ફ્રાંકો, ફ્રાંસિસ્કો (જ. 4 ડિસેમ્બર 1892, અલફેરોલ, ગેલિસિયા પ્રાંત, સ્પેન; અ. 20 નવેમ્બર 1975, માડ્રિડ) : સ્પેનનો સરમુખત્યાર અને લશ્કરનો સરસેનાપતિ. 1910માં લશ્કરી એકૅડેમીમાંથી સ્નાતક થયા બાદ તેને રક્ષણાર્થે રાખેલા દળમાં ફરજ સોંપવામાં આવી. 1911માં તેણે સ્પૅનિશ મોરૉક્કોમાં સેવા આપવાની તૈયારી દર્શાવીને ત્યાંની જવાબદારી સ્વીકારી. 1923માં વિદેશમાં સેવા આપતા લશ્કરના ડિવિઝનનો તે કમાન્ડર બન્યો અને 1924માં બ્રિગેડિયર જનરલ તરીકે તેને બઢતી મળી. 1927માં રિવેરાની સરકારે તેને ઝારાગોઝાની લશ્કરી એકૅડેમીનો નિયામક નીમ્યો. 1935માં તેને લશ્કરી દળોના વડા તરીકે કેનેરી આઇલૅન્ડ્ઝ મોકલવામાં આવ્યો.
લશ્કર બળવો કરવાની તૈયારીમાં છે, એવી જાણ થતાં સ્પેનના વિદેશમાંના લશ્કર સહિત 17 જુલાઈ 1936ના રોજ ફ્રાંકો સ્પેનમાં પ્રવેશ્યો. બીજા સેનાપતિઓના સહકારથી તેણે બળવો કર્યો. તે સ્પેનના આંતરવિગ્રહ(1936–1939)માં પરિણમ્યો. તેને અન્ય બળવાખોર દળોનો સહકાર મળ્યો. 1 ઑક્ટોબર 1936ના રોજ ફ્રાંકો રાષ્ટ્રીય સરકારનો વડો બન્યો. તેને જર્મનીના હિટલર તથા ઇટાલીના મુસોલિનીનો ટેકો અને પ્રોત્સાહન મળ્યાં. 1937ના અંત સુધીમાં તેણે સ્પેનનો વાયવ્યનો પ્રદેશ જીતી લીધો. છેવટે માર્ચ 1939માં માડ્રિડ જીતી લેવામાં આવ્યું અને તે ફ્રાંસનો સરમુખત્યાર બન્યો. દ્વિતીય વિશ્વયુદ્ધ(1939–1945)માં સ્પેન જોડાયું નહિ, પરંતુ ફ્રાંકોએ ધરી રાજ્યો (જર્મની, ઇટાલી, જાપાન) પ્રત્યે પોતાની સહાનુભૂતિ જાહેર કરી હતી; તેથી સંયુક્ત રાષ્ટ્રોની સામાન્ય સભાએ એક ઠરાવ કરીને સ્પેનને અલગ પાડી દીધું હતું; પરંતુ નવેમ્બર 1950થી તે અલગતા દૂર કરવામાં આવી. પચાસ અને સાઠના દાયકાઓમાં પશ્ચિમનાં રાષ્ટ્રો સાથેના સ્પેનના સંબંધો સુધર્યા. યુનાઇટેડ સ્ટેટ્સે સ્પેનમાં પોતાનાં લશ્કરી થાણાં નાખ્યાં. તેના બદલામાં સ્પેનને આર્થિક સહાય મળી અને ફ્રાંકોનું સ્થાન મજબૂત બન્યું. 1955માં સ્પેનને સંયુક્ત રાષ્ટ્રોમાં પ્રવેશ આપવામાં આવ્યો.
ફ્રાંકોએ સ્પેનના અર્થતંત્રમાં સુધારા કરવા છતાં, 1956 તથા 1957માં વેતનો માટે મજૂરોએ હડતાળો પાડી, રાજકીય તંગદિલી વધી અને સાઠના દાયકામાં નવા – ગુપ્ત પક્ષો સ્થપાયા. ખાણિયા અને અન્ય કામદારોએ હડતાળો પાડી ત્યારે 1962માં હિંસક તોફાનો થયાં; તેથી તેણે મંત્રીઓ બદલ્યા. 1964માં આંતરવિગ્રહના રાજકીય કેદીઓને તેણે મુક્ત કર્યા. 1966માં તેણે નવા બંધારણનો અમલ શરૂ કરી લોકોને વધુ રાજકીય અને ધાર્મિક અધિકારો આપ્યા. સરકારના વડા તરીકે વડાપ્રધાનને અધિકારો આપ્યા અને પોતે રાજ્યનો આજીવન વડો રહ્યો. 1947માં લોકમત દ્વારા તેણે આજીવન હોદ્દા પર રહેવાના તથા પોતાનો વારસ પસંદ કરવાના અધિકારો મેળવ્યા હતા. 1966માં તેણે વર્તમાનપત્રો પરનાં નિયંત્રણો હળવાં કર્યાં. 1969માં તેણે જાહેર કર્યું કે તેના અવસાન પછી રાજા આલ્ફોન્સો 13માનો પૌત્ર પ્રિન્સ જુઆન કાર્લોસ રાજા બનશે. સિત્તેરના દાયકામાં સ્પેન આધુનિક ઔદ્યોગિક દેશ બન્યો હતો.
જયકુમાર ર. શુક્લ