ફલૉરિડા : યુનાઇટેડ સ્ટેટ્સના અગ્નિકોણમાં આવેલું રાજ્ય. ભૌગોલિક સ્થાન : તે આશરે 25° 00´થી 31° 00´ ઉ. અ. અને 80° 00´થી 87° 30´ પ. રે. વચ્ચે વિસ્તરેલું છે. રાજ્યનો કુલ વિસ્તાર 1,51,939 ચોકિમી. જેટલો છે. તેની ઉત્તરે જ્યૉર્જિયા તથા અલબામા રાજ્યો, પૂર્વ, દક્ષિણ તથા પશ્ચિમે આટલાન્ટિક મહાસાગર અને મૅક્સિકોનો અખાત આવેલા છે. ઉત્તર સરહદને બાદ કરતાં રાજ્યનો બધો જ ભૂમિભાગ આટલાન્ટિક મહાસાગરમાં આશરે 640 કિમી.ની લંબાઈમાં દક્ષિણ તરફ વિસ્તરેલો હોવાથી તે દ્વીપકલ્પીય રાજ્ય તરીકે પણ ઓળખાય છે. રાજ્યનો વાયવ્ય ભૂમિભાગ પશ્ચિમી વિસ્તરણ રૂપે મૅક્સિકોના અખાત તરફ લંબાયેલો હોવાથી ‘હાથા’ તરીકે જાણીતો છે.

યુનાઇટેડ સ્ટેટ્સમાં ફ્લૉરિડાનું ભૌગોલિક સ્થાન

વસ્તી : ખૂબ જ ઝડપથી વિકસતા જતા ફ્લૉરિડાની વસ્તી 1991 મુજબ 1,30,03,362 જેટલી છે. ટૅલહૅસી (Tallahassee) તેનું પાટનગર છે. માયામી, ટૅમ્પા, જૅક્સનવિલ અને સેન્ટ પીટર્સબર્ગ અન્ય અગત્યનાં શહેરો છે. વસ્તી પૈકી મોટાભાગની પ્રજા શ્વેત છે, જ્યારે 15 % અશ્વેતો અને 10 % હિસ્પૅનિક (ખાસ કરીને ક્યૂબન લોકો) છે.

પ્રાકૃતિક રચના : આટલાન્ટિકનું કારાનું મેદાન ફ્લૉરિડાના આખાય પૂર્વકાંઠાને આવરી લે છે. પૂર્વ કિનારાના છેડા તરફ આવેલી ફ્લૉરિડાની સામુદ્રધુની ફ્લૉરિડા અને બહામા ટાપુઓને અલગ પાડે છે. આ કિનારા નજીક રેતાળ આડ અને પરવાળાંના ખરાબા આવેલા છે. માયામીથી દૂર ફ્લૉરિડા કીઝ (Florida Keys) તરીકે ઓળખાતા નાના નાના ટાપુઓથી બનેલી હારબંધ સાંકડી પટ્ટી નૈર્ઋત્ય તરફના વળાંકમાં 240 કિમી.ની લંબાઈ સુધી વિસ્તરેલી છે. લાંબાં છીછરાં સરોવરો અને ખાડીસરોવરો, નદીઓ અને ઉપસાગરો આ કિનારાપટ્ટી પર અને મુખ્ય ભૂમિભાગની વચ્ચે વચ્ચે જોવા મળે છે. દક્ષિણ ફ્લૉરિડાના મોટાભાગ પર પંકભૂમિ અને ઘાસભૂમિના વિસ્તારો છવાયેલા છે. મૅક્સિકોના અખાત તરફી ફ્લૉરિડાના પશ્ચિમ કાંઠાનું મેદાન મુખ્ય બે ભાગોમાં વહેંચાયેલું છે : નૈર્ઋત્ય દ્વીપકલ્પીય વિભાગ અને વાયવ્યનો હાથાવાળો વિભાગ.

આટલાન્ટિક કિનારાથી પશ્ચિમ તરફની તથા હાથાની ઉત્તર તરફની ભૂમિ ઊંચાણવાળી છે. અહીંનો ઊંચામાં ઊંચો ભાગ 105 મીટરની ઊંચાઈ ધરાવે છે. તેમાં પણ ઘણાં સરોવરો રચાયેલાં છે. અહીંની ઊંચાણવાળી ભૂમિ પર પાઇનનાં જંગલો, જ્યારે દક્ષિણ તરફ ખાટાં ફળોનાં જૂથ જોવા મળે છે.

