ફ્લોરિજન : આવૃતબીજધારી વનસ્પતિઓમાં પુષ્પનિર્માણ માટે જવાબદાર અંત:સ્રાવ. પ્રકાશપ્રેરિત (photoinduced) પર્ણોમાં પુષ્પનિર્માણકારકો (flowering factors) ઉદભવે છે અને પ્રમાણમાં સરળતાપૂર્વક કલિકા તરફ તેનું વહન થાય છે. મિકેઇલ ચૈલાખ્યાને (1936) પુષ્પનિર્માણ પર સંશોધનો કર્યાં. તેમણે પ્રકાશપ્રેરિત પર્ણોમાં હાજર રહેલા પરિકલ્પિત અને અજ્ઞાત પુષ્પનિર્માણક અંત:સ્રાવ માટે ‘ફ્લોરિજન’ શબ્દનો પ્રયોગ કર્યો.
બે શાખાવાળા ગાડરિયાના છોડનું બીજા પાંચ છોડ સાથે શ્રેણીબદ્ધ પરસ્પર શાખારોપણ કરી પ્રથમ છોડની પ્રથમ શાખાને જ માત્ર પ્રકાશપ્રેરિત ચક્ર (photoinductive cycle) આપવામાં આવે તો એક શૃંખલાવત્ પ્રતિક્રિયાની જેમ બધા જ છોડમાં પુષ્પનિર્માણ થાય છે. આ પ્રયોગ ફ્લોરિજનના અસ્તિત્વ અને તેના સરળતાપૂર્વક થતા સંવહનનો પુરાવો આપે છે.
ઝિવાર્ટે (1958) દીર્ઘદિવસીય જાતિ Sedum spectabileની શાખાનું આરોપણ લઘુદિવસીય જાતિ પાનફૂટી (Kalanchoe blossfeldiana) પર કર્યું ત્યારે લઘુદિવસીય પરિસ્થિતિમાં તેમાં પુષ્પનિર્માણ થયું. તે જ પ્રમાણે લઘુદિવસીય ગાડરિયાની શાખાનું આરોપણ Silence armeria પર કરતાં તેમાં પણ પુષ્પનિર્માણ થયું. હડસન અને હૅમ્બરે (1970) પ્રયોગો કરી દર્શાવ્યું કે પુષ્પનિર્માણ થયું હોય તેવા ગાડરિયાનો નિષ્કર્ષ ડકવીડ(lemna)માં પુષ્પનિર્માણ માટે ઉત્તેજના આપે છે; પરંતુ તેની વાનસ્પતિક અવસ્થાનો નિષ્કર્ષ કોઈ અસર કરતો નથી. આ સંશોધનો પરથી ફલિત થાય છે કે ફ્લોરિજન જાતિ-વિશિષ્ટ નથી. તે લઘુદિવસીય અને દીર્ઘદિવસીય જાતિઓમાં લગભગ સમાન ગુણધર્મો દર્શાવે છે.
શાખારોપણના અભ્યાસથી જાણી શકાયું છે કે બે શાખારોપિત જાતિઓ વચ્ચે ફ્લોરિજનનું સંવહન અન્નવાહક પેશી દ્વારા પરિપાચિત દ્રવ્યોના પ્રવાહ સાથે થાય છે. ગ્રાહક-સહભાગીનું વિપત્રણ (defoliation) કરતાં અથવા તેને અલ્પ કિરણન આપતાં આ સંવહનની ક્રિયા પ્રેરાય છે. કેટલીક જાતિઓમાં અત્યંત તરુણ પર્ણોમાં અંત:સ્રાવ ઉત્પન્ન થાય છે. આ સમયે તેમનામાં પરિપાચિત દ્રવ્યોની આયાત થતી હોય છે. આમ, ફ્લોરિજનનું વહન પરિપાચિત દ્રવ્યોના પ્રવાહ ઉપરાંત અન્ય ક્રિયાવિધિ દ્વારા પણ થતું હોવું જોઈએ.
આ સંશોધનોએ પરિકલ્પના આપી કે ફાઇટોક્રોમ પ્રકાશ-પ્રતિક્રિયક (photorector) તરીકે પર્ણમાં થતા ફ્લોરિજનના નિર્માણમાં મધ્યસ્થી બને છે. તે વાનસ્પતિક વર્ધનશીલ પેશી તરફ વહન પામી તેને ઉત્તેજિત કરે છે અને તેનું પુષ્પીય વર્ધનશીલ પેશીમાં રૂપાંતર કરે છે. ફ્લોરિજનના અલગીકરણ અને તેની ઓળખ માટે સક્રિય સંશોધનો થયાં છે; છતાં આ પ્રયત્નો જૈવ-પરિમાપનની આધારભૂત પ્રવિધિને અભાવે સફળ થયા નથી. ગાડરિયું અને ડકવીડના પુષ્પનિર્માણક સક્રિયતા દર્શાવતા નિષ્કર્ષમાંથી કોઈ નિશ્ચિત સંયોજન પ્રાપ્ત થઈ શક્યું નથી; છતાં એવો નિર્દેશ છે કે ફ્લોરિજન આઇસોપ્રિનૉઇડ કે સ્ટેરૉઇડ જેવું ઍસિડિક ગુણધર્મોવાળું સંયોજન છે; જેને ફ્લોરિજનિક ઍસિડ તરીકે ઓળખાવવામાં આવે છે.
