ફ્રેન્ચ પોલિનેશિયા : પેસિફિક મહાસાગરમાં હવાઈ ટાપુઓથી દક્ષિણે 4,500 કિમી. અંતરે આવેલો ફ્રાન્સનો દરિયાપારનો પ્રદેશ. આ પ્રદેશનું કુલ ક્ષેત્રફળ પશ્ચિમ યુરોપીય વિસ્તારને સમકક્ષ ગણાવી શકાય. તેમાં છૂટા છૂટા આવેલા લગભગ 120 જેટલા નાનામોટા ટાપુઓનો સમાવેશ થાય છે, જેનો કુલ ભૂમિવિસ્તાર 3,265 ચોકિમી. જેટલો થાય છે. દક્ષિણ પેસિફિકમાં પૂર્વ ભાગમાં આવેલા આ ટાપુઓને મુખ્ય પાંચ દ્વીપસમૂહોમાં વહેંચેલા છે : 1. વાતાભિમુખ ટાપુઓ. 2. વાતવિમુખ ટાપુઓ. (આ બંને ‘સોસાયટી’ ટાપુઓના નામથી પણ ઓળખાય છે.) 3. ગેમ્બિયર ટાપુઓ સહિતનો તુઆમોટુ દ્વીપસમૂહ. 4. ઑસ્ટ્રાલ અથવા તુબાઈ ટાપુઓ. 5. માર્ક્વેસાસ ટાપુઓ. તાહિતી પરનું પાપીટે આ પ્રદેશનું પાટનગર છે.
અહીંના કેટલાક ટાપુઓ જ્વાળામુખીજન્ય છે, તો કેટલાક કંકણાકાર પ્રવાળદ્વીપ પણ છે. અહીં જાન્યુઆરી (ઉનાળા) અને જુલાઈ(શિયાળા)નાં સરેરાશ તાપમાન અનુક્રમે 27° સે. અને 24° સે. જેટલાં રહે છે. સરેરાશ વાર્ષિક વરસાદનું પ્રમાણ 2,106 મિમી. જેટલું રહે છે.
અહીંના મોટાભાગના લોકો પોલિનેશિયનો છે. તેમની સત્તાવાર ભાષા ફ્રેન્ચ અને તાહિતિયન છે. ટાપુઓની કુલ વસ્તી 1,88,814 (1988) હતી, જે 1994માં 2,16,600 થવાની શક્યતા હતી. પરાંઓ સહિત તેના પાટનગર પાપીટેની વસ્તી 78,814 જેટલી હતી. પ્રવાસન, ખેતી અને માછીમારી અહીંના લોકોની આર્થિક ઉત્પાદન માટેની મુખ્ય પ્રવૃત્તિઓ છે. નાળિયેર, મોતી અને અયનવૃત્તીય ફળો અહીંની મુખ્ય પેદાશો છે.
1843થી તે ફ્રેન્ચ-રક્ષિત પ્રદેશ તરીકે અને 1880–82માં તે ફ્રાન્સ સાથે જોડાયેલું હતું. 1958થી તે ફ્રાન્સના દરિયાપારના પ્રદેશ તરીકેનો દરજ્જો ભોગવે છે. ફ્રેન્ચ પોલિનેશિયનો ફ્રેન્ચ સંસદ માટે પ્રતિનિધિ ચૂંટી આપે છે અને ફ્રેન્ચ પ્રમુખશાહી-ચૂંટણીમાં મતાધિકાર ધરાવે છે. 1984ની બંધારણીય જોગવાઈ હેઠળ, આ પ્રદેશનો વહીવટ કાઉન્સિલ ઑવ્ મિનિસ્ટર્સ મારફતે થાય છે. પ્રાદેશિક એસેમ્બ્લી પોતાના સભ્યોમાંથી તેનો પ્રમુખ ચૂંટે છે; પ્રમુખ, ઉપપ્રમુખ તથા 9 બીજા મંત્રીઓને ચૂંટી કાઢે છે; આ ઉપરાંત આર્થિક અને સામાજિક હેતુઓ માટેની સલાહકાર સમિતિ હોય છે. 1995માં એક મુસદ્દો ઘડીને ફ્રેન્ચ પોલિનેશિયાને ‘દરિયાપારનો સ્વાયત્ત પ્રદેશ’ બનાવવાનું સૂચન મુકાયું છે.
ગિરીશભાઈ પંડ્યા