ફ્રી પ્રેસ જર્નલ : ભારતનું અંગ્રેજી ભાષાનું રાષ્ટ્રીય વર્તમાનપત્ર. મુંબઈમાં દલાલમાર્ગ ઉપર સ્વામીનાથ સદાનંદે 1930માં સવારના દૈનિક રૂપે સ્થાપના કરી. મૂલ્ય બે આના રખાયું. આ એવો સમય હતો જ્યારે દેશ સમસ્ત સ્વાતંત્ર્યનાં આંદોલનોથી એક પ્રકારની જાગૃતિ અનુભવી રહ્યો હતો. નેતાઓની વાણી પ્રજા સુધી પહોંચાડવા તથા પ્રજાની આકાંક્ષાઓ અને રાષ્ટ્રીય સમર્થન નેતાઓ સુધી પહોંચાડવા સમૂહસંચારનાં સાધનોની અછત અનુભવાતી હતી. અંગ્રેજી ભાષામાં ‘ટાઇમ્સ ઑવ્ ઇંડિયા’ જાણીતું દૈનિક હતું. તે પ્રભાવશાળી પણ હતું; પરંતુ તેની માલિકી બ્રિટિશ કંપનીની હોવાથી તે અંગ્રેજી શાસનના વાજાથી વિશેષ નહોતું. આ ક્ષતિની પૂર્તિ કરવાના મનોરથ સાથે સદાનંદે ફ્રી પ્રેસ જૂથની સ્થાપના કરીને દેશને પોતાના સંનિષ્ઠ તંત્રીપદ હેઠળ એક રાષ્ટ્રીય દૈનિક આપ્યું. મુંબઈ મરાઠી વસ્તીમાં મોખરે હોવાથી 1932માં તેમણે ‘નવશક્તિ’ નામે સવારનું દૈનિક મરાઠીમાં ચાલુ કર્યું. તેની કિંમત એક આનો હતી. 1939માં ફ્રી પ્રેસ જર્નલની રવિવારની આવૃત્તિને સ્વતંત્ર સાપ્તાહિકનું રૂપ આપ્યું. એ રીતે ‘ભારત જ્યોતિ’ની સ્થાપના થઈ. સ્વતંત્રતા સમયે ફ્રી પ્રેસ જર્નલ તથા ‘ભારત જ્યોતિ’નો ફેલાવો વધીને દરેક નો 39,000 પર પહોંચેલો હતો. ‘નવશક્તિ’ દૈનિક પણ 32,000 જેવો ફેલાવો ધરાવતું હતું. મુંબઈના દોડાદોડભર્યા વ્યસ્ત જીવન માટે સવારનું દૈનિક ઓછું અનુકૂળ હતું. એવા ઘણા લોકો હતા જે છેક સાંજ પડ્યે છાપું જોવા પામતા. આથી સદાનંદે 1947માં સાંજનું અંગ્રેજી દૈનિક ‘ફ્રી પ્રેસ બુલેટિન’ આરંભ્યું. તેની કિંમત એક આનો રાખી. આ દૈનિક પણ ઝડપથી લોકપ્રિય બન્યું. સ્વાતંત્ર્યના આંદોલનના સમયે ફ્રી પ્રેસ જૂથનાં પ્રભાવશાળી પત્રોએ આંદોલનને વેગ મળે તે રીતે સમર્થન આપ્યું. સ્વતંત્રતા પછી પણ સદાનંદના તંત્રીપણા હેઠળનાં પત્રોએ રાષ્ટ્રના પ્રશ્નોની ચર્ચા કરતાં રહી રાષ્ટ્રીય વર્તમાનપત્ર તરીકેનું કર્તવ્ય બજાવવાનું ચાલુ રાખ્યું. વચ્ચે થોડો સમય બંસીલાલ વર્મા ‘ચકોર’ આ પત્રોના કાર્ટૂનિસ્ટ રહ્યા. અત્યારે ફ્રી પ્રેસ જૂથનાં પત્રોનું સંચાલન ઇંડિયન નૅશનલ પ્રેસ કરે છે. તેની સ્મૃતિમાં મુંબઈમાં તેના કાર્યાલયવાળા માર્ગને ફ્રી પ્રેસ માર્ગ નામ અપાયું છે. મુંબઈ ઉપરાંત દિલ્હી, પુણે અને કલકત્તાથી સ્થાનિક આવૃત્તિઓ બહાર પાડવામાં આવે છે.
બંસીધર શુક્લ