ફ્રેન્ચ ભાષા : મૂળ ઇન્ડો-યુરોપિયન અને ત્યારપછી લૅટિનના પ્રોટોરોમાન્સ ભાષાજૂથની ગૅલોરૉમાન્ય શાખામાંની ફ્રેન્ચ બોલીઓમાંથી નિષ્પન્ન થયેલ ફ્રાન્સના લોકોની ભાષા. રોમાન્સ ભાષાઓમાં આંતરરાષ્ટ્રીય મોભો પ્રાપ્ત કરવામાં તેનું સ્થાન મોખરે છે. રાષ્ટ્રસંઘની તે માન્ય ભાષા છે. 21 દેશોમાં ફ્રેન્ચનું સ્થાન રાજકીય ભાષા તરીકે સ્વીકારાયું છે; જ્યારે 6 દેશોમાં તેનું સ્થાન રાજ્યની વધારાની અધિકૃત ભાષા તરીકે છે. ફ્રાન્સ અને કૉર્સિકામાં ફ્રેન્ચનો ઉપયોગ પ્રથમ ભાષા તરીકે થાય છે. કૅનેડામાં ફ્રેન્ચ બોલનારની સંખ્યા દિનપ્રતિદિન વધતી જાય છે. ક્વિબેકમાં ફ્રેન્ચ ભાષા માતૃભાષાની જેમ જ બોલાય છે. તેની લિપિ અંગ્રેજી જેવી છે. ઉપરાંત બેલ્જિયમ, સ્વિટ્ઝર્લૅન્ડ, મૉનેકૉ, ઇટાલી, અમેરિકા (મેઇન અને લુઝિયાનાં રાજ્યો), ફ્રેન્ચ  ગિયાના, આફ્રિકા, ઇન્ડોચાયના, હૈટી, લક્ઝમ્બર્ગ વગેરે પ્રદેશોમાં ફ્રેન્ચ બોલનાર અને લખી શકનાર લોકોની સંખ્યા મોટી છે.

ફ્રાન્સમાં અનેક બોલીઓ છે. મધ્યમાં ફ્રાન્સિયન, ઑર્લીઆને, બૉરબોને; શેમ્પીનોઇ; ઉત્તરમાં પિકાર્ડ, નૉર્ધર્ન નૉર્મન; પૂર્વમાં લૉરેન, બોર્ગ્વાનોં (બર્ગેન્ડિયન), ફ્રાન્ક-કોમ્તો; પશ્ચિમમાં નૉર્મન, ગૅલો, આન્જેવિન અને મેઇન તથા દક્ષિણ–પશ્ચિમમાં પોઇતેવિન, સેંતોંજી, આંગૉમોઇ. જોકે પ્રમાણભૂત ફ્રેન્ચ ભાષા પૅરિસ અને તેની  આજુબાજુના પ્રદેશોની બોલી ફ્રાન્સિયનમાંથી નીપજી છે. તેને ‘ઇલે દ ફ્રાન્સ’ પણ કહે છે. બારમી સદીના ઉત્તરાર્ધથી તેની અગત્ય સ્વીકારાઈ છે.

ફ્રેન્ચ ભાષાની અસર પશ્ચિમ યુરોપની ભાષાઓ પર સ્પષ્ટ છે. મધ્યયુગમાં તેની અસર જર્મની, સ્પેન અને ઇટાલીમાં થઈ. 1066માં ઇંગ્લૅન્ડ પર નૉર્મન ચડાઈ બાદ ત્રણસો વર્ષ સુધી તે અંગ્રેજ રાજ્યની, તેના દરબારની અને ઉચ્ચવર્ગના લોકો અને ઉમરાવોની ભાષા તરીકે રહી. આ અર્થમાં આધુનિક અંગ્રેજી જૂની અંગ્રેજી અને  જૂની ફ્રેન્ચ ભાષા પર આધારિત છે. પ્રબુદ્ધકાળ દરમિયાન ઇટાલિયન ભાષાના અનેક શબ્દો ફ્રેન્ચમાં  દાખલ થયા છે  અને આજે પણ તેમનો ઉપયોગ વ્યવહારમાં થાય છે. ઇટાલિયન ભાષાની અસર ફ્રેન્ચ પર સૌથી વધુ રહી છે. તેણે કલા, સંગીત, સાહિત્ય, રીતભાત, રાજકારણ, સેના-વિજ્ઞાન, બૅંકિંગ અને ભદ્ર સંસ્કૃતિના શબ્દો ફ્રેન્ચ ભાષાને આપ્યા છે. ફ્રેન્ચ ભાષાનું સ્વરૂપ છેલ્લા એક હજાર વર્ષમાં ખૂબ જ બદલાતું રહ્યું છે.

લૅટિન અને રોમન ભાષાના ઉચ્ચારોથી ફ્રેન્ચ ઉચ્ચારો જુદા પડે છે. દા.ત., લૅટિન (sure) અને (voice) ફ્રેન્ચમાં અને voix બને છે.

લૅટિન કરતાં ફ્રેન્ચ વ્યાકરણ વધુ સરળ છે. નામનાં બહુવચન બનાવતી વખતે અંતે  –s અથવા  –es લાગે છે; પરંતુ તેનો ઉચ્ચાર કરવામાં આવતો નથી. નર અને નારી જાતિ તેમની આગળ જોડવામાં આવતાં નામયોગી અવ્યય (article) કે વિશેષણથી ઓળખાય છે. ફ્રેન્ચમાં ક્રિયાપદનાં નર, નારી અને નાન્યતર એમ ત્રણ સ્વરૂપો છે. તેમનું એકવચન અને બહુવચન થાય છે. બંને વચનોની જોડણી જુદી જુદી થાય છે, પણ ઉચ્ચાર તો એકસરખો જ રહે છે.

લેટિનમાંથી રોમાન્સ ભાષાઓનો ઊગમ

સૅંત યુલેલિયા(880–882)નાં લખાણો જૂની ફ્રેચ ભાષામાં છે. દસમી સદીમાં ‘પૅશન દુ ક્રાઇસ્ત’ અને ‘વાય દ સૅત લીગર’ ઉત્તર અને દક્ષિણ ફ્રાન્સની બોલીઓમાં લખાયેલાં છે. ‘જોનાસ ફ્રેગમેન્ત’ તો ઉત્તરની બોલીમાં જ લખાયેલું છે.

વિ. પ્ર. ત્રિવેદી