ફ્લૉબેર, ગુસ્તાવ (જ. 12 ડિસેમ્બર 1821, રુઇન, ફ્રાન્સ; અ. 8 મે 1880) : ફ્રેન્ચ સાહિત્યકાર. તેમની નવલકથાનાં પાત્રો જીવંત તથા વૈવિધ્યભર્યાં લાગે છે; સાથે સાથે એમનાં વર્ણનો પણ એટલાં જ તાર્દશ હોય છે. તેમની સચોટ અને ચોક્કસ નિરીક્ષણશક્તિ સાથે તેઓ ભાષા અને નવલકથાના સ્વરૂપ પર અત્યંત ધ્યાન આપતા હતા. તેમની નવલકથા ‘માદામ બૉવરી’ ફ્રેન્ચ સાહિત્યની સર્વોત્તમ નવલકથા કદાચ આ કારણે જ ગણાય છે.
એમણે સાહિત્યની ઉપાસનામાં એકલવાયું જીવન ગાળ્યું. કલાત્મક સૌંદર્યની રચના માટે તેમણે જીવનભર આરાધના કરી અને ભૌતિકવાદ પ્રતિ તિરસ્કાર દર્શાવ્યો.
તેમનો માનસિક ઝોક નાસ્તિકતા તથા નિરાશાવાદ તરફ હતો. તેમની કૃતિઓમાં લાગણીશીલતા કે ભાવનાત્મકતા ઓછા પ્રમાણમાં દેખાય છે, પણ તેમાં માનવતાનો ગુણ અપાર છે. તેઓ વાસ્તવદર્શી અને સાથે સાથે એટલા જ રોમૅન્ટિક પણ હતા તે તેમની કૃતિઓ પરથી સ્પષ્ટતયા વર્તાય છે. તેમનાં પાત્રો અને પ્રસંગોના તટસ્થ અને વસ્તુલક્ષી વર્ણનમાં દાખવેલી કાળજીમાં એમની વાસ્તવપ્રિયતાનાં દર્શન થાય છે, તો રોમાંચકતાનું દર્શન એમના વિશિષ્ટ વિષયવસ્તુમાં થાય છે.
‘માદામ બૉવરી’(1856)માં ફ્રાન્સના નૉર્મન્ડી પ્રાંતના એક ગામની પાર્શ્વભૂમિકામાં નાયિકાના વ્યભિચારનું કાવ્યાત્મક તથા વાસ્તવિક નિરૂપણ છે. ‘સલામ્બો’ (1862) એક રંગદર્શી નવલકથા છે અને એમાં પ્રાચીન કાર્થેજનું વર્ણન છે. ‘એ સેન્ટિમેન્ટલ એજ્યુકેશન’ (1869) આત્મકથનાત્મક સ્વરૂપની નવલકથા છે અને સાહિત્યિક વાસ્તવિકતાનું નિર્દેશન કરે છે. ‘એ ટેમ્પ્ટેશન ઑવ્ સેંટ ઍન્થની’ (1874) એક અદભુત કલ્પનાચિત્ર છે. ‘થ્રી ટેઇલ્સ’(1877)માં ત્રણ વિશિષ્ટ શૈલીવાળી મહાન વાર્તાઓ છે. ‘એ સિમ્પલ હાર્ટ’માં પ્રવર્તમાન વાસ્તવિકતા, ‘હિરોડિયાસ’માં બાઇબલની શૈલી અને ‘ધ લિજેન્ડ ઑવ્ સેંટ લિયન ધ હૉસ્પિટૉલર’માં મધ્યયુગની શૈલી છે. તેમની છેલ્લી નવલકથા ‘બૉવર્ડ ઍન્ડ ધ પેસુયેટ’ તેમના અવસાન બાદ 1881માં પ્રસિદ્ધ થયેલી.
‘માદામ બૉવરી’નો બે ખંડમાં અનુવાદ 1956 તથા 1957માં જયાબહેન ઠાકોર દ્વારા ગુજરાતીમાં સુલભ થયો છે.
જયા જયમલ ઠાકોર