માયામીથી દક્ષિણે આટલાન્ટિક કિનારા પર મુખ્ય ગણાતો બિસ્કેન ઉપસાગર આવેલો છે, જ્યારે પશ્ચિમ કિનારા પર ચાર ઉપસાગરો આવેલા છે. આશરે 450 કિમી. લંબાઈમાં વહેતી સેન્ટ જૉન્સ નદી રાજ્યની લાંબામાં લાંબી નદી છે. 1,750 ચોકિમી. વિસ્તાર ધરાવતું ઓકીચોબી સરોવર રાજ્યનું મોટામાં મોટું તથા યુ.એસ.માં મિશિગન સરોવર પછીથી બીજા ક્રમે આવતું સ્વચ્છ જળનું સરોવર છે. રાજ્યના મધ્ય ભાગમાં આશરે 30,000 જેટલાં છીછરાં સરોવરો છે, તે ઉપરાંત 17 જેટલા મોટા તેમજ અસંખ્ય નાના ઝરા પણ આવેલા છે; ઘણાખરા ઝરા ખનિજીય પ્રકારના છે.

આબોહવા : ફ્લૉરિડા ઉપઅયનવૃત્તીય પ્રદેશમાં આવેલું છે. અહીં જાન્યુઆરીનું તાપમાન 16°થી 21° સે. વચ્ચે રહે છે. શિયાળાના 60% જેટલા દિવસો સૂર્યપ્રકાશિત રહે છે. રાજ્યનો કોઈ ને કોઈ ભાગ ધુમ્મસથી છવાયેલો રહે છે. જૂનથી સપ્ટેમ્બર સુધીનો ગાળો અહીં ગરમ  ગણાય છે, તે દરમિયાનનું જુલાઈનું સરેરાશ તાપમાન 27°થી 28° સે. જેટલું રહે છે. અહીં સરેરાશ વાર્ષિક વરસાદ 1,340 મિમી. જેટલો પડે છે. વરસાદનું આ પ્રમાણ વર્ષોવર્ષ બદલાતું રહે છે. ક્યારેક ક્યારેક હવામાનની વિષમતા, દુકાળ કે પૂરની પરિસ્થિતિ પાકને, ગોચરોને, જંગલોને અને શહેરી વિસ્તારોને નુકસાન કરી જાય છે. જુલાઈથી ઑક્ટોબર દરમિયાન ક્યારેક દક્ષિણ ભાગો તથા કીઝ ટાપુઓ હરિકેન જેવા ઝંઝાવાતોનો ભોગ બને છે.

જમીનો : ફ્લૉરિડાની મોટાભાગની જમીનો રેતીના વિશેષ પ્રમાણવાળી છે. પૂર્વ અને દક્ષિણ ફ્લૉરિડાના પ્રદેશો સમગ્ર યુ.એસ.માં એકમાત્ર એવા પ્રદેશો છે, જ્યાં જમીન-ધોવાણ (soil erosion) થતું નથી.

અર્થતંત્ર : ફ્લૉરિડાનું અર્થતંત્ર મુખ્યત્વે જથ્થાબંધ અને છૂટક વેપાર પર નિર્ભર છે. રાજ્યના 27% લોકો વેપારમાં રોકાયેલા છે. આ વેપાર પૈકી મોટરગાડીઓ અને કરિયાણાનો વેપાર વધુ વિકસ્યો છે. એ જ રીતે ખનિજતેલની પેદાશો તથા વિવિધ જાતનાં ખાટાં ફળોનો વેપાર પણ એટલું જ મહત્ત્વ ધરાવે છે. રાજ્યના 25% લોકો સામાજિક તેમજ અન્ય સેવાઓમાં, હોટલો, ઉદ્યાનો (મનોરંજનસ્થળો), ખાનગી શાળાઓ, દવાખાનાં તથા સમારકામની દુકાનોમાં રોકાયેલા છે. રાજ્યની વસ્તીવૃદ્ધિની સાથે સાથે નાણાકીય, વીમાકીય અને મિલકતો જેવા વ્યાવસાયિક ઉદ્યોગો વિકાસ પામતા ગયા છે. તેમાં મોટેભાગે નિવૃત્ત વ્યક્તિઓનો ફાળો વિશેષ છે. બૅંકિંગ અને વીમા ક્ષેત્રે માયામી તથા જૅક્સનવિલ જેવાં શહેરો પ્રધાન કેન્દ્રો બની રહેલાં છે. વિવિધ ચીજવસ્તુઓના ઉત્પાદનમાં માયામી અને તેની આજુબાજુનો વિસ્તાર આગળ પડતો ગણાય છે. અહીં અવકાશી સાધનો માટેની સામગ્રી તથા લશ્કરી સંચારનાં સાધનો પણ બને છે. ટૅમ્પા, જૅક્સનવિલ અને ઑરલૅન્ડો મહત્ત્વનાં ઉત્પાદક કેન્દ્રો છે.

