ફ્રીસિયન ટાપુઓ : ઉત્તર સમુદ્રમાંના સમુદ્ર-સપાટીથી ઓછી ઊંચાઈ ધરાવતા રેતાળ ટાપુઓની શૃંખલા. આ ટાપુ-શૃંખલા નેધરલૅન્ડ્ઝ, જર્મની અને ડેન્માર્કના દરિયાકિનારા નજીક સ્થાનભેદે 5થી 32 કિમી. અંતરે 53° 35´ ઉ. અ. અને 6° 40´ પૂ. રે.ની આસપાસ વિસ્તરેલા છે. આ ટાપુશૃંખલા મૂળ તો કિનારાને સમાંતર અગાઉ જમાવટ પામેલા રેતીના ઢૂવાઓથી બનેલી હતી, પરંતુ દરિયાઈ તોફાનોના મારાથી તૂટી તૂટીને અલગ અલગ ટાપુઓમાં વિભાજિત થયેલી છે. મુખ્ય ભૂમિભાગ અને આ ટાપુઓ વચ્ચે તદ્દન છીછરી દરિયાઈ પટ્ટી છે, તે વૉટનમિયર અથવા વાડેન ઝી તરીકે ઓળખાય છે. ઓટ વખતે તેનો અમુક ભાગ વેરાન કિનારા રૂપે ખુલ્લો બની રહે છે.

સમશીતોષ્ણ કટિબંધના ઉત્તર ભાગમાં આવેલા આ ટાપુઓની આબોહવા ઠંડી, વાદળછાયી અને વરસાદવાળી રહે છે. રેતાળ જમીન અને તોફાની પવનો વનસ્પતિવિકાસ માટે અવરોધરૂપ બની રહે છે; પરંતુ અહીંનાં જાણીતાં ‘ફ્રીસિયન ઢોર’ માટે અનુકૂળ ગોચર ભૂમિ તૈયાર થયેલી છે. ટાપુવાસીઓ સામાન્ય રીતે તો ખેતી કે મચ્છીમારીમાં રોકાયેલા હોય છે; પરંતુ ઉનાળાની મોસમમાં જ્યારે અહીં પ્રવાસીઓની અવરજવર વધી જાય છે ત્યારે લોકજીવન પ્રવૃત્તિમય બની રહે છે.

આ ટાપુઓનો વિસ્તાર સતત દરિયાઈ ધોવાણને કારણે ઘસાઈ જવાથી ઘટી ગયેલો છે, પરંતુ ત્યાં આડશો-અવરોધો બાંધીને ઘણી ભૂમિને નવસાધ્ય કરવામાં આવેલી છે. જર્મનીના છેક ઉત્તર ભાગમાં આવેલા સિલ્ટ ટાપુને બાદ કરતાં જર્મન ઉત્તર ફ્રીસિયન ટાપુઓ પર માત્ર હોડીઓ મારફતે જ અવરજવર કરી શકાય છે. ફ્રીસિયનો મૂળ જર્મનો છે, જે ઓછામાં ઓછાં 2,000 વર્ષથી આ ટાપુઓ પર વસે છે; તેમ છતાં તેમણે તેમનો કોઈ રાજકીય એકમ રચ્યો નથી; પરંતુ હવે આ ટાપુઓ ત્રણ યુરોપીય દેશો વચ્ચે વહેંચાઈ ગયા છે :

1. પશ્ચિમ ફ્રીસિયન ટાપુઓ : ટેક્સેલ ટાપુ (166 ચોકિમી.) ઉત્તર હોલૅન્ડ પ્રાંતમાં આવેલો છે. વ્લાઇલૅન્ડ ટાપુ (31 ચોકિમી.), ટરશેલિંગ ટાપુ (96 ચોકિમી.), ઍમલૅન્ડ ટાપુ (57 ચોકિમી.) અને સ્કિયરમોનિકૂગ ટાપુ (26 ચોકિમી.) ફ્રીસલૅન્ડ પ્રાંતમાં છે; રોટુમરૂગ ટાપુ (3.8 ચોકિમી.) તથા અન્ય નિર્જન ટાપુઓ ગ્રોનિન્જન પ્રાંતમાં આવેલા છે. આ બધા જ ટાપુઓ નેધરલૅન્ડ્ઝની સરહદમાં ગણાય છે.

