ફ્લોરાઇટ (ફ્લોરસ્પાર)

March, 1999

ફ્લોરાઇટ (ફ્લોરસ્પાર) : કૅલ્શિયમ ફ્લોરાઇડ બંધારણ ધરાવતું ખનિજ. રાસા. સૂત્ર : CaF2. સ્ફ. વર્ગ : ક્યૂબિક. સ્ફ. સ્વ. : સ્ફટિકો સામાન્યપણે ક્યૂબ કે ઑક્ટાહેડ્રન સ્વરૂપોમાં; ભાગ્યે જ ર્હોમ્બ્ડોડેકાહેડ્રન સ્વરૂપમાં હોય; દળદાર, સ્થૂળ કે સૂક્ષ્મ દાણાદાર કે દ્રાક્ષનાં ઝૂમખાં જેવા પણ મળે, ભાગ્યે જ રેસાદાર કે સ્તંભાકાર હોય. યુગ્મતા (111) ફલક પર, ક્યૂબ સ્વરૂપોની આંતરગૂંથણીના યુગ્મસ્વરૂપે પણ મળે. પારદર્શકથી પારભાસક. સંભેદ : (111) ફલક પર પૂર્ણ. ભંગસપાટી : આછી વલયાકારથી કરચવાળી, બરડ. ચમક : કાચમય. રંગ : રંગવિહીન, આછો જાંબલી, ગુલાબી, કિરમજી, રતાશ પડતો, પીળો, લીલો, ભૂરો, કથ્થાઈ, ભૂરો-કાળો; આ બધા રંગો પૈકી કેટલાક રંગોની જુદી જુદી ઝાંયવાળો; રંગ ક્યારેક અનિયમિત રીતે વિતરણ પામેલો પણ હોય. પારજાંબલી પ્રકાશમાં ગોઠવાતાં તે પીળા, ભૂરા, લાલાશ પડતા, આછા જાંબલી રંગનું પ્રસ્ફુરણ કે પશ્ચાત્ સ્ફુરણ બતાવે છે. ચૂર્ણરંગ : રંગવિહીન. કઠિનતા : 4. વિ. ઘ. : 3.180. પ્રાપ્તિસ્થિતિ : ઉષ્ણજળજન્ય કે ઉષ્ણબાષ્પ પ્રક્રિયાજન્ય ખનિજ હોઈ ફાટશિરાઓમાં તેમજ અન્ય બખોલ પૂરણી નિક્ષેપ સ્વરૂપે તે સમૂહનાં ક્વાર્ટ્ઝ, કૅલ્સાઇટ, બેરાઇટ, કેસિટરાઇટ, સ્ફેલેરાઇટ અને ગેલેના સાથે મળી આવે છે. જળકૃત ખડકોનાં કોતરોમાં, ગરમ પાણીના ઝરાના નિક્ષેપોમાં, ગ્રૅનાઇટમાં અને પેગ્મેટાઇટમાં મળે છે. કેટલાક રેતીખડકોમાં તે સંશ્લેષણ-દ્રવ્ય (matrix) તરીકે પણ રહેલું હોય છે.

પ્રાપ્તિસ્થાનો : યુ.એસ., કૅનેડા, મૅક્સિકો, ઇંગ્લૅન્ડ, ફ્રાન્સ, ઇટાલી, નૉર્વે, સ્વિટ્ઝર્લૅન્ડ, રશિયા, માગોલિયા, દક્ષિણ આફ્રિકા અને ભારતમાંથી તે મળે છે. સમગ્ર દુનિયાનો ફ્લોરાઇટનો જથ્થો 33.6 કરોડ ટન જેટલો હોવાનું અંદાજવામાં આવેલું છે. તેની તુલનામાં ભારતનો ફ્લોરાઇટનો અનામત જથ્થો માત્ર તેના 0.6 % જેટલો જ છે.