પિયતનું પાણી બાષ્પીભૂત થઈ વેડફાઈ ન જતાં ટમેટાંના ફાલને વધુ પોષક બનાવવા
છોડ ઉપર પ્લાસ્ટિકનું આવરણ મૂકવાની ફ્લૉરિડાની લાક્ષણિક કૃષિ-પ્રણાલી

રાજ્યની ખેતીની કુલ આવકનો 80 % ભાગ સંતરાં તથા ગ્રેપફ્રૂટ, કાગદી લીંબુ, ટજેરીન, ટજેલો તેમજ ટૅમ્પલ જેવાં ખાટાં ફળોના વેચાણમાંથી મળી રહે છે. ટામેટાં તથા શેરડી અહીંના ઘણા મહત્વના કૃષિપાકો ગણાય છે. આ ઉપરાંત ગ્રીનહાઉસ અને નર્સરી-પેદાશોમાં આ રાજ્ય કૅલિફૉર્નિયાથી બીજા ક્રમે આવે છે.

યુ.એસ.માં થતા કુલ ફૉસ્ફેટ-ઉત્પાદનમાં ફ્લૉરિડા રાજ્ય એકલું 75 % જેટલો ફાળો આપે છે. આ રાજ્યમાં માછીમારીનો ઉદ્યોગ વ્યાપારી ધોરણે ઘણો વિકસ્યો છે.

માયામીનું આંતરરાષ્ટ્રીય હવાઈ મથક દક્ષિણ અમેરિકાના મુસાફરોની અવરજવર તથા ત્યાંના માલસામાનની હેરફેર માટે મહત્વનું અને મોકાનું સ્થાન ધરાવે છે, આ કારણે તે લૅટિન અમેરિકાનું પ્રવેશદ્વાર ગણાય છે. આ ઉપરાંત અહીં 15 જેટલાં ઊંડું જળ ધરાવતાં બંદરો આવેલાં છે, જ્યાંથી ઘણાં વહાણોની અવરજવર થતી રહે છે. આ પૈકી ટૅમ્પા બંદર મુખ્ય છે.

ઇતિહાસ : ફ્લૉરિડાના પશ્ચિમ કિનારા પર દટાઈ ગયેલા મળી આવેલા ટેકરાઓ પરથી જાણકારી મળી છે કે ઓછામાં ઓછાં 10,000 વર્ષ અગાઉ અહીં ઇન્ડિયન લોકો રહેતા હતા. અહીંના કિનારા પર જ્યારે પણ પ્રથમ વાર યુરોપીય લોકો આવ્યા ત્યારે 10,000 ઇન્ડિયન લોકો રહેતા હતા. સ્પૅનિશ સંશોધક જુઆન પોન્સ દ લિયોએ 1513માં આ દ્વીપકલ્પીય વિસ્તાર પર સ્પેનનો દાવો મૂકેલો. 1564માં સેન્ટ જૉન્સ નદી પર પ્રૉટેસ્ટન્ટ-પંથી સમૂહે એક વસાહત સ્થાપેલી. તેના બીજા વર્ષે સો જેટલા સ્પેનવાસીઓએ પણ સેન્ટ ઑગસ્ટિન નામથી એક વસાહત સ્થાપેલી. તેમણે ફ્રેન્ચ વસાહતી લોકોની હત્યા કરેલી અને પૂર્વ ફ્લૉરિડામાં તેમની વસાહત સ્થાપવાના પ્રયાસોનો પણ અંત લાવી દીધેલો. તેમણે તે પછીનાં 200 વર્ષ સુધી ફ્લૉરિડાના આ વિસ્તાર પર પોતાનો કબજો જાળવી રાખેલો; પરંતુ તે દરમિયાન અંગ્રેજોએ ઉત્તર ફ્લૉરિડામાં અને ફ્રેન્ચોએ પશ્ચિમ વિસ્તારમાં પોતાની વસાહતો સ્થાપી દીધી હતી. 18મી સદીના મધ્યકાળ વખતે આ બે સમૂહો વચ્ચે યુદ્ધો થયેલાં, જેમાં સ્પેને ફ્રાન્સને સાથ આપેલો. 1762માં બ્રિટિશ દળોએ ક્યૂબા કબજે કરી લીધું. 1763માં સ્પેને બ્રિટનને ક્યૂબાના બદલામાં ફ્લૉરિડા સોંપી દીધું.

