ફ્રૅન્કફર્ટ : જર્મનીનું મોટામાં મોટું શહેર અને વાહનવ્યવહાર માટે ખૂબ જાણીતું બનેલું કેન્દ્રીય મથક. ભૌગોલિક સ્થાન : 50° 07´ ઉ.અ. અને 8° 40´ પૂ.રે. તે કોલોન શહેરથી અગ્નિકોણમાં આશરે 160 કિમી.ને અંતરે રહાનની શાખા મેન નદીને કાંઠે વસેલું છે. મેન્ઝ ખાતે થતા રહાઇન-મેનના સંગમસ્થાનથી પૂર્વ તરફ આશરે 30 કિમી. ઉપરવાસમાં તે આવેલું છે. ઈ.સ. 500ના અરસામાં ફ્રૅન્ક લોકો ઉત્તરમાંથી દક્ષિણ તરફ અવરજવર કરવા માટે આ અનુકૂળ સ્થળેથી મેન નદી પસાર કરતા, ત્યારથી આ સ્થળનું નામ ‘ફ્રૅન્કફર્ટ’ (ફ્રૅન્ક મથક – ford of the Franks – ફ્રૅન્કો માટેનું પસાર થવાનું મથક) પડેલું હોવાનું કહેવાય છે; વાસ્તવમાં તેનું આખું નામ ‘ફ્રૅન્કફર્ટ ઍમ મેન’ છે.
પશ્ચિમ યુરોપનાં બધાં જ શહેરો સાથે તે રસ્તા અને રેલમાર્ગોની ગૂંથણીથી જોડાયેલું છે. અહીંનું ફ્રૅન્કફર્ટ હવાઈ મથક યુરોપના અન્ય કોઈ પણ હવાઈ મથકની તુલનામાં ઘણું મોટું છે. નદીમાર્ગો અને નહેરરચના પણ આ શહેરને ઉત્તર સમુદ્ર સાથે સાંકળી લે છે. આ શહેરને બારાં માટેનાં ત્રણ સ્થળ છે, જે જર્મનીનાં આંતરિક બંદરો પૈકી મહત્વમાં ત્રીજા ક્રમે આવે છે.
આ શહેર દુનિયાભરમાં વાણિજ્ય અને બૅંકિંગ સેવાઓ માટેનું ઘણું મોટું મથક ગણાય છે. 1798માં રૉથચાઇલ્ડ કુટુંબે તેની સર્વપ્રથમ બૅંક અહીં ખોલેલી. દર વર્ષે ફ્રૅન્કફર્ટમાં બે મોટા વેપારી મેળા ભરાય છે. સપ્ટેમ્બરમાં ભરાતો મેળો 1240માં શરૂ થયેલો, જ્યારે ફેબ્રુઆરીમાં ભરાતો મેળો 1330માં શરૂ થયેલો. આ ઉપરાંત આ શહેરમાં બીજા પણ વિશિષ્ટ પ્રકારના ઘણા મેળા ભરાય છે. તે પૈકીનો ‘પુસ્તકમેળો’ મહત્વનો હોય છે. અહીં રસાયણો, ઔષધો, યંત્રસામગ્રી, છાપકામ-સામગ્રી, ચામડાંનો માલસામાન તથા વીજળીનાં સાધનોનું ઉત્પાદન થાય છે. ખાદ્ય પદાર્થો પણ અહીં તૈયાર કરવામાં આવે છે.
ફ્રૅન્કફર્ટ તેના જર્મન બૌદ્ધિકો માટે તથા સંસ્કૃતિ માટે ગૌરવ અનુભવે છે. આ શહેર ખ્યાતનામ જર્મન લેખકકવિ ગટે (યોહાન વૉલ્ફગૅંગ ફૉન ગટે)નું જન્મસ્થળ છે. તેમનું મકાન હવે સંગ્રહસ્થાન તરીકે ઉપયોગમાં લેવાય છે. અહીંનાં આકર્ષણો પૈકી 15મી સદીનો રોમર ટાઉનહૉલ ઉલ્લેખનીય છે. આ ઇમારતમાં ‘કૈસરસાલખંડ’ છે, જે એક જમાનામાં જર્મન શહેનશાહો અને રાજકુમારો માટે સભાખંડ તરીકે વપરાતો હતો. અહીં ‘પૌલસ્કર્ચ’ નામનું દેવળ છે, જ્યાં 1848ની નિષ્ફળ ક્રાંતિના નેતાઓ મળેલા અને જર્મન રાષ્ટ્રીય બંધારણનો મુસદ્દો તૈયાર કરવામાં આવેલો. આ શહેરનાં અન્ય આકર્ષણોમાં સ્ટૅડેલ આર્ટ ઇન્સ્ટિટ્યૂટ, રાષ્ટ્રીય ઐતિહાસિક સંગ્રહાલય, શિલ્પ સંગ્રહસ્થાન, ગટે પુસ્તકાલય, ગટે યુનિવર્સિટી (1914) વગેરેનો સમાવેશ થાય છે.
ઇતિહાસ : ઈ.સ. પૂર્વે પહેલી સદીમાં સેલ્ટિક અને જર્મન વસાહતો આ સ્થળ પર વસતી હોવાના પુરાવા મળેલા છે. ઈ.સ. 500ના અરસામાં ફ્રૅન્કોએ રોમન કિલ્લો કબજે કર્યો ત્યારે અહીં વસાહત સ્થપાયેલી. ત્યારથી જર્મન પ્રજા અહીં વસતી હોવાનું જણાય છે. બીજા વિશ્વયુદ્ધ દરમિયાન બૉમ્બમારો થવાથી અર્ધું ફ્રૅન્કફર્ટ તારાજ થઈ ગયેલું, પરંતુ પછીથી આ શહેર ફરીથી બાંધવામાં આવેલું છે. 2020 મુજબ તેની વસ્તી 7,64,104 જ્યારે મેટ્રો શહેરની વસ્તી 56,04,523 જેટલી નોંધાયેલી હતી.
ગિરીશભાઈ પંડ્યા