ભારત : ભારતમાં ફ્લોરાઇટ-પ્રાપ્તિ મુખ્ય ત્રણ પ્રકારની રચનાઓમાં વિતરણ પામેલી જોવા મળે છે : (1) પ્રી-કૅમ્બ્રિયન ગ્રૅનાઇટ, નાઇસ, ક્વાર્ટ્ઝાઇટ, પૅગ્મેટાઇટ અને ક્વાર્ટ્ઝ શિરાઓમાં; દા.ત., ગુજરાતમાં આંબાડુંગર; રાજસ્થાનમાં ડુંગરપુર, જાલોર અને ઝુનઝુનુ; તામિલનાડુમાં ડુંગરગાંવ (ચંદ્રપુર); આંધ્રમાં નેલોર; મધ્યપ્રદેશમાં ચંદીડુંગરી(દુર્ગ)માં; (2) કાર્બોનેટાઇટ ખડકજૂથમાં; દા.ત., ગુજરાતમાં આંબાડુંગરમાં; (3) પ્રાગ્ જીવયુગ/પ્રારંભિક કૅમ્બ્રિયનની જળકૃત રચનાઓમાં; દા.ત., મધ્યપ્રદેશમાં રમણવાડા – રેવા-વિસ્તારમાં.

ફ્લોરાઇટ સ્ફટિકોનાં જુદાં જુદાં સ્વરૂપો

ગુજરાત રાજ્ય ફ્લોરાઇટનો વિશાળ જથ્થો ધરાવે છે. તે થોડા પ્રમાણમાં રાજસ્થાનમાંથી અને તેનાથી પણ ઓછું મધ્યપ્રદેશમાંથી મળે છે. દ્વીપકલ્પ અને હિમાલયના કેટલાક ભાગોમાં પણ ફ્લોરાઇટની શિરાઓ આવેલી છે. ભારતમાં ફ્લોરાઇટનું મોટાભાગનું ઉત્પાદન ગુજરાત રાજ્યના વડોદરા જિલ્લાના છોટાઉદેપુર તાલુકામાં આવેલી આંબાડુંગરની ખાણોમાંથી લેવામાં આવે છે. ગુજરાતનો ફ્લોરાઇટ જથ્થો એશિયાભરમાં મોટામાં મોટો ગણાય છે. અહીંનો કુલ અનામત જથ્થો આશરે 1 કરોડ 16 લાખ ટન જેટલો હોવાનો અંદાજ મૂકવામાં આવેલો છે.

ઉપયોગ : ફ્લોરાઇટ તેમાં રહેલી ફ્લોરિન માત્રાને કારણે રાસાયણિક ર્દષ્ટિએ મહત્વનું બની રહે છે. તેનો 85 % ઉપયોગ રાસાયણિક ઉદ્યોગમાં થાય છે. આ ખનિજ બે કક્ષાકીય પ્રકારો(grade)માં મળે છે. તેજાબ-કક્ષા (acid grade) અને ધાતુશોધન-કક્ષા (metallurgical grade). પ્રથમ કક્ષાનું ફ્લોરાઇટ, હાઇડ્રૉક્લૉરિક તેજાબ (HF), કૃત્રિમ ક્રાયોલાઇટ, ઍલ્યુમિનિયમ ફ્લોરાઇડ, અપારદર્શક તથા દૂધિયા કાચ જેવાં દ્રવ્યોની બનાવટમાં તેમજ સિરૅમિક ઉદ્યોગમાં ચીજવસ્તુઓને ઓપ આપવામાં વપરાય છે. દ્વિતીય કક્ષાનું ફ્લોરાઇટ પોલાદની બનાવટમાં પ્રદાવક તરીકે અને ફાઉન્ડ્રી-કાર્યમાં વપરાય છે. પારદર્શક ફલોરાઇટ ર્દગકાચ (lens) બનાવવામાં પણ વપરાય છે. ફેલ્સ્પારમાંથી પૉટાશ મેળવવા માટે, પૉર્ટલૅન્ડ સિમેન્ટની બનાવટમાં, ઘર્ષકચક્રોમાં બંધક (bond) તરીકે, જંતુનાશકોમાં, ખાદ્યજાળવણી (preservative)માં, રંગો માટે પણ તેનો ઉપયોગ કરવામાં આવે છે.

ગિરીશભાઈ પંડ્યા