પ્રેરણહીન (noninductive) ચક્ર દરમિયાન મોટાભાગની દીર્ઘદિવસીય જાતિઓમાં જિબ્રેલિન પુષ્પનિર્માણને પ્રેરે છે; છતાં જિબ્રેલિનને પુષ્પીય અંત:સ્રાવ માનવામાં આવતો નથી; અથવા તે પુષ્પનિર્માણ માટે સીધેસીધો કારણભૂત નથી. આ ધારણા માટે બે પુરાવાઓ આપવામાં આવ્યા છે. દીર્ઘદિવસીય પ્રેરણ દ્વારા પુષ્પનિર્માણનું ઉત્તેજન (stimulation) અને દીર્ઘદિવસીય જાતિમાં જિબ્રેલિનનું ઉત્તેજન ભિન્ન ભિન્ન છે. દીર્ઘદિવસીય પ્રેરણમાં પુષ્પીય પ્રપેશી(primordium)નું વિભેદન અને પ્રકાંડની લંબવૃદ્ધિ સાથે સાથે થાય છે; જ્યારે જિબ્રેલિનના પ્રેરણ દરમિયાન પુષ્પીય શાખાની લંબવૃદ્ધિ પહેલાં થાય છે, જેને ઉત્સ્ફુટન (bolting) કહે છે અને પછી પુષ્પીય પ્રપેશીનું નિર્માણ થાય છે. આ સૂચવે છે કે જિબ્રેલિનપ્રેરિત વૃદ્ધિ અને વિભેદન પુષ્પીય વિભેદન અને વિકાસ માટેની જરૂરિયાત પૂરી પાડે છે. ક્લીલડ અને ઝિવાર્ટે (1970) આ પરિકલ્પનાને પુરાવો પૂરો પાડ્યો કે પુષ્પનિર્માણ અને પુષ્પીય શાખાની વૃદ્ધિ બંને અલગ પ્રક્રિયાઓ છે; અને તે કેટલેક અંશે ક્રમિક છે. Amo–1618નો ઉપયોગ જિબ્રેલિન-સંશ્લેષણના અવરોધક તરીકે કરી તેમણે શોધી કાઢ્યું કે પ્રકાશપ્રેરિત દીર્ઘદિવસીય વનસ્પતિ Silene armeriaમાં પુષ્પીય શાખાની લંબવૃદ્ધિ અવરોધાય છે અને પુષ્પનિર્માણ થતું નથી. આમ, પુષ્પનિર્માણ માટે બે પ્રક્રિયાઓની સંલગ્નતા જરૂરી નથી. ઉપરાંત, પ્રેરણહીન ચક્ર ધરાવતી લઘુદિવસીય વનસ્પતિમાં જિબ્રેલિન પુષ્પનિર્માણ પ્રેરતું નથી.
ચૈલાખ્યાને પ્રકાશપ્રેરિત લઘુદિવસીય અને દીર્ઘદિવસીય જાતિઓનાં પર્ણોમાં જિબ્રેલિનના પ્રમાણનું અનુમાપન કર્યું. તેનાં પરિણામો દર્શાવે છે કે દીર્ઘદિવસીય પરિસ્થિતિમાં ઉપયોગમાં લીધેલ કોઈ પણ વર્ગની વનસ્પતિમાં જિબ્રેલિનનું પ્રમાણ ઊંચું હોય છે. તેમણે પ્રકાશ-સામયિક પુષ્પનિર્માણની આ અનુક્રિયા માટે સંકલ્પના આપી; જેમાં પુષ્પીય અંત:સ્રાવને જિબ્રેલિન સાથે સાંકળવામાં આવ્યો છે. તેમણે જણાવ્યું કે પુષ્પનિર્માણની પ્રક્રિયા બે સોપાનો દ્વારા થાય છે. એક સોપાન જિબ્રેલિનની મધ્યસ્થીથી થાય છે અને બીજા સોપાન માટે ઍન્થેસિન તરીકે ઓળખાવાતા એક કે તેથી વધારે પુષ્પનિર્માણકારકો જવાબદાર છે. જિબ્રેલિન અને ઍન્થેસિન મળીને ફ્લોરિજન બને છે.
આ સંકલ્પના પ્રમાણે પ્રેરણહીન ચક્રવાળી દીર્ઘદિવસીય જાતિઓ પૂરતા પ્રમાણમાં ઍન્થેસિન ધરાવે છે; પરંતુ તેમાં જિબ્રેલિન અલ્પ હોય છે. જ્યારે પ્રેરણહીન ચક્ર ધરાવતી લઘુદિવસીય જાતિમાં જિબ્રેલિનનું પ્રમાણ વધારે અને ઍન્થેસિનનું પ્રમાણ ઓછું હોય છે. આ સિદ્ધાંત મુજબ પ્રેરણહીન દીર્ઘદિવસીય જાતિ પર જિબ્રેલિનની ચિકિત્સા આપતાં તેમાં પુષ્પનિર્માણ ઉત્તેજાય છે; પરંતુ પ્રેરણહીન ચક્રવાળી લઘુદિવસીય જાતિઓને જિબ્રેલિન આપતાં તેમાં તટસ્થ અસરો ઉત્પન્ન થાય છે. જોકે પુષ્પનિર્માણના સાંયોગિક પુરાવાઓ ઉપલબ્ધ હોવા છતાં ફ્લોરિજનની ઓળખ અને તેનું બંધારણ નક્કી કરવાનું બાકી રહે છે.
વિનોદકુમાર ગણપતલાલ ભાવસાર