ફ્રાન્સિસિયા : વનસ્પતિઓના દ્વિદળી વર્ગમાં આવેલા સોલેનેસી કુળની એક શોભન પ્રજાતિ. તે ક્ષુપ કે નાના વૃક્ષ સ્વરૂપે જોવા મળે છે અને ઉષ્ણકટિબંધીય અમેરિકા અને વેસ્ટ ઇંડિઝની સ્થાનિક (indigenous) વનસ્પતિ છે. ભારતીય ઉદ્યાનોમાં તેની સાત જેટલી જાતિઓનો પ્રવેશ કરાવવામાં આવ્યો છે. તેની એક જાણીતી જાતિનું નામ Franciscea bicolor syn. F. eximia અથવા Brunfelsia uniflora (Pohl) D. Don. syn. B. hopeana Benth. છે. તેને ‘કલ આજ ઔર કલ’ (yesterday, today and tomorrow) કહે છે. કારણ કે તેનાં પુષ્પો ખીલે ત્યારે જાંબુડી રંગનાં, બીજે દિવસે આછા વાદળી રંગનાં અને ત્રીજે દિવસે સફેદ રંગનાં થઈ જાય છે. જ્યારે ત્રણેય રંગનાં પુષ્પો એક જ છોડ ઉપર જોવા મળે ત્યારે ર્દશ્ય અત્યંત આકર્ષક બને છે.
તે 2 મીટર સુધીની ધીમી વૃદ્ધિ સાધતો, બ્રાઝિલનો મૂલનિવાસી ક્ષુપ છે અને ભારતમાં મધ્યમસરની ઊંચાઈએ સારી રીતે થાય છે. તેનાં પર્ણો લંબચોરસ ઉપવલયી(oblong-elliptic)થી માંડી ભાલાકાર (lanceolate) અથવા પ્રતિઅંડાકાર (obovate), 7.5 સેમી. લાંબાં અને આછા લીલા રંગનાં હોય છે. પુષ્પો એકાકી, 3થી 4 સેમી. પહોળાં અને તેનાથી વધારે લાંબાં, વાદળી-જાંબલી, ઘંટાકાર અને મંદ સુવાસિત હોય છે. વસંત ઋતુની આસપાસ આખો છોડ પુષ્પોથી ભરેલો હોય છે અને તેનાં ઘણાંખરાં પર્ણો તે સમયે ખરી પડેલાં હોવાથી તે સુંદર લાગે છે. જૈવ ખાતરથી ભરપૂર ભૂમિ અને તડકો અથવા અર્ધછાયા તેને સૌથી અનુકૂળ આવે છે. તેને મોટા કૂંડામાં પણ ઉછેરી શકાય છે. 17:17:17 નાઇટ્રોજન-ફૉસ્ફરસ-પોટૅશિયમનું મિશ્રણ 20 ગ્રા. અને ગાયનું છાણિયું ખાતર 5 કિગ્રા. પ્રતિછોડ આદર્શ માત્રા ગણાય છે. તેનું પ્રસર્જન બીજ, કટકારોપણ અથવા દાબ-કલમથી કરવામાં આવે છે.
તેનાં શુષ્ક મૂળ ‘મેનાકા’ નામનું ઔષધ આપે છે. તે બ્રાઝિલિયન ઔષધકોશ(pharmocopoeia)માં એક અધિકૃત ઔષધ છે. તે સ્વાદમાં સહેજ મીઠું અને મંદ સુવાસિત હોય છે. તે મેનાસિન (C22H33N2O11, ગ.બિં. 125° અથવા C15H23N4O5, ગ.બિં. 115°) અને મેનાસિઇન (C15H25N2O9) નામનાં આલ્કેલૉઇડ ધરાવે છે. મેનાસિન અત્યંત વિષાળુ આલ્કેલૉઇડ છે અને દેહધાર્મિક પ્રક્રિયાની ર્દષ્ટિએ સ્ટ્રિકનિન (વછનાગ કે ઝેરકોચલાના બીજમાંથી બનતું અતિતીવ્ર વિષ) સાથે સામ્ય દર્શાવે છે. તેની છાલમાં તે 0.086 % જેટલું હોય છે. મૂળમાંથી હોપિયેનિન નામના નવા આલ્કેલૉઇડનું અલગીકરણ કરવામાં આવ્યું છે. મૂળમાં સ્કોપોલેટિન (જિલ્સેમિનિક ઍસિડ), સ્ટાર્ચ (1.25 %) અને ભસ્મ (1.0 %) પણ હોય છે. સ્કોપોલેટિન વનસ્પતિના બધા ભાગોમાં હોય છે.
