ફ્રેઝર, ઇયાન (જ. 6 જાન્યુઆરી 1953, ગ્લેસ્ગો, સ્કૉટલૅન્ડ) : ચિકિત્સીય પ્રતિરક્ષાવિજ્ઞાની. તેમણે 1977માં આયુર્વિજ્ઞાનીય ઉપાધિ ઍડિનબરો યુનિવર્સિટીમાંથી પ્રાપ્ત કરી; જ્યાં કાયચિકિત્સક (physician) અને ચિકિત્સીય પ્રતિરક્ષાવિજ્ઞાની તરીકેનું પ્રશિક્ષણ મેળવ્યું. 1981માં તેમણે ઑસ્ટ્રેલિયા સ્થળાંતર કર્યું અને 1998માં ત્યાંના નાગરિક બન્યા. 1980ના દસકાના પ્રારંભમાં હિપેટાઇટિસ બી વાઇરસ પર વૉલ્ટર ઍન્ડ ઍલિઝા હૉલ ઇન્સ્ટિટ્યૂટ, મૅલબોર્નમાં ચિકિત્સીય સંશોધનો કર્યાં. HPV(human papilloma virus)ના અભ્યાસ માટે તેમની 1985માં પ્રિન્સેસ ઍલેક્ઝેન્ડ્રા હૉસ્પિટલ, બ્રિસ્બેનમાં બદલી થઈ. થોડાંક વર્ષ પછી તેમણે યુનિવર્સિટી ઑવ્ ક્વિન્સલૅન્ડ્સ સેન્ટર ફૉર ઇમ્યૂનૉલૉજી ઍન્ડ કૅન્સર રિસર્ચની સ્થાપના કરી અને તેના નિયામક બન્યા. તેમણે HPVની સૌથી હાનિકારક જાતો દ્વારા લાગતા ચેપ સામે રક્ષણ આપતી સફળ રસી વિકસાવી અને આ વાઇરસ દ્વારા રોગગ્રસ્ત બનેલી સ્ત્રીઓ માટેની રસી વિકસાવવા પર સંશોધન કેન્દ્રિત કર્યું.
તેઓ HPV ચેપ અને ગર્ભાશયગ્રીવાના કૅન્સર વચ્ચે રહેલા સંબંધનો અભ્યાસ કરનાર અગ્રણી વૈજ્ઞાનિક હતા. જાતીય સંપર્ક દ્વારા આ રોગના વાઇરસનું પ્રસારણ થાય છે; જે ગર્ભાશયગ્રીવાના કોષોને ચેપ લાગુ પાડે છે. આવા ચેપ સામાન્ય હોય છે અને મોટે ભાગે કોઈ પણ ચિહનો સિવાય ચેપ દૂર થાય છે; પરંતુ કેટલાક કિસ્સામાં ચેપ દીર્ઘસ્થાયી બને છે અને ગર્ભાશયગ્રીવાના કોષો અસામાન્ય બને છે, જેથી કૅન્સર થાય છે. 1991માં ફ્રેઝર અને તેમના સહકાર્યકર જિયાન ઝાઉ વાઇરસ જેવા કણો બનાવવામાં સફળ થયા. આ કણો HPVની સામે પ્રતિરક્ષી પ્રતિક્રિયાનો પ્રારંભ કરે છે અને ગાર્ડાસિલ રસીનો મુખ્ય આધાર બનાવે છે. (ઝાઉનું 1999માં અવસાન થયું.) વિશ્વભરમાં પ્રતિવર્ષ 5,00,000 સ્ત્રીઓને આ કૅન્સર થાય છે; જેમાંથી 2,00,000 કરતાં વધારે સ્ત્રીઓ મૃત્યુ પામે છે. વિકસિત દેશોમાં ગર્ભાશયગ્રીવાના કૅન્સરનું પ્રમાણ પૅપ્ (pap) કસોટીના ઉપયોગને પરિણામે તદ્દન ઘટી ગયું છે. આ કસોટી દ્વારા ગર્ભાશયગ્રીવાના અસામાન્ય કોષોની પરખ થાય છે; જેઓ પછીથી કૅન્સરયુક્ત કોષોમાં પરિણમે છે. ફ્રેઝરે જોયું કે અલ્પવિકસિત દેશોની સ્ત્રીઓને રસીનો સૌથી વધુ લાભ મળવો આવશ્યક છે. તે આ રસીના કાર્યક્રમના પુરસ્કર્તા રહે તેવાં કેટલાંક સંગઠનો સાથે સંકળાયેલા રહ્યા; જેથી જરૂરિયાતમંદ સ્ત્રીઓને આ રસી સુલભ બને.
HPVનો પ્રતિકાર કરતી રસીના સંશોધન માટે ફ્રેઝરને 2006 ઑસ્ટ્રેલિયન તરીકેનું સન્માન પ્રાપ્ત થયું. મર્ક ઍન્ડ કંપની, ઇનકૉર્પોરેશન દ્વારા ‘ગાર્ડાસિલ’ નામ હેઠળ આ રસીનો વિકાસ કરવામાં આવ્યો. તેના ચિકિત્સીય પ્રયોગો ઑક્ટોબર 2005 દરમિયાન થયા; જે HPVની બે જાતો સામે અત્યંત પ્રતિકારક હતી; એક જાત 70 % ગર્ભાશયગ્રીવાના કૅન્સર માટે અને બીજી જાત 90 % જનનાંગી મસા (genital warts) માટે જવાબદાર હતી. 2006માં યુનાઇટેડ સ્ટેટ્સ સહિત ઘણા દેશોએ ગાર્ડાસિલને માન્યતા આપી. યુનાઇટેડ સ્ટેટ્સમાં ફૅડરલ વૅક્સિન ઍડ્વાઇઝરી પૅનલે 11થી 26 વર્ષની છોકરીઓ અને સ્ત્રીઓને આ રસી લેવાની ભલામણ કરેલી.
બળદેવભાઈ પટેલ