2. પૂર્વ ફ્રીસિયન ટાપુઓ : બાલ્ટ્રમ (9 ચોકિમી.), બોર્કમ (36 ચોકિમી.), જુઇસ્ટ (17 ચોકિમી.), નૉર્ડરની (23 ચોકિમી.), લેન્ગિઉગ (18 ચોકિમી.), સ્પાઇકેરૂગ (14 ચોકિમી.) અને વાન્ગરૂપ (7 ચોકિમી.) ટાપુઓ જર્મનીની સરહદમાં લોઅર સૅક્સની રાજ્યમાં ગણાય છે.

3. ઉત્તર ફ્રીસિયન ટાપુઓ : આ ટાપુઓ જર્મન અને ડેનિશ – એવા બે વિભાગોમાં વહેંચાય છે. સિલ્ટ (93 ચોકિમી.), ફોહર (78 ચોકિમી.), પેલવૉર્મ (36 ચોકિમી.), નૉર્ડસ્ટ્રૅન્ડ (45 ચોકિમી.), ઍમરૂમ (21 ચોકિમી.) અને હેલિગોલૅન્ડ (60 હેક્ટર) જર્મનીની સ્લેસવીગ હોલસ્ટાઇન સીમામાં આવે છે; જ્યારે ફેનો (57 ચોકિમી.) અને મેનો (6 ચોકિમી.) ડેન્માર્કના રીબે પરગણામાં તથા રોમો (101 ચોકિમી.) ડેન્માર્કના ટોન્ટર પરગણામાં આવે છે. 1920 પહેલાં ડેનિશ ટાપુઓ જર્મન-પ્રશિયાના પ્રાંત સ્લેસવીગ હોલસ્ટાઇન હેઠળ હતા.

પશ્ચિમ ફ્રીસિયન ટાપુઓ પૈકીના મોટામાં મોટા ટેક્સેલ ટાપુએ દરિયાઈ મેદાની વિસ્તાર રચેલો છે, ડેનબર્ગ તેમાં આવેલું મોટું નગર છે. આ ટાપુ ડચ ભૂમિભાગના ડેન હેલ્ડર નગર સાથે ફેરી-સેવાથી સંકળાયેલો છે.

ઉત્તર ફ્રીસિયન ટાપુઓ પૈકીનો સૌથી મોટો ટાપુ સિલ્ટ છે. તેનો આકાર અંગ્રેજી મૂળાક્ષર T જેવો છે. ઉત્તર-દક્ષિણ વિસ્તરેલો Tનો ઉપરનો ભાગ 57 કિમી. લાંબો અને નીચેનો થડવાળો ભાગ 11 કિમી. લાંબો છે. તેની પહોળાઈ 1.6 કિમી. કે તેથી ઓછી છે. પૂર્વીય દ્વીપકલ્પ જળ ઉપર તૈયાર કરેલો માર્ગ (causeway) મુખ્ય ભૂમિભાગ સાથે જોડાયેલો છે. ત્યાં રેલમાર્ગ પણ બાંધવામાં આવેલો છે. આ ટાપુ પર ઘણાં વિહારધામો આવેલાં છે. કીટુમ અહીંનું મુખ્ય નગર છે.

અહીંના ટાપુવાસીઓ ફ્રીસિયન નામથી ઓળખાય છે. તેઓ ફ્રીસિયન ભાષા બોલે છે; તેમાં પશ્ચિમ, પૂર્વ અને ઉત્તર ટાપુઓના સ્થાનભેદે તેમની બોલીમાં ફેરફારો જોવા મળે છે. તેઓ ઇંગ્લિશ ભાષાની કેટલીક લાક્ષણિકતાઓ ધરાવે છે. ફ્રીસિયન ભાષાની પોતાની પણ કેટલીક સાંસ્કૃતિક પરંપરાઓ તેમાં જોવા મળે છે. 2020 મુજબ વસ્તી 81,341 હતી.

ગિરીશભાઈ પંડ્યા