મૂળની ભૂકી કે તેનો પ્રવાહીમય નિષ્કર્ષ સંધિવા અને ઉપદંશ (syphilis) મટાડનાર ઔષધ છે. તે મૂત્રલ, પરિવર્તક (alterative), પ્રતિશોથજ (anti-inflammatory), સ્વાપક (narcotic) અને વિષાળુ પ્રક્રિયક છે. સફેદ ઉંદરને તેનો મિથેનોલિક નિષ્કર્ષ અંત:ઉદરાવરણ(intraperitoneum)માં આપતાં તે મધ્યસ્થ ચેતાતંત્રમાં અવનમક (depressant) પ્રક્રિયા દર્શાવે છે. તેનો ક્લૉરોફૉર્મ નિષ્કર્ષ મોં (100 મિગ્રા./કિગ્રા.) દ્વારા ઉંદરને આપવામાં આવતાં ફિનિલ બ્યૂટેઝોનની જેમ કૅરાજિનિન-પ્રેરિત પાદ-શોથ (pedal-oedema) ઘટાડવામાં અસરકારક નીવડેલ છે.
B. americana Linn. (લેડી ઑવ્ નાઇટ) 1.5 મી.થી 2.0 મી. ઊંચો ક્ષુપ છે. તેનાં પર્ણો 5થી 10 સેમી. લાંબાં, ઉપવલયી-ભાલાકાર (elliptic-lanceolate) અથવા ઉપવલયી-પ્રતિઅંડાકાર (elliptic-obovate) હોય છે. પુષ્પો સફેદ રંગનાં એકાકી અથવા ગુચ્છમાં હોય છે. તેનાં ફળ અનષ્ઠિલ પ્રકારનાં હોય છે. તે રાત્રિ દરમિયાન સુગંધી આપે છે.
ફળો સંકોચક (astringent) ગણાય છે અને અતિસાર અને જઠરના રોગોમાં પુષ્ટિકારક ઔષધ (tonic) તરીકે વપરાય છે. પ્રકાંડની છાલ, પર્ણો, પુષ્પો અને મૂળ અતિ અલ્પ પ્રમાણમાં સાઇનાઇડ ધરાવે છે. પર્ણોમાં ક્લૉરોજેનિક ઍસિડ હોય છે.
B. grandiflora D. Don. એક સુંદર ક્ષુપ છે. તેનાં પુષ્પો ઘેરા જાંબલી રંગનાં, મોટાં અને અગ્રસ્થ પરિમિત (cyne) કે કક્ષસ્થ ગુચ્છમાં ગોઠવાયેલાં હોય છે.
B. undulata Sw. (રેઇન ટ્રી) સદાહરિત ક્ષુપ કે નાનું વૃક્ષ છે અને B. americana સાથે ખૂબ સામ્ય દર્શાવે છે. B. americana, B. grandiflora અને B. undulataનાં પુષ્પો ખીલે ત્યારે સફેદ, બીજે દિવસે આછાં પીળાં અને ત્રીજે દિવસે તદ્દન પીળા રંગનાં બને છે.
મ. ઝ. શાહ
બળદેવભાઈ પટેલ