ફ્લૉરી, હાવર્ડ વૉલ્ટર (જ. 24 સપ્ટેમ્બર 1898, ઍડિલેડ, ઑસ્ટ્રેલિયા; અ. 21 ફેબ્રુઆરી 1968, ઑક્સફર્ડ) : ઑસ્ટ્રેલિયાના નામી શરીર-રોગવિજ્ઞાની. તેમણે અર્ન્સ્ટ બૉરિસ ચેનના સહયોગથી (1928માં ઍલેક્ઝાન્ડર ફ્લેમિંગે શોધી કાઢેલા) પેનિસિલીનને તબીબી સારવારના ઉપયોગ માટે છૂટું પાડ્યું અને તેનું વિશુદ્ધ રૂપ પ્રયોજ્યું.
તેમણે ઔષધવિજ્ઞાનનો ઍડિલેડ અને ઑક્સફર્ડ યુનિવર્સિટી ખાતે અભ્યાસ કર્યો. તે પછી તેમણે કૅમ્બ્રિજ તથા શેફિલ્ડ યુનિવર્સિટી ખાતે અધ્યાપનકાર્ય કર્યું. 1935માં તેઓ ઑક્સફર્ડમાં શરીરરોગવિજ્ઞાનના પ્રોફેસર નિમાયા. 1962માં તેઓ ઑક્સફર્ડની ક્વીન્સ કૉલેજના પ્રોવોસ્ટ નિમાયા અને 1965માં આજીવન ‘પિયર’નું સન્માન પામ્યા.
ફ્લૉરીએ રેસા પર થતા દાહ-સોજા વિશે શોધ-તપાસ કરી તથા શ્લેષ્મકલા(mucas membranes)ના સ્રાવ વિશે પણ સંશોધન હાથ ધર્યું. તે લાઇસોઝાઇમને વિશુદ્ધ કરવામાં સફળ થયા; આંસુ તથા લાળમાંથી મળતું આ એક પ્રકારનું જીવાણુવિષયક ઉત્પ્રેરક દ્રવ્ય છે. જેના પર તેની ક્રિયા થતી તેમાં લાઇસોઝાઇમની લાક્ષણિકતાઓ પ્રવેશતી. 1939માં જીવાણુવિરોધી દ્રવ્યોની પણ મોજણી કરી અને પેનિસિલીન પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કર્યું. ચેનના સહયોગથી તેમણે માનવ-અભ્યાસમાં તેના રોગનિવારક ગુણધર્મોનું નિદર્શન કર્યું અને તેના ઉત્પાદન માટે પદ્ધતિઓ વિકસાવી. વિશ્વયુદ્ધના પગલે તથા ઉત્તર આફ્રિકામાં તેમની સંશોધન-ટુકડીએ કરેલી કામગીરીના પરિણામે રોગોપચાર માટે પેનિસિલીનનો વ્યાપક ઉપયોગ થવા માંડ્યો.
તે રૉયલ સોસાયટીના અધ્યક્ષ તથા રૉયલ કૉલેજ ઑવ્ ફિઝિશિયન્સના ફેલો પણ હતા તેમજ બીજી પણ જે માનાર્હ ફેલોશિપ તેમને મળી ચૂકી હતી તેમાં રૉયલ ઑસ્ટ્રેલિયન કૉલેજ ઑવ્ ફિઝિશિયન્સની ઉલ્લેખનીય છે.
1945ના વર્ષનો નોબેલ પુરસ્કાર ફ્લેમિંગ, ચેન તથા ફ્લૉરીને સંયુક્તપણે અપાયો હતો.
મહેશ ચોક્સી