બાબત અર્થપૂર્ણ માપનો લઈ શકાય છે.
ઉત્તરાવસ્થાનાં તેમનાં સંશોધનોમાં રબર તથા અન્ય બહુલક પદાર્થોની પ્રત્યાસ્થતા (elasticity) અંગેનું સંશોધન જાણીતું છે. તેમનાં બે ખૂબ જાણીતાં પુસ્તકો છે : Principles of polymer chemistry (1953), અને Statistical Mechanics of Chain Molecules (1969).
બહુલકોના સૈદ્ધાંતિક તેમજ પ્રાયોગિક ભૌતિક રસાયણમાં મૌલિક પ્રદાન માટે તેમને 1974નું નોબેલ પારિતોષિક આપવામાં આવ્યું હતું.
જ. પો. ત્રિવેદી