ફ્રાયર, ડૉ. જૉન (સત્તરમી સદીનો ઉત્તરાર્ધ) : સૂરતમાં અંગ્રેજોની કોઠીનો સર્જ્યન. તે સૂરતમાં 1674થી 1691 દરમિયાન બે વાર આવીને રહ્યો હતો. એણે ‘એ ન્યૂ એકાઉન્ટ ઑવ્ ઈસ્ટ ઇન્ડિયા ઍન્ડ પર્શિયા’ નામના પોતાના ગ્રંથોમાં સૂરતની અંગ્રેજ કોઠીના વહીવટ વિશે તેમજ ત્યાંના ફુરજા તથા ટંકશાળ વિશે વિગતવાર માહિતી આપી છે. સૂરતના દુર્ગની રક્ષણવ્યવસ્થા અને એના સૂબેદારનો વૈભવ કેવો હતો એનું વર્ણન તેણે કર્યું છે. સૂરત શહેરની મુસ્લિમ પ્રજાની રીતભાત, તે લોકોના સામાજિક રિવાજો અને ઈદના તહેવારની ઉજવણી વિશે તેણે રસપ્રદ માહિતી આપી છે. આ ઉપરાંત તેણે સાલસેટમાં આવેલાં પોર્ટુગીઝોનાં વિવિધ સ્થળો – મુંબઈ, વસઈ, કાન્હેરીનો ટાપુ, ગોવા વગેરે વિશે પણ ઉપયોગી માહિતી આપી છે.
જયકુમાર ર. શુક્લ