1775–1783ની અમેરિકી ક્રાંતિ દરમ્યાન સ્પેનનાં દળોએ ફ્લૉરિડાનો કબજો ફરીથી મેળવી લીધો, પરંતુ 1821માં યુનાઇટેડ સ્ટેટ્સે ફ્લૉરિડાનો કબજો મેળવ્યો. 1822માં યુ.એસ. કૉંગ્રેસે ફ્લૉરિડાના પ્રદેશની સરહદો નક્કી કરી. ત્યારપછી હજારો અમેરિકી વસાહતીઓ અહીં આવ્યા, પરંતુ તેમને અહીં વસવા માટે પૂરતી જગ્યા મળી શકી નહિ. અહીંનાં કેટલાંક સમૃદ્ધ ખેતરોમાં સેમિનોલ ઇન્ડિયનો વસતા હતા. યુ.એસ. સરકારે ઇન્ડિયનોને ઓક્લાહોમાના પ્રદેશમાં ભૂમિ આપવાનો પ્રસ્તાવ મૂક્યો, પરંતુ તેમણે અહીંનું પોતાનું વતન છોડવા અનિચ્છા દર્શાવી.

19મી સદીના મધ્યકાળમાં આ કારણે સર્જાયેલાં યુદ્ધોને પરિણામે આ જાતિસમૂહોને અહીંથી જતા રહેવાની ફરજ પાડવામાં આવી. 1845માં આ રાજ્યને ગુલામ-રાજ્ય તરીકે પ્રવેશ મળ્યો, પરંતુ 1861ના જાન્યુઆરીની 10મી તારીખે તે યુનિયનમાંથી છૂટું પડ્યું અને 1868ના જૂનની 25મી તારીખે તે યુનિયનમાં ફરીથી જોડાયું.

1880ના દાયકામાં આ રાજ્યનો ઝડપી વિકાસ થતો ગયો. ભૂસ્તરશાસ્ત્રીઓએ અહીં ફૉસ્ફેટનિક્ષેપો શોધી કાઢ્યા. પંકભૂમિ-વિસ્તારોને નવસાધ્ય બનાવાયા, રેલમાર્ગો વિકસ્યા. અથતંત્રના વિકાસ અર્થે ખાટાં ફળોની વાડીઓ તથા વિહારધામોને ઉત્તેજન અપાયું. વીસમી સદીના પ્રથમ ચરણ દરમિયાન તે સમૃદ્ધ બન્યું.

આટલાન્ટિક મહાસાગર કિનારે તેમજ પનામાની નહેર નજીક મોકાનું સ્થાન ધરાવતું ફ્લૉરિડા રાજ્યનું મહત્વ બીજા વિશ્વયુદ્ધના સમયગાળા દરમિયાન વધી ગયું. આ કારણે અહીં ભૂમિ-નૌકા-હવાઈ સંરક્ષણમથકો સ્થપાયાં. વિશ્વયુદ્ધ બાદ રાજ્યની વસ્તીવૃદ્ધિ થવાથી અહીં પ્રવાસન તથા ઔદ્યોગિક વિકાસને વેગ મળ્યો. 1950–60ના દાયકા દરમિયાન કેનાવરલ ભૂશિર ખાતે અવકાશયાનો તથા રૉકેટો માટેનું મથક બની રહ્યું. 1960–70 દરમિયાન ક્યૂબા સામ્યવાદી કબજા હેઠળ આવવાથી ઘણા ક્યૂબાવાસીઓ માયામી તથા તેના નજીકના વિસ્તારોમાં આવીને વસ્યા. 1960–70ના એ જ દાયકા દરમિયાન અન્ય રાજ્યોની સાથે સાથે ફ્લૉરિડા પણ ઘણા જાતિવિગ્રહોમાં સામેલ રહેલું; તેમ છતાં અહીં ઉચ્ચ શિક્ષણ સહિત વિવિધ પ્રકારની સુવિધાઓ વિકસતી રહી, ઉદ્યોગો તથા અવકાશી અને સમુદ્રીય સંશોધનોની બાબતોને વેગ મળ્યો. 1970–90ના બે દાયકાઓમાં આ રાજ્ય વિકાસના પંથે આગળ વધ્યું છે.

ગિરીશભાઈ પંડ્યા