ફ્રીઑન : પ્રશીતન (refrigeration) અને વાતાનુકૂલનમાં વપરાતાં મિથેન તથા ઇથેનના ફ્લોરીન ધરાવતા બહુ-હેલોજનયુક્ત વ્યુત્પન્નો. મોટાભાગના ફ્રીઑનમાં ફ્લોરીન ઉપરાંત ક્લોરિન કે બ્રોમીન હોય છે. ટ્રાઇક્લૉરોફ્લૉરોમિથેન તથા ડાઇક્લૉરોડાઇફ્લોરો મિથેનને અનુક્રમે ફ્રીઑન–11 તથા ફ્રીઑન–12 કહે છે.

ફ્રીઑન ઉત્તમ રાસાયણિક તેમજ ઉષ્મીય સ્થાયિત્વ ધરાવતાં, સળગી ન ઊઠે તેવાં, ખૂબ ઓછાં વિષાળુ પ્રવાહી સંયોજનો છે. ઉચ્ચ ઘનતા, નીચાં ગલનબિંદુ, નીચી શ્યાનતા તથા નીચાં પૃષ્ઠતાણ તેમની લાક્ષણિકતા છે. ગુણધર્મોના આવા નિરાળા સમન્વયને કારણે ફ્રીઑન પ્રશીતક તરીકે ખૂબ યોગ્ય સંયોજન ગણાય છે. જેમ અણુમાં વધુ ફ્લોરીન પરમાણુઓ હોય તેમ આ સંયોજનોનું સ્થાયિત્વ વધે છે. સૌથી વધુ જાણીતાં ફ્રીઑન–11 તથા –12 છે, જે કાર્બન ટેટ્રાક્લૉરાઇડ ઉપર SbCl4F ઉદ્દીપકની હાજરીમાં HFની પ્રક્રિયા દ્વારા બનાવવામાં આવે છે. ઉદ્દીપક ઍન્ટિમની પેન્ટાક્લૉરાઇડ તથા Hf વચ્ચેની પ્રક્રિયાથી મેળવાય છે. SbCl5 + HF → SbCl4F + HCl કાર્બન ટેટ્રાક્લૉરાઇડમાંના ક્લોરિનનું ફ્લોરીન દ્વારા નીચે પ્રમાણે વિસ્થાપન થાય છે :

ફ્રીઑન–11 (CCl3F) ઉ.બિં. 23.8° સે. સૌથી વધુ પ્રમાણમાં વ્યાપારિક તથા ઔદ્યોગિક ધોરણે વાતાનુકૂલન તથા જળશીતકો(વૉટર-કૂલર)માં વપરાય છે. ફ્રીઑન–12 (CCl2F2) ઉ.બિં. 29.8° સે. પ્રશીતકમાં વપરાય છે. આ ઉપરાંત નીચે દર્શાવેલાં વિવિધ ફ્રીઑન જાણીતાં છે.

પ્રશીતક ઉપરાંત ફ્રીઑન ઍરોસૉલ નીપજોમાં પ્રોપેલન્ટ (નોદક) તરીકે, દ્રાવક તરીકે તથા અન્ય ફ્લોરો સંયોજનો બનાવવા માટે મધ્યસ્થી સંયોજનો તરીકે વપરાય છે. સૌથી વધુ વપરાતું પ્રોપેલન્ટ ફ્રીઑન–12 છે, જે એકલું અથવા ફ્રીઑન–13 B1 સાથે વપરાય છે. ફ્રીઑન દ્રાવક તરીકે હાઇડ્રૉકાર્બન તથા ક્લોરિનયુક્ત દ્રાવકોની મધ્યમાં ગણી શકાય. બહુલકો તથા પ્લાસ્ટિકમાં પણ ફ્રીઑન મધ્યસ્થી તરીકે વપરાય છે.

જ. પો. ત્